Abtak Media Google News

અકસ્માત માટે કારણભૂત થતા બાંધકામો-માળખાઓ દૂર કરવા, નિષ્ફળ જનાર અધિકારીને રૂ.૧ લાખનો દંડ કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા સહિતની સત્તા રોડ સેફટી ઓથોરીટીને અપાશે

વર્ષ ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે રોડ સેફટી ઓથોરીટીની રચના કરવાની જાહેરાત કરી છે. આ માટે આવશ્યક વટ હુકમ પણ બહાર પડાયો છે. આ ઓથોરીટી સાથે સરકારના ૮ વિભાગો સંકલીત રીતે ૩૦ વિષયો પર કામ કરશે.

આ કામો પૂરા કરવામાં નિષ્ફળ નીવડશે તેવા જવાબદાર અધિકારીને રૂપિયા એક લાખ સુધીનો દંડ કરાશે. આ ઓથોરીટીને અકસ્માત માટે કારણભૂત થતાં બાંધકામો, માળખાઓ દૂર કરવાની સત્તા રહેશે. રાજય સરકારે આ ઓથોરીટીની રચનાને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.

વાહન વ્યવહાર મંત્રીના અધ્યક્ષ સ્થાને ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની રચના કરાશે. આ સત્તા મંડળના રોડ સેફટીના કામ સાથે સંકળાયેલા અલગ અલગ આઠ વિભાગોના સચિવે સભ્ય સચિવ તરીકે કામ કરશે. તેમાં માર્ગ સલામતી ક્ષેત્રના નિષ્ણાંતો પણ સામેલ થશે. તેઓ જુદા જુદા ૩૦ વિષયો પર કામ કરશે. આ ઓથોરીટીના વહીવટી માટે એક કાર્યવાહક સમિતિની રચના કરાશે. જેના વડા તરીકે ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્રસચિવને નિયુકત કરાશે.

આ કાર્યવાહક સમિતિમાં માર્ગ સલામતિ સાથે સંકળાયેલા વિભાગોના ખાતાઓ વડાઓને સભ્યો તરીકે સ્થાન અપાશે. આ ઓથોરીટીના કાર્યો કરવા માટે રોડ સેફટી કમિશનર અને ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા અલગ અલગ વિભાગોના કો-ઓર્ડિનેટર્સ રહેશે. મહત્વની બાબત એ છે કે, રાજયમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ એકઠી થતી દંડની રકમમાંથી સરકાર આ ઓથોરીટીને ગ્રાન્ટ અપાશે.

આ નવી ઓથોરીટીનું કાર્યક્ષેત્ર વિશાળ રહેશે. ઓથોરીટીને અકસ્માતો માટે કારણભૂત થતા માળખાઓ દૂર કરવાની સવા અપાશે. અકસ્માતોના કારણો દૂર કરવા ઓથોરીટી ખર્ચ વસુલી શકશે. ઉપરાંત અકસ્માતના કારણભૂત વાહનો સીઝ કરવા તથા તેની હરરાજી કરવાની સત્તા પણ રોડ સેફટી ઓથોરીટી પાસે રહેશે. માર્ગ સુરક્ષા સંબંધીત કામગીરી કરવા, જાહેર માર્ગોમાં સુધારા કરવા માટે વિભાગોને સુચનાઓ પણ ઓથોરીટી આપી શકશે. જો આ કામ કરવામાં સંબંધીત વિભાગ નિષ્ફળ જશે તો જવાબદાર અધિકારીને રૂ.૧ લાખનો દંડ કરાશે. ઓથોરીટીના હુકમ ભંગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરી શકશે. તેમજ ઓથોરીટીના હુકમથી નારાજ પક્ષકાર અપીલ ફાઈલ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.