રોહિત શર્મા બીજા દાવમાં પણ ખીલ્યો: પ્રથમ ટેસ્ટ રોમાંચક તબક્કામાં

711

રોહિત ૮૪ અને પૂજારા ૭૫ રન સાથે દાવમાં: ભારતને ૨૪૬ રનની લીડ: કાલે મેચનો અંતિમ દિવસ

ભારત અને સાઉ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી પ્રથમ આઈસીસી ચેમ્પીનશીપ ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે રોહિત શર્મા બીજા દાવમાં પણ ખીલ્યો હતો. પ્રથમ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ભારતને ચોથા દિવસે ચાના વિરામ સુધીમાં ૨૪૬ રનની લીડ મળી ચૂકી છે. રોહિત શર્મા ૮૪ રન જ્યારે ચેતેશ્વર પૂજારા ૭૫ રન સાથે દાવમાં છે.

આજે ટેસ્ટના ચોથા દિવસે સાઉ આફ્રિકાની ટીમે પોતાનો દાવ ૩૮૫/૮થી આગળ વધાર્યો હતો. સ્કોરમાં વધુ ૪૬ રનનો ઉમેરો થતાંની સાથે જ આફ્રિકાની પૂરી ટીમ ૪૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ દાવ ૫૦૨/૭ પર ડિકલેર કર્યો હોય પ્રથમ દાવના આધારે ભારતના ૭૧ રનની લીડ પ્રાપ્ત થવા પામી હતી. ભારતના પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજા દાવમાં માત્ર ૭ રનમાં જ પેવેલીયન ભેગો થઈ ગયો હતો. ભારતે પોતાની પ્રથમ વિકેટ માત્ર ૨૧ રન પર જ ગુમાવી દીધી હતી. ટેસ્ટમાં ઓપનર તરીકે પ્રથમ સદી ફટકારનાર રોહિત શર્મા બીજા દાવમાં પણ ખીલ્યો હતો. ટીમ ઈન્ડિયાની વોલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ પણ બરાબર સાથે આપ્યો હતો. બન્નેએ આક્રમક બેટીંગ કરતા ચોથા દિવસે ચાના વિરામ સુધીમાં એક વિકેટના ભોગે ૧૭૫ રન બનાવી લીધા છે. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૪ રનની ભાગીદારી નોંધાઈ છે.

રોહિત શર્મા વન-ડેની માફક બેટીંગ કરી રહ્યો છે. ચાર સીકસર અને સાત ચોક્કા સાથે રોહિતે ૧૧૮ બોલમાં ૮૪ રન ફટકાર્યા છે અને પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં પણ સદી ભણી મક્કમતા સાથે આગળ વધી રહ્યો છે. પ્રથમ દાવમાં નિષ્ફળ રહેલા ચેતેશ્વર પૂજારાએ બીજા દાવમાં સાઉ આફ્રિકન બોલરોની બોરોબર ધોલાઈ કરી હતી. હાલ તે ૭૫ રન સાથે ક્રિસ પર છે. પ્રથમ દાવની ૭૧ રનની સરસાઈ સાથે ભારતે કુલ ૨૪૬ રનની લીડ હાંસલ કરી લીધી છે. આજે ભારતીય બોલરો ચોથા દિવસે અંતિમ સેશનમાં વન-ડેની માફક બેટીંગ કરી ૩૫૦થી વધુ રનની લીડ સાથે દાવ ડિકલેર કરે તો ભારતીય સ્પીનર પાસે ટેસ્ટના અંતિમ પાંચમાં દિવસે સાઉ આફ્રિકન ટીમને ઓલઆઉટ કરવાની ક્ષમતા રહેલી છે.

પ્રથમ ટેસ્ટ રોમાંચક તબકકામાં પહોંચી ગયો છે. ભારત પાસે જીતના ચાન્સ ૬૦ ટકા જેટલા છે તો સાઉથ આફ્રિકા પાસે માત્ર ટેસ્ટને બચાવવા પુરતી તક રહેલી છે. જે રીતે પ્રથમ દાવમાં સ્પીનર આર.અશ્ર્વિને ૧૪૫ રન આપી ૭ વિકેટો ખેડવી હતી અને સાથે જાડેજાએ પણ ૨ વિકેટો હાંસલ કરી હતી તે પરથી એવું લાગી રહ્યું છે કે, વિશાખાપટ્ટનમની વિકેટ પાંચમા દિવસે ટર્ન લેશે તો આફ્રિકન બેટ્સમેનો પાસેથી એક દિવસ કાઢવો મુશ્કેલ બની જશે.

Loading...