Abtak Media Google News

મોરબી, વાંકાનેર અને સુરેન્દ્રનગરનાં ચાર ગુનાનો ભેદ ઉકેલાયો

રોકડ અને રીક્ષા મળી રૂ.૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે

કુવાડવા રોડ પર આવેલા નવાગામ પાસેથી રિક્ષામાં વૃધ્ધ અને પરપ્રાંતીય શ્રમિક મુસાફરોને મુસાફરનાં સ્વાંગમાં નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેનાર બેલડીને બી.ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે ઝડપી લઈ રોકડ, રીક્ષા અને મોબાઈલ મળી રૂા.૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે કરી સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી અને માટેલ સહિત ચાર સ્થળોએ રોકડ રૂપીયા તફડાવ્યાની કબુલાત આપી હતી જયારે મહિલાની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ શહેરમાં વૃધ્ધ અને પરપ્રાંતીય શ્રમિકોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ સેરવી લેતી ગેંગ સક્રિય થયાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં ધ્યાને આવતા અને આવા શખ્સોને ઝડપી લેવા આપેલી સૂચનાને પગલે બી.ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે પોકેટ કોપ અને સીસીટીવી ફૂટેજની મદદથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટર પાછળ સીતારામનગરમાં રહેતો કિશન વિનુ દેત્રોજા અને મુળ ગોંડલનો અને હાલ શાપર ચોકડી પાસે રહેતો સુનિલ વિનોદ ચાવડા નામનો શખ્સ નવા ગામ પાસે રિક્ષા લઈ ને ઉભા હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફ વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન બેલડીની અટકાયત કરી તેના કબ્જામાંથી મળેલી રોકડ રકમ વિશે આકરી પૂછપરછ કરતા તેણે ૨૦ દિવસ પહેલા સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી ખાતે વયોવૃધ્ધ અને મોરબી તેમજ માટેલ રોડ પર શ્રમિકોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ સેરવી લીધાની કબુલાત આપી હતી.

બેલડી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી અને રોકડ રકમ સેરવી લીધા બાદ મુસાફરનાં સ્વાંગ બેઠેલ શખ્સ ઉલ્ટી થવાનો ઢોંગ કરી પેસેન્જરને રસ્તામાં ઉતારી દેતા હતા. અને તેની સાથે ઝડપાયેલી મંજૂર ધીરૂ રાઠોડની શોધખોળ હાથ ધરી છે. કિશન દેત્રોજા ગાંધીગ્રામ ભકિતનગર, એ.ડીવીઝન અને થોરાળા પોલીસ મથકના ચોપડે નવ ગુનામાં ચડી ચૂકયો છે. જયારે સુનિલ ચાવડા એ. ડીવીઝન અને મંજૂ રાઠોડ ગોંડલ અને ગાંધીગ્રામ પોલીસ મથકના ચોપડે અને પાસાની હવા ખાઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.