Abtak Media Google News

પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ

છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે

વોર્ડ-૧૦

રોડ-રસ્તા મળ્યા પરંતુ ડ્રેનેજ અને પાણીની સમસ્યા હજુ યથાવત

કોંગ્રેસે પાંચ વર્ષમાં પ્રજાને ગુમરાહ કરવા સિવાય કંઈ કર્યું નથી: ભાજપ

વોર્ડ નંબર નંબર ૧૦માં વર્ષ ૨૦૧૧ની મત ગણતરી આધારે ૬૩.૯૦૦ લોકો વસવાટ કરે છે જ્યારે અંતિમ મતદાર યાદી મુજબ ૫૩,૮૧૩ મતદારો છે. વોર્ડ નંબર ૧૦ના ભાજપના નેતાઓએ પાંચ વર્ષના લેખાજોખા અંગે કહ્યું હતું કે, ગત પાંચ વર્ષમાં વોર્ડની તમામ નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં ભાજપના નગરસેવકોએ કચાશ કરી નથી. રોડ – રસ્તા, પાણી, ડ્રેનેજની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. તમામ વિસ્તારોમાં પેવિંગ બ્લોકની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકો તરફથી મળતી ફરિયાદો અને સૂચનોના આધારે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે છે. ગત પાંચ વર્ષમાં પ્રજા માટે નવું કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જાહેરમાં ભરાતી શાક માર્કેટને બંધ કરીને નાના લારી ગલ્લા ધારકોની ચિંતા કરીને નવું માર્કેટ વિકસાવાયુ છે જેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત નિર્મલા રોડ પર નવા ફાયર સ્ટેશન માટેના પ્લાન અને ભંડોળને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં વોર્ડમાં રહેલી પાણીની સમસ્યા અંગે કહ્યું હતું કે, વોર્ડમાં પાણીની કોઈ ખાસ સમસ્યા નથી પરંતુ જ્યારે જ્યારે પાણીની સમસ્યા અંગે ફરિયાદ મળે છે ત્યારે અધિકારીઓના સહકારથી સમસ્યા દૂર કરવામાં આવે છે. જો કે, લોકોને ભોળવીને કોંગ્રેસ જે ધરણા પ્રદર્શન કરે છે તે ફક્ત એક રાજકીય સ્ટંટ છે તેના સિવાય કશુ જ નથી. તેમણે કહ્યું હતું કે, ડ્રેનેજને લગતી પણ વિસ્તારમાં કોઈ જ સમસ્યા નથી. જ્યારે જ્યારે કોઈ નાની મોટી સમસ્યા સર્જાય તો તેનું પણ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે. તેમણે કોંગ્રેસના આક્ષેપો અંગે કહ્યું હતું કે, જે રીતે કોંગ્રેસ એવું કહે છે કે, વોર્ડમાં કોઈ કામ નથી થયા તો તેનો પ્રથમ જવાબ તો એ છે કે, અમે હમણાં જ વોર્ડના ૫૧ બૂથ પર પેજ સમિતિનું ગઠન કર્યું છે અને અમને કોઈ પણ બૂથ પર પેજ સમિતિ મળવામાં તકલીફ પડી હોય તેવું પણ નથી બન્યું કે, જ્યારે અમારા કાર્યકરો વિસ્તારમાં ગયા ત્યારે કોઈ પણ મોટી ફરિયાદ અમને મળી નથી જે સ્પષ્ટ સૂચવે છે કે, પાંચ વર્ષમાં પ્રજાના કાર્યો થયા જ છે. તેમણે અંતમાં આગામી પાંચ વર્ષના વિઝન અંગે કહ્યું હતું કે, વિસ્તારમાં એવું કોઈ મોટું કામ બાકી રહ્યું નથી પરંતુ હજુ પણ વોર્ડનો વિસ્તાર વધુ વિકસિત બને તેના માટે અમે કાર્યો કરતા રહીશું તેમજ લોકોના સૂચનોને ધ્યાને રાખીને વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવીશું.

ચુંટ્યા ચાર પ્રતિનિધિઓને પણ દેખાય છે ફક્ત એક અથવા બે

વોર્ડ નંબર ૧૦ની પ્રજાએ કહ્યું હતું કે, વિસ્તારમાં અમુક કાર્યો જેવા કે, રોડ-રસ્તા, મેટલિંગ, પેવિંગ સહિતના કાર્યો થયા છે.હજુ પણ રોડ રસ્તાના કામો ચાલુ છે. અગાઉ રોડ રસ્તાની સમસ્યા ખૂબ વધુ હતી પણ છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તાના કાર્યો થયા છે. વીજ કનેક્શનની પણ સારી સુવિધા ઉપલબ્ધ છે. ડ્રેનેજની સમસ્યા ક્યારેક સર્જાય છે તો અશ્વિનભાઈ ભોરણીયાને રજુઆત કરતા તેઓ અંગત રસ દાખવીને નિરાકરણ કરતા હોય છે. વધુમાં પ્રજાએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં એક પાણી સમસ્યા છે. અવાર નવાર પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની સમસ્યા સર્જાતી હોય છે જેને દૂર કરવાની જરૂરિયાત છે. લોકોએ કહ્યું હતું કે, અમારો નગરસેવક શિક્ષિત, લોકોના સંપર્કમાં રહે તેવો હોવો

જોઈએ જેથી અમે તેમને મળીને રજુઆત કરી શકીએ, તેઓ પણ વોર્ડ વિસ્તારમાં આવીને લોકોને મળી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરે. અમુક લોકોએ એવું પણ કહ્યું હતું કે, વોર્ડ નંબર ૧૦ના નગરસેવકોમાં પૂર્વ મેયર બીનાબેન આચાર્યનો પણ સમાવેશ થાય છે પરંતુ આજ સુધી અમે તેમને વિસ્તારમાં ક્યારેય જોયા નથી. તેઓ કાર્યાલય આવતા હોય છે પણ ક્યારેય તેઓ વોર્ડની મુલાકાતે નીકળ્યા જ નથી. તે ઉપરાંત મનસુખભાઇ પણ ઝુઝ જોવા છે.

ભ્રષ્ટાચારી શાસકો અને નિંભર તંત્રના આંખ આડા કાન, પ્રજા ત્રાહિમામ: કોંગ્રેસના આક્ષેપ

વોર્ડ નંબર ૧૦ના એકમાત્ર કોંગી નગરસેવક મનસુખ કાલરીયાએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મારા વોર્ડ વિસ્તારમાં સંપૂર્ણપણે સક્રિય છું. જનતા તરફથી મને મળતી તમામ ફરિયાદોનો નિકાલ કરવાનો હું ચોક્કસ પ્રયત્ન કરું છું. મેં મારી ૧૦૦% ગ્રાંટનો ઉપયોગ કરીને પ્રજાના કામો કરવાનો પ્રયત્ન કર્યો છે. પેવિંગ બ્લોકનું કામ હોય કે મેટલિંગ કરવાનું હોય તમામ બાબતોમાં મેં મારી ગ્રાંટનો ઉપયોગ કરીને પ્રજાને સવલત આપવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા પણ મેં પ્રજાને આપી છે. જ્યારે કોઇ મોટી સમસ્યા આવે ત્યારે હું તંત્રને લેખિત અને મૌખિક રજુઆત કરું છું પરંતુ આ ભ્રષ્ટાચારી શાસકો અને નિર્બર તંત્ર આંખ આડા કાન કરીને કોઈ જાતના નિરાકરણના પગલાં લેતી નથી. વિસ્તારમાં અવાર નવાર પાણીની પાઇપલાઇન જૂની હોવાથી લીકેજની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડતી હોય છે. આ મામલે મેં અગાઉ લેખિત અને મૌખિક રાજુઆત પણ કરી છે અને મીડિયાને સાથે રાખીને આંદોલનો પણ કર્યા છે પરંતુ આ ભ્રષ્ટચારી શાસકના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે પ્રજા પણ આ શાસકોને ઓળખી ગઈ છે અને આગામી ચૂંટણીમાં તેનો જવાબ પ્રજા જ આપશે. ઉપરાંત પાકા રોડ રસ્તાના નામે ફક્ત થિંગડાઓ મારીને પ્રજાને ભોળવી દેવામાં આવે છે પરંતુ ચોમાસાનું આગમન થતાની સાથે જ ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે અને રોડનું ધોવાણ થઈ જાય છે. આ મામલે પણ મેં અનેક રજૂઆતો અને આંદોલનો કર્યા છે પણ કોઈ સાંભળનાર નથી. તેમણે કહ્યું હતું કે, હું સતત પ્રયત્ન કરતો હોઉં છું કે, લોકોના પ્રશ્નોને દૂર કરવામાં આવે પરંતુ ભ્રષ્ટાચારી શાસકો તેવું ક્યારેય શક્ય બનવા દેતા નથી. તેમણે આગામી પાંચ વર્ષનું વિઝન રજૂ કરતા કહ્યું હતું કે, સૌ પ્રથમ પ્રજાની પાણીની સમસ્યા દુર થાય તે માટે નવી પાઇપલાઇનનું કાર્ય હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત એન્જીનીયરીંગ કૌશલ્યયુક્ત રોડ રસ્તા સહિતના કાર્યો કરીશું.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ”  માટે પડકાર

નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી

શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.