જેતપુરમાં ‘ગરીબોના હક્ક’ના અનાજનું બારોબાર વેંચાણ!!

પ્રાંત સુધી ફરિયાદો પહોંચતા મામલતદારને તપાસનો આદેશ: મામલતદાર પણ જાણે દુકાનદારને બચાવવા મેદાનમાં ઉતર્યા હોય તેવો ઘાટ

સરકાર દ્વારા રાશનકાર્ડ પર નિ:શુલ્ક અપાતા બે કિલોગ્રામ ચણામાંથી જેતપુરના એક પરવાનેદારે એક કિલો જ આપી અડધા જથ્થાની કાળાબઝારી કરી નાખતા હોવાની કેટલાક ગ્રાહકોની ફરીયાદને અનુસંધાને પુરવઠા મામલતદારે સ્થળ તપાસ કરી ગ્રાહકોના નિવેદનો નોંધ્યા હતા.

લોકડાઉનના પગલે સરકાર દ્વારા તમામ લોકોને તેમના રાશનકાર્ડમાં ફ્રિ અનાજ આપ્યું હતું. પરંતુ આ અનાજ તેમના હકદારોને પહોંચ્યું છે કે, નહિ તેની હજુ સુધી તપાસ નથી કરાવી અને જો તપાસ કરાવે તો મોટા ભાગની રાહત ભાવની દુકાનનું કૌભાંડ બહાર આવે તેમ છે. પરંતુ આ કૌભાંડમાં અધિકારીઓ તેમજ પદાઆધિકારીઓના હાથ પણ કાળા થયા હોવાથી આવા ભ્રષ્ટાચારની તપાસ જ નથી થતી અને થાય તો પણ દુકાનદારને બચાવી લેવામાં આવે તેવી પુરી શકયતા રહેલ છે.

કોરોના કાળની નિ:શુલ્ક અનાજ કઠોળની યોજના અંતર્ગત ચાલુ મહિના માટે રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે રાશનકાર્ડ દીઠ બે કિલો ચણા નિ:શુલ્ક આપવાની ફાળવણી કરી છે. જેમાં જેતપુર શહેરના નવાગઢ સરધારપુરના દરવાજા પાસે આવેલ રાહત ભાવની દુકાનના સંચાલક કાજી યાહયાભાઈ ગ્રાહકોને બે કિલો ચણાને બદલે એક કિલોગ્રામ જ આપતા હોવાની ફરીયાદ પ્રાંત અધિકારી સુધી પહોંચતા પ્રાંત દ્વારા પુરવઠા મામલતદારને તપાસ કરવા મોકલ્યા હતા. પરંતુ તેઓએ જાણે પરવાનેદારને બચાવવા માટે જ આવ્યા હોય તેમ ત્યાં ઉપસ્થીત ગ્રાહકોના નિવદનો નોંધ્યા હતા. અને દુકાનમાં પુરવઠાની વિતરણ ઓફલાઇન થતું હોવાથી નિયમ મુજબ જથ્થો લઈ જનાર દરેક કાર્ડ ધારકનું નામ અને તેની સહી એક રજીસ્ટરમાં લેવાની હોય છે. પરંતુ અહીં આવી રજીસ્ટરમાં સહી લેવામાં આવતી ન હતી. ઉપરાંત જે ગ્રાહકો ચણા લઈ ગયા જેને અડધા જ આવ્યા તેઓના નિવેદનો લેવા જોઈએ અને જેમાંથી જ કેટલાક ગ્રાહકોએ જણાવેલ કે તેઓના મોબાઈલમાં બે કિલો ચણાનો મેસેજ આવેલ જ્યારે પરવાનેદારે તેમને એક કિલો જ આપ્યા છે.

પરવાનેદાર કાજી ચાહયાભાઈની હજુ મહિના પૂર્વે જ અમદાવાદ સાયબર ક્રાઇમે રાજ્યભરમાં બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી ગ્રહકોનું અનાજ બારોબાર વેચી નાખવાના ગુન્હાસર ધરપકડ કરી હતી. અને તેમાં બે દિવસની રિમાન્ડ પણ મળેલ અને અઠવાડિયા બાદ જામીન મળેલ એટલે કે જેની સામે પુરવઠાની કાળા બઝાર કરવાના ગુન્હાસર ગુન્હો નોંધાયેલ હોવા છતાં તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યું ઉલટાનું તેને બચાવી લેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Loading...