અમદાવાદથી રાજકોટ આવતા કુરિયરના વાહનને આંતરી રૂ.૨.૬૩ લાખની મત્તાની લૂંટ

હદની રમતમાં લૂંટારા બન્યા બેફામ…

સાયલા પોલીસ મથકે આવેલા ફરિયાદીને જોરાવરનગર પોલીસ મથકે મોકલ્યો

એકસયુવીમાં આવેલા ત્રણ હિન્દી ભાષી શખ્સોએ મોબાઇલ, કમ્પ્યુટર અને દવાના પાર્સલની લૂંટ ચલાવી ફરાર

રાજકોટ અમદાવાદ હાઇ-વે પર લૂંટ અને અકસ્માતની બનતી ઘટના સમયે સાયલા, ચુડા, લીંબડી અને જોરાવનગર પોલીસ મથક અવાર નવાર હદના પ્રશ્ર્ન પેચીંદો બનાવતા હોય છે. અમદાવાદથી મોબાઇલ, કમ્પ્યુટર અને દવાના પાર્સલ સાથે આવતા કુરિયરના વાહનને આંતરી ત્રણ શખ્સોએ રૂા.૨.૬૩ લાખની મત્તાની દિલ ધડક લૂંટ ચલાવી ફરાર થયાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના ધોળકા રોડ પર રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા કિરણભાઇ લલિતભાઇ પરમાર જી.એમ.એસ કંપનીનું કુરિયરમાં ચાલતું જી.જે.૪એચટી. ૫૫૦૦ નંબરનું આઇસર લઇને રાજકોટ આવતા હતા ત્યારે લીંબડી નજીક એપલ હોટલ નજીક એકસયુવી કારમાં આવેલા ત્રણ લૂંટારાઓએ કુરિયરનું આઇસર આંતરી બે શખ્સો તેમાં બેસી ડોળીયા બાઉન્ટ્રી પાસે કાચા માર્ગ પર લઇ જઇ છરી બતાવી રૂા.૨.૬૩ લાખની કિંમતના મોબાઇલ, કમ્પ્યુટર, આઇપેડ, દવાના પાર્સલ કેબલ, ઘડીળાલ અને એલઇડીની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કિરણભાઇ આઇસર લઇને અમદાવાદથી રાજકોટ રવાના થયા બાદ અમદાવાદના સનાથલ સર્કલ પાસેથી તેના પરિચીત યાસીનશા ભીખુશા રફાઇને બેસાડી લીંબડી પાર્સલની ડીલીવરી કરીને આઇસર લઇને એલપ હોટલ સુધી પહોચ્યા તે દરમિયાન એકસયુવી કારમાં આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પ્લાસ્ટીકની લાકડી બતાવી આઇસર ઉભુ રખાવ્યા બાદ બે શખ્સો આઇસરમાં બેસી ગયા હતા અને ડોળીયા બાઉન્ટ્રી પાસે આઇસર ઉભુ રખાવી પાછળનો દરવાજો ખોલી લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય શખ્સો ભાગી ગયા બાદ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો પરંતુ પોલીસની મદદ ન મળતા કુરિયર સંચાલક વાલજીબઆઇ કુછડીયાને ફોન કરી જાણ કર્યા બાદ સાયલા પોલીસ મથકે કિરણભાઇને લઇ જવામાં આવ્યા બાદ લૂંટારા જોરાવનગર પોલીસ મથકની હદમાંથી આઇસર પસાર થયું ત્યારે તેમાં બેઠા હોવાથી કિરણભાઇને ફરિયાદ નોંધાવવા માટે જોરાવરનગર મોકલી દીધા હતા.  જોરાવરનગર પોલીસે ત્રણેય અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Loading...