Abtak Media Google News

દર વર્ષે રૂ. ૮ લાખની દવાનું એકત્રીકરણ: મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા દવાની તપાસ કરી વિતરણ

જામનગરમાં વિવિધ લોક અને સમાજપયોગી પ્રવૃતિ કરતી અને સેવાકીય કાર્યોને વરેલી રોટરી કલબ ઓફ જામનગર દ્વારા છેલ્લાં ૭ વર્ષથી ચાલતી ડ્રગ બેંક ગરીબ દર્દીઓ માટે સંજીવની બની છે.ડ્રગ બેંક અંતર્ગત શહેરમાં ૫૫ સ્થળે ડ્રોપ બોકસ મૂકી વધેલી અને નકામી દવા એકત્ર કરી દર્દીઓને વિનામૂલ્યે આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જામનગરમાં વર્ષ-૨૦૧૨ માં રોટરી કલબ દ્વારા વધેલી અને નકામી દવા કોઇકની જીંદગી બચાવી શકે છે તેવા ઉમદા વિચાર સાથે ડ્રગ બેંક શરૂ કરવામાં આવી હતી અને શહેરમાં લોકો પાસથી વધેલી અને નકામી દવા એકત્ર કરવા ૧૦ સ્થળે ડ્રોપ બોકસ મૂકવામાં આવ્યા હતાં.જેને બહોળો પ્રતિસાદ મળતાં વર્તમાન સમયમાં ડ્રગ બેંક વટવૃક્ષ બની છે અને શહેરમાં ૫૫ જાહેર સ્થળો પર દવા એકત્રીકરણ માટે ડ્રોપ બોકસ કાર્યરત છે.

આ ડ્રોપ બોકસમાં આવેલી દવા રોટરી કલબના સભ્યો એકત્ર કરી જી.જી.હોસ્પિટલમાં આપવામાં આવે છે.જયાં જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને આ દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ માટે ડ્રગ બેંકના પ્રોજેકટ ચેરપર્સન હીતેશભાઇ ચંદરીયા તથા નીહારભાઇ માલદે,હીતેશભાઇ હરીયા,દીલીપભાઇ ચંદરિયા સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગંભીર રોગ અને અમુક દર્દીઓના કિસ્સામાં જી.જી.હોસ્પિટલમાં મોંધી કિંમતની દવા ઉપલબ્ધ ન હોય ડ્રગ બેંકમાંથી ગરીબ દર્દીઓને દવા મળી રહે છે.

ડ્રગ બેંકના ડ્રોપ બોકસને કારણે જાહેરમાં દવાનો નિકાલ અટકતા રખડતા પશુઓ કે જે એઠવાડ સાથે દવા પણ આરોગતા તે મહદઅંશે બંધ થયું છે.

ડ્રગ બેંકના અનોખા અભિયાનથી પ્રેરાઇને ખાનગી તબીબો અને મેડીકલ રીપ્રેઝન્ટેટીવ દ્વારા દવાઓના સેમ્પલનો સહયોગ

રોટરી ડ્રગ બેંક હેઠળ શહેરમાં ૫૫ સ્થળે લોકો વધેલી અને નકામી દવા આપી શકે તે માટે ડ્રોપ બોકસ મૂકવામાં આવ્યા છે.આ ડ્રોપ બોકસમાં દર મહીને કુલ મળીને રૂ.૫૫૦૦૦ થી ૬૦૦૦૦ ની દવા એટલે કે દર વર્ષે રૂ.૮ લાખ જેટલી દવાનું એકત્રીકરણ કરી ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

રોટરી ડ્રગ બેંક દ્વારા એકત્રીકરણ કરવામાં વધેલી અને નકામી દવા જી.જી.હોસ્પિટલમાં આપવામાં આવે છે.આ માટે હોસ્પિટલ દ્વારા અલાયદો રૂમ પણ ફાળવવામાં આવ્યો છે.જયાં મેડીકલના વિધાર્થીઓ દ્વારા દવાની ચકાસણી કરવામાં આવે છે.જો દવા એકસપાયરી થઇ ગઇ હોય તો તેનો વિધાર્થીઓના સુપરવીઝનમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે.જયારે ઉપયોગી દવા ગરીબ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.