Abtak Media Google News

રાજકોટની જીનિયસ, ડીપીએસ અને મોદી સ્કુલ સહિત અનેક સ્કુલોનું ૧૦૦ ટકા પરિણામ

સીબીએસઈ ધો.૧૨નું પરીણામ આજે જાહેર કરાયું છે. આ પરીણામમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓ વધુ માત્રામાં પાસ થઈ છે. સીબીએસઈની ઓફિશીયલ વેબસાઈટ  CBSE RESULTS.NIC.IN  પર પરીણામ જોઈ શકાશે. આ વર્ષે કુલ ૮૩.૪૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી ૮૮.૭૦ ટકા છોકરીઓ અને ૭૯.૪૦ ટકા છોકરાઓ પાસ થયા છે.

ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ની સીબીએસઈની પરીક્ષામાં કુલ ૧૨.૮૭ લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૮૩.૪ ટકા બાળકોએ ૧૨માંની બોર્ડની પરીક્ષા પાસ કરી છે. સૌથી વધુ ત્રિવેન્દ્રમ રીઝનમાં ૯૮.૨ ટકા બાળકો પાસ થયા છે.

રાજકોટની જો વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં દિલ્હી પબ્લીક સ્કુલ, જીનિયસ સ્કુલ સહિતની સ્કુલોનું રીઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે. જેમાં દિલ્હી પબ્લીક સ્કુલમાં મધુમંતી કુંદુ ૯૪.૪ ટકા સાથે અવ્વલ રહી છે. કાવ્યા ધોળકિયા ૯૪ ટકા સાથે બીજા નંબરે આવી છે. જયારે સત્યમ છત્રાલા ૯૧.૨ ટકા સાથે ત્રીજા નંબર ઉપર રહ્યો છે. રાજકોટની સૌથી વધુ સીબીએસઈનાં વિદ્યાર્થીઓ જયાં નોંધાયા છે તેવી ક્રિષ્ના સ્કુલમાં પ્રિર્થ ગોધાણી ૯૬.૮ ટકા સાથે પ્રથમ નંબરે રહ્યો છે. જયારે આયુષ પનારા ૯૪.૮ ટકા સાથે બીજા નંબર પર અને દેવેશ શાહ ૯૪.૨ ટકા સાથે ત્રીજા નંબર પર રહ્યો છે. આ સાથે ક્રિષ્ના સ્કુલમાં ૧૪૨ વિદ્યાર્થીઓમાંથી ૧૩૫ જેટલા વિદ્યાર્થીઓએ સીબીએસઈની પરીક્ષા પાસ કરી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં મોટાભાગની સ્કુલો જેવી કે જીનિયસ, મોદી, એસ.ઓ.એસ.નું સીબીએસઈ ધો.૧૨નું પરીણામ ૧૦૦ ટકા આવ્યું છે જે ગૌરવની વાત છે.

પહેલી વખત પરીક્ષા પૂર્ણ થયાને ૨૮ દિવસમાં સીબીએસઈનું પરિણામ જાહેર થયું

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૧૨માંની પરીક્ષામાં કુલ ૧૨.૮૭ લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ૮૩.૪ ટકા બાળકો પાસ થયા છે અને ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, સીબીએસઈનું પરીણામ પરીક્ષા પૂર્ણ થયાને ૨૮ દિવસમાં જ જાહેર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.