Abtak Media Google News

૧૯૦૦થી વધુ વાહન ધારકો પાસેથી રૂ..૨૦ કરોડનો બાકી વેરો વસુલવા તંત્રએ આખરી નોટિસો ફટકારી નિયત મુદ્દતમાં બાકી ટેક્ષ નહીં ભરનારા વાહન ધારકોના વાહન ડિટેઈન કરી હરરાજી કરી દેવામાં આવશે

ચાલુ નાણાકીય વર્ષનો અતિ મહત્વનો અને અંતિમ માસ એટલે માર્ચ મહિનો. માર્ચ માસ દરમિયાન મોટાભાગે બાકી સરકારી લેણાઓની કડક ઉઘરાણી જે તે સરકારી ખાતા દ્વારા કરવામાં આવતી હોય છે. માર્ચ અંતીત મોટાભાગના સરકારી નાણાકીય હિસાબોની પતાવટ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી બાકી વાહનનો ટેકસ નહીં ભરનારા જુદા જુદા વાહન ધારકો ઉપર તવાઈ ઉતારવામાં આવી છે અને આવા બાકી વેરો નહીં ભરનારા વાહન ધારકોને આખરી અને કડક પગલા સાથેની નોટિસ ફટકારવામાં આવી હોવાનું આરટીઓ કચેરીના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગેની રાજકોટ જિલ્લા આરટીઓ કચેરીના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લાના બસ, ટ્રક તથા કન્સ્ટ્રકશન વ્હીકલ ધરાવતા ૧૯૦૦ જેટલા વાહન ધારકોને બાકી વેરો તાકીદે ભરી જવા માટે આખરી નોટિસો આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧ થી ૧.૫ વર્ષથી આ ૧૯૦૦ જેટલા બાકીદારોએ રૂ.૫.૨૦ કરોડના ટેકસની રકમ આરટીઓમાં ભરી નથી. આથી રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ હવે કડક ઉઘરાણી શરૂ કરી છે.

આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આવા વાહન ધારકોને આરટીઓ તંત્ર દ્વારા અવાર-નવાર ઉઘરાણીની નોટિસ આપવા છતાં બાકી વેરો આજ સુધી ભર્યો નથી. આથી આ ૧૯૦૦ જેટલા બાકીદારો પાસેથી રૂ.૫.૨૦ કરોડની બાકી વેરાની રકમ વસુલવા માટે ૧૦ દિવસની મુદતની આખરી નોટિસો કાઢવામાં આવી છે.

આ નોટિસમાં વાહન ધારકોને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે, જો બાકીદાર નિયત મુદતમાં એટલે કે, ૧૦ દિવસની અંદર બાકી વેરો નહીં ભરી જાય તો આવા વાહન ધારકોના ઘરે અથવા તેની પેઢી ઉપર જઈને આરટીઓ ઈન્સ્પેકટર દ્વારા વાહનોને ડીટેઈન કરી દેવામાં આવશે અને આ વાહન ડીટેઈન કર્યા બાદ પણ જો વાહન ધારક ટેકસ નહીં ભરે તો આવા વાહનની હરરાજી કરી તેનું વેંચાણ કરી અને બાકી વેરાની વસુલાત કરવામાં આવશે. આ કડક નોટિસોના પગલે લાંબા સમયથી બાકી વેરો નહીં ભરનારા વાહન ધારકોમાં દોડધામ મચી ગઈ હોવાનું પણ જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.