Abtak Media Google News

ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આઈ.કે. જાડેજા, ધનજી પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજયના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ  જણાવ્યું હતું કે, રાજયમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશયથી ગરીબ કલ્યાણ મેળાના અંતિમ તબકકામાં ૧૫૦૦ મેળા દ્વારા ૧ કરોડ કરતા વધુ લાભાર્થીઓને રૂપિયા ૨૫ હજાર કરોડની સહાય અને સાધન સામગ્રી આપવામાં આવી છે.

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ વચેટીયા ન લઈ જાય અને પારદર્શિકતા જાળવવા લાભાર્થીના હાથમાં જ સીધી સહાય પહોંચાડવા આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા સફળતા મળી છે. આ તબકકે મંત્રીશ્રી બાવળીયાએ લાભાર્થીઓએ મેળવેલી સહાયનો ઉપયોગ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.

આ મેળામાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ કીટસ અને રોકડ રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ  આઈ.કે. જાડેજાએ લાભાર્થીઓને સાધન અને કીટસ એનાયત કરતા જણાવ્યું હતું કે, આર્થિક રીતે પછાત વર્ગાના જરૂરિયામંદોને સ્વાવલંબન બને તે ઉદ્દેશથી આ સહાય આપવામાં આવી રહી છે.રાજયના અગાઉના મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમા ગરીબ કલ્યાણ મેળા લોકો માટે આશીર્વાદરૂપ બની રહયા હોવાનું જાડેજાએ જણાવ્યું હતું.

આ ગરીબ કલ્યાણ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના ૫૦૪૫ લાભાર્થીઓને રૂપિયા ૨૨૩ લાખના સાધનો તથા ચેક ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. મહિલાઓને અદ્યતન ટેકનોલોજીવાળા સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટર કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, નગરપાલિકાના પ્રમુખ,  વિપીન ટોળીયા તથા અગ્રણી દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શૈલેષ શાહ તથા આભારવિધિ પ્રાંત અધિકારીશ્રી પટણીએ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.