Abtak Media Google News

ફાઇનાન્સીયલ ટેકનોલોજી સેવા ક્ષેત્રે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નવો ફીનટેક પાર્ક બનાવવા તૈયારીઓ: ખાસ પોલીસમથક બનાવવા પણ વિચારણા

નવા સ્ટાર્ટઅપ વિકસવાની સાથે આઇટી આધારિત ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ માર્ગ મોકળો

ગુજરાતને વૈશ્વિક આર્થિક પાટનગર બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીવાળી સરકારે કવાયત હાથ ધરી છે. જેના અનુસંધાને ફાઇનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવાઓ માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સીટી (ગિફ્ટ) ખાતે ફિનટેક પાર્ક સ્થાપવા તૈયારીઓ ચાલી રહી છે.

છેલ્લા ઘણા સમયથી ફિનટેક સેકટરનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાત સરકાર પણ વૈશ્વિક અને સ્વદેશી  મૂડી રોકાણને આકર્ષવા માટે પ્રયત્નશીલ છે. આ ઉપરાંત ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રે ઘણી ક્ષમતા છે જેનો સંગમ કરીને ફાઇનાન્સિયલ ટેકનોલોજી સેવાઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ બાબતે પોલીસી ઘડવાની કવાયત પણ શરૂ કરી દેવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પાર્કનો વ્યાપ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સીટી નજીકના નવા વિસ્તારો સુધી રહેશે.

રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાનોને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહી છે. કૃષિ, ટેકનોલોજી, આઇટી સહિતના સેકટરમાં વર્ષે દા’ડે નવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવે છે. જેમાંથી ઘણા સ્ટાર્ટઅપ યુનિકોર્ન બને છે અને વૈશ્વિક કક્ષાએ ખૂબ સફળ રહે છે. રૂપાણી સરકાર પણ યુવાનો ને સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાહત આપવા માટે તૈયાર છે દર વર્ષે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી માટે વિવિધ આયોજનો રાજ્ય સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવતા હોય છે.

આવી જ રીતે ફિનટેક એટલે કે ફાઇનાન્સિયલ ટેકનોલોજી સેવાઓ પણ સ્ટાર્ટ અપ ઉપર નિર્ભર છે. અત્યાર સુધી આ સેવાઓનું હબ સિંગાપોર હતું, હવે સિંગાપુરના સ્થાને કંપનીઓ ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાના એકમો શરૂ કરે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.

વર્તમાન સમયે કેન્દ્ર સરકાર દ્વારા તો ફિલ્મ ટેક ટ્રેક્ટર ને કેટલાક પ્રોત્સાહનો અપાય જ છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ વધારાના પ્રોત્સાહનો આપવામાં આવશે. આ ક્ષેત્ર માટે ટૂંક સમયમાં પોલિસી પણ ઘડી કાઢવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

પેટીએમ,  ફોનપે, રેઝરપે, મોબીક્વિક અને પેયુ જેવી મોટી કંપનીઓનું ઉદગમ સ્થાન ગુજરાત રહેશે. આઇટી આધારિત ઇકોસિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. ગુજરાતના ફિનટેક પાર્કના નામાંકિત કંપનીઓ પણ પોતાના એકમો સ્થાપવા તૈયાર હોવાનું જાણવા મળે છે.

અલબત્ત, હજુ સુધી ફિનટેક સેવાઓને લગતી પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે જે કંપનીઓ સ્થાપશે તેમને કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ હિલીડેની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય બજેટમાં આ મામલે જાહેરાત અપેક્ષિત છે.

વર્તમાન સમયે જે રીતે ઉત્પાદન એકમોને વીજદર અને સ્ટેમ્પ ડ્યુટી સહિતના મામલે સરકાર દ્વારા રાહતો આપવામાં આવે છે તેવી જ રીતે ફિનટેક સેવાઓ આપતી કંપનીઓને રાહત આપવામાં આવે તેવી શક્યતા છે.

આ ઉપરાંત પાર્કમાં નિર્માણ થનારી બિલ્ડિંગોને પણ વધુ એફએસઆઈ આપવામાં આવશે. જે કંપનીઓ કર્મચારીઓને તાલીમ જ કરશે તે કંપનીઓને પ્રોત્સાહનો અપાશે. આ ઉપરાંત ફિનટેક ઉદ્યોગ માટે અલાયદુ સ્ટાર્ટઅપ ફંડ પણ ફાળવવામાં આવશે.

ફીનટેક પાર્ક માટે પ્રોત્સાહનોની હારમાળા

  • ફીનટેક કંપનીઓને ઉત્પાદન એકમોની જેમ ઇપીએફ, વીજદર અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત
  • ફીનટેક પાર્કમાં નવા બિલ્ડિંગ માટે વધુ એફએસઆઇ
  • લોકોને તાલીમબદ્ધ કરવા બદલ પ્રોત્સાહનો
  • ફીનટેક ક્ષેત્રમાં અલાયક સ્ટાર્ટઅપ ભંડોળ
  • પાર્કમાં સ્થપાવા ઇચ્છતી કંપનીઓ માટે ખાસ પેકેજ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.