Abtak Media Google News

મેં કોઈ ફ્રોડ નથી કર્યો, દેણુ ભરવાની તૈયારી છતાં મીડિયાએ મને ખરાબ ચિતર્યો!

ભારતમાં પ્રત્યાર્પણ ન કરવા માટે માલ્યા દ્વારા કરવામાં આવેલી અરજીને લંડન હાઈકોર્ટે ફગાવી

લીકર કિંગ કહેવાતા વિજય માલ્યાએ ભારતમાં રહી દેશને ૯ હજાર કરોડ રૂપિયાનો ચુનો ચોપડયો છે અને તે ૨૦૧૬માં લંડન ભાગી ગયો હતો ત્યારે વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ માટે દેશ દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિજય માલ્યાનાં જણાવ્યા અનુસાર તેને કોઈ ફ્રોડ કર્યો ન હોવાનું પણ જણાવ્યું હતું અને તેણે એમ પણ કહ્યું હતું કે, તે દેણુ ભરવા તૈયાર છે પરંતુ મીડિયાએ તેને ખુબ જ ખરાબ રીતે ચીતર્યો છે. વિજય માલ્યા દ્વારા લંડન હાઈકોર્ટમાં ભારત પ્રત્યાર્પણ ન કરવાની અરજી કરી હતી જેને લંડન હાઈકોર્ટે ફગાવી દીધી છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, શું માલ્યા મહિનામાં જ ભારત પરત ફરશે કે કેમ ? કારણકે હજુ પણ માલ્યા પાસે સુપ્રીમ કોર્ટમાં અથવા તો યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટસમાં જવાની તક છે અને જો માલ્યા ૨૮ દિવસમાં ઉપલી કોર્ટમાં અરજી કરે તો કદાચ તેનું પ્રત્યાર્પણ આગામી એક વર્ષ સુધી ટળી પણ શકે છે. જયારે બીજી સંભાવના એ છે કે જો માલ્યા દ્વારા ઉપલી કોર્ટમાં અરજી કરવામાં ન આવે તો તેનું પ્રત્યાર્પણ ૨૮ દિવસ બાદ થઈ શકે છે.

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની અરજી બ્રિટનની એક કોર્ટે ફગાવી દીધી હતી. માલ્યા ૯૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે ભાગેડુ જાહેર છે. માલ્યાએ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે સ્વીકાર્યું કે માલ્યા વિરુદ્ધ ભારતમાં અનેક મોટા આરોપો લાગેલા છે. માલ્યા(૬૪)એ ૩૧ માર્ચે અરજીના સંબંધમાં ટવીટ કરી કહ્યું હતું કે મેં બેન્કોને તેમના પૈસા ચૂકવી દેવા માટે સતત ઓફર કરી છે. ન તો બેન્ક પૈસા લેવા તૈયાર છે અને ન તો ઈડી તેમની સંપત્તિ છોડવા તૈયાર છે. કદાચ નાણામંત્રી (નિર્મલા સીતારમણ) એ મારી વાત સાંભળી હોત. રોયલ કોર્ડમાં લોર્ડ જસ્ટિસ સ્ટિફન ઈવિન અને જસ્ટિસ એલિઝાબેથ લાઈંગની બે સભ્યોની બેન્ચે આ અરજીને નકારી કાઢી હતી. માલ્યા વિરુદ્ધ ભારતમાં કૌભાંડ અને મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.વિજય માલ્યા પાસે હાઈકોર્ટ દ્વારા ઓર્ડર પાસ કરાયા પછી ૧૪ દિવસનો સમય રહેશે અને તે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. જો તે તેમાં નિષ્ફળ સાબિત થશે તો તેને ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. સુપ્રીમકોર્ટ દ્વારા પણ અરજી ફગાવાતા અંતિમ નિર્ણય ત્યાંનું ગૃહ મંત્રાલયે કરશે જેની જવાબદારી હાલ ભારતીય મૂળના પ્રીતિ પટેલ સંભાળી રહ્યાં છે.

લીકર ઉધોગપતિ વિજય માલ્યા પર ભારતીય બેંકોને ચુકવવાનાં રૂપિયા ૯ હજાર કરોડથી વધુનું દેવુ છે. માલ્યાએ આ લોન તેની કિંગ ફિશર એરલાઈન્સ માટે લીધી હતી. માર્ચ ૨૦૧૬માં માલ્યા ભારત છોડીને બ્રિટન ચાલ્યો ગયો હતો ત્યારબાદથી જ ભારતીય એજન્સીઓએ માલ્યાને બ્રિટનથી પરત લાવવા પ્રયાસ કરી રહી છે. માલ્યાને ૨૦૧૮માં યુ.કે.ની અદાલતે મંજુરી આપી દીધા બાદ તેને પ્રત્યાર્પણ કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટમાં અપીલ દાખલ કર્યા બાદ આ કેસ ફરીથી અટકી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.