Abtak Media Google News

એનઆરઆઈ અને મેનેજમેન્ટ કવોટાની સીટોને મોટી રકમ વસુલીને ભરવામા આવતી હોવાનું ખૂલ્યું

ભારતના રહેવાસી વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા હોય તો તેને સરકારી મેડીકલ કોલેજમાં એડમીશન સ્વપ્ન સમાન બની રહી છે. પરંતુ એનઆરઆઈ વિદ્યાર્થી હોય અને આર્થિક રીતે સક્ષમ હોય તો તેમને નીટમા ઓછા માર્કસ હોય તો પણ તેને સરકારી મેડીકલ કોલેજમાં એડમીશનમાં આસાનીથી મળી શકે છે. તેની પાછળનું કારણ રાજયની તમામ સરકારી મેડીકલ કોલેજોમાં એનઆરઆઈ કવોટાની ૩ થી ૧૫ ટકા સીટો અનામત રાખવામાં આવી છે. કેટલીક મેડીકલ કોલેજોમાં મેનેજમેન્ટ કવોટાની સીટો અનામત રાખવામા આવી છે. તેના પર આવા આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થીઓને ઉંચી રકમ વસુલીને એડમીશન આપવામાં આવતુ હોવાનો ઘટોસ્ફોટ થયો છે.

દેશના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ એપંચ રાજયોની તથા કેન્દ્ર શાસીત પ્રદેશ પોંડીચેરીની સરકારી મેડીકલ કોલેજોમાં એનઆરઆઈ કવોટા રાખવામાં આવ્યા છે. સરકારી કોલેજોનાં જાતી આધારીત કવોટામાં સમાજના પછાત અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જયારે એનઆરઆઈ કવોટામાં ઉંચી ફી વસુલીને પ્રવેશ આપવામાં આવે છે મોટાભાગના રાજયો એવો દાવો કરે છે કે એનઆરઆઈ કવોટામાં ઉંચી ફ્રી વસુલીને અપાતા પ્રવેશની આવકમાંથી સરકારી મેડીકલ કોલેજોમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા ભંડોળ ઉભુ કરવામાં આવે છે જે ભંડોળ અગાઉના સમયમાં હેલ્થ બજેટમાંથી આવતુ હતુ.

ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં સૌથી વધુ ૨૪૧ એનઆરઆઈ કવોટાની બેઠકો છે ત્યારબાદ રાજસ્થાનમાં ૨૧૨, પંજાબમાં ૪૧, પોડીંચેરીમાં ૨૨, હિમાચલ પ્રદેશમાં ૨૦ અને હરિયાણામાં ૧૫ બેઠકો આવેલી છે. આ એનઆરઆઈ કવોટાની બેઠકો પર ફકત એનઆરઆઈ વિદ્યાર્થીઓને જ નહી પરતું એનઆરઆઈ સ્પોન્સર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. એનઆરઆઈ સ્પોન્સર વિદ્યાર્થીના માતા પિતા ભાઈ બહેન કે તેના નજીકના પરિવારજનો તેના સંપૂર્ણ અભ્યાસક્રમની ફીને સ્પોન્સર કરવાની ખાત્રી આપે તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઈ છે. જે કોઈ વિદ્યાર્થીના માતા પિતા કે નજીકના સંબંધી ન હોય તો તેના એનઆરઆર કાકા કાકીઓ દાદા કે દાદી પણ સ્પોન્સર તરીકે ચાલે છે.

એનઆરઆઈ માતા પિતા સિવાયના સંબંધીઓનાં નામે અપાતા આ કવોટામાં પ્રવેશમાં ગેરરીતિ આચરવાની શકયતા હોય તે અંગે સ્ક્રુટીની કરીને તપાસ પણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેલવનારા ૧૯૦૦ થી વધુ એનઆઈઆર વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ બિન અનામત કક્ષાના હતા ૩ ટકા વિદ્યાર્થીઓ એસસી કે એસટી કક્ષાના જયારે બાકીનાં ઓબીસી કક્ષાના વિદ્યાર્થીઓ હતા વર્ષ ૨૦૧૬માં સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટનો સ્કોર એસસી, એસટી અને ઓબીસી કક્ષાની અનામત બેઠકો માટે ૪૭૨.૫ હતો જે એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે ૩૩૯.૬ હતો જયારે ખાનગી કોલેજોમાં એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે ૨૨૦.૮ હતો.

સરકારી મેડીકલ કોલેજોમાં એનઆરઆઈ કવોટાની ફી દર વર્ષે ૧૪ લાખ રૂ વધીને રૂ.૨૦ લાખ જેટલી થાય છે. જે સરકારી કોલેજોમાં મેરીટ પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને દર વર્ષે ચૂકવવી પડતી ૨૫ હજાર રૂથા.થી માંડીને ૧ લશખ રૂથા. સુધીની ફી કરતા અનેકગણી વધારે છે. જયારે ખાનગી મેડીકલ કોલેજો એનઆરઆઈ કવોટાની બેઠકો માટે દર વર્ષે ૩૦ લાખ રૂ. જેવી ફી વસુલવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં પણ અગાઉ સરકારી મેડીકલ કોલેજમાં એનઆરઆઈ કવોટાની બેઠકો હતી પરંતુ બાદમાં આ કવોટાને બંધ કરી દેવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં પણ વર્ષ ૨૦૧૬ સુધી ૨૮ એનઆરઆઈ કવોટાની બેઠકો હતી જેને વિરોધ બાદ બંધ કરી દેવામાં આવી હતી.

ગત વર્ષે કર્ણાટક સરકારે પણ સરકારી મેડીકલ કોલેજોમાં એનઆરઆઈ કવોટા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓનાં વિરોધ બાદ આ નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયનિસસના પૂર્વ વાઈસ ચાન્સેલર અને જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. કે.એસ. રવિન્દ્ર નાથે જણાવ્યું હતુ કે કર્ણાટકની સરકારી મેડીકલ કોલેજમાં એનઆરઆઈ કવોટાનો વિરોધ થવાના કારણોમાં આર્થિક રીતે નબળા વર્ગનાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો ન હતો જયારે રાજય બહારનાં સમૃધ્ધ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લેતા હતા.સરકારે વધારે ફંડની ફાળવણી કરીને રમતો સંશોધનો અને સિમ્યુલેશન લેવી વગેરેની સુવિધાઓ પુરી પાડવી જોઈએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.