Abtak Media Google News

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળનું એલાન : તંત્ર દ્વારા તાલુકા પંચાયતના કર્મચારીઓને કોરોનાની કોઈ કામગીરી ન સોંપીને મહેસુલી કર્મચારીઓ પાસેથી ૧૮થી ૨૪ કલાક કામ લેવામાં આવતું હોવાના આક્ષેપ

અમદાવાદમાં કોરોનાએ મહેસુલી કર્મચારીનો ભોગ લીધા બાદ હવે જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી કામગીરીમાં ન જોડાવા મહામંડળની કર્મચારીઓને સૂચના

હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં દિવસ રાત જોયા વગર કામગીરી કરતા મહેસુલી કર્મચારીઓની સુરક્ષા જાળવવામાં તંત્ર ઉણું ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે. માટે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે શ્રમિકોને વતન મોકલવાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અને જ્યા સુધી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહિ આવે ત્યાં સુધી આ બહિષ્કાર યથાવત રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. મહેસુલી કર્મચારી મહામંડળે જણાવ્યુ છે કે મહેસુલી કર્મચારીઓ કોરોના મહામરી સામેની લડતમાં રાતદિવસ કામગીરી કરી રહ્યા છે તેમજ આ અંતર્ગતની કામગીરીના ભાગરૂપે થતી વિવિધ કામગીરીઓ માં લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે.

ખાસ કરીને પરપ્રાંતીય લોકોને તેમના વતનમાં મોકલવા અંગે થતી કામગીરી બાબતે નોંધણીથી લઇને તેમને જેતે જિલ્લામાંથી બસમાં બેસાડી તેમના વતન જતી ટ્રેનમાં બેસાડવા સુધીની કામગીરીમાં મહેસૂલી કર્મચારી સીધો સંકળાયેલો હોય છે અને લોોકના સીધા સંપર્કમાં આવે છે. આ ઉપરાંત મેની પાસેથી ભાડાના નાણાં રોકડમાં ઉઘરાવવાના કિસ્સામાં પણ મહેસૂલી કર્મચારી ચલણી નોટો કે જે કોરોના વાયરસના સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવે છે તેવી ચલણી નોટો પણ હાથોહાથ ઉઘરાવીને રેલવે તંત્ર સુધી પહોંચાડવા હોય છે જે ઘણી ખતરનાક સાબિત થાય છે. આ બાબતે અમોએ અગાઉ પણ તા.૧૩-૫-૨૦ના રોજ પત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવા તેમજ આ નાંણા સીધા રેલવે તંત્ર દ્વારા લેવામાં આવે તેવી પણ રજૂઆત સરકારમાં તમામ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ હતી છતાં આજદિન સુધી કોઇ તકેદારીનાં પગલાં ભરાયા નથી અને હાલ પર્યત પણ આ કર્મચારીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને ઘણા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયેલ છે જે ઘણી ગંભીર બાબત છે. અને જયારે લોકોને બસમાં બેસાડવા કે તેના માટે ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા વિગેરે જેવી વિભાગોની સ્પર્શતી છે છતાં સદર તમામ જુદા જુદા વિભાગોને સ્પર્શતી બધી જ કામગીરી માત્ર મહેસૂલી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમ છતાંય જો  મહેસૂલી કર્મચારીના જીવનને ખતરો હોય તે બાબતે પણ પૂરતી તકેદારીના પગલાના લેવાય કે યોગ્ય વ્યવસ્થા ના ગોઠવાય તેવા સંજોગોમાં અમોએ અગાઉ જણાવ્યા અનુસાર મહેસુલી કર્મચારીઓની જીવનની સલામતી ખાતર સદરહુ કામગીરીનો અમો સર્વે મહેસૂલી કર્મચારીઓ બહિષ્કાર કરીએ છીએ.

આ અંગે રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું કે હાલ મહેસુલી કર્મચારીઓ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. ત્યારે મહેસુલી કર્મચારીઓની ફરજનો સમય ૮ કલાક કે ૧૨ કલાક નક્કી કરવામાં આવે.તાલુકા પંચાયતના કર્મચારીઓ પાસે વધુ કામગીરી ન હોવા છતાં તેને અન્ય કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. મહામંડળના આદેશ પ્રમાણે આજથી રાજકોટમાં મહેસુલી કર્મચારીઓ શ્રમિકો પાસેથી રોકડ એકત્ર કરવાની કામગીરી નહિ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.