Abtak Media Google News

કચરાના ન્યુસન્સ પોઈન્ટસનું મોનિટરિંગ અને ગાર્બેજ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ માટે આયોજન

સ્વચ્છતાની બાબતમાં સરકારી તંત્ર પોતાની જવાબદારી નિભાવે તેની સાથોસાથ નાગરિકોમાં પણ જાગૃતિ આવે અને જ્યાં ત્યાં કચરો નહી ફેંકવાની ટેવ કેળવાય તેવો ઉમદા ધરાવતા “સ્વચ્છ ભારત મિશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ પણ સતત આ દિશામાં પ્રયાસો જાળવી રાખ્યા છે. સતત ચાલતી રહેતી આ પ્રક્રિયા વધુ ને વધુ પરિણામલક્ષી બની રહે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અધિકારીઓની એક બેઠક યોજી હતી. આ બેઠકમાં “ડસ્ટ બિન ફ્રી રાજકોટને હવે કચરાના ન્યુસન્સ પોઈન્ટમાંથી પણ મુક્ત કરવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કચરાના ન્યુસન્સ પોઈન્ટસનું મોનિટરિંગ અને ગાર્બેજ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ માટે આયોજન ગોઠવાયું હતું, જેમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

આ આયોજન વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરે એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર કચરા પેટીથી મુક્ત બન્યું ત્યાર પહેલા શહેરમાં અનેક સ્થળોએ કચરાના ન્યુસન્સ પોઈન્ટસ હતાં જ્યાં લોકો પોતાના ઘર, ઓફિસ કે દુકાનનો કચરો ફેંકતા રહેતા હતાં. જોકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ કચરા પેટીથી મુક્ત બની ચૂક્યું છે. લોકો પોતાના ઘેર, ઓફિસ કે દુકાનનો કચરો ત્યાં જ એકત્ર કરે અને ટીપર વાન દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. જોકે આમછતાં હજુ શહેરમાં અમુક સ્થળો એવા છે જ્યાં લોકો પોતાનો કચરો ફેંકતા રહે છે અને તેના પરિણામે એ સ્થળોએ ન્યુસન્સ પોઈન્ટ બની જાય છે. આવા સ્થળો “સ્વચ્છ રાજકોટની ઉજળી છબી પર એક દાગ સમાન છે. રાજકોટને હવે કચરાના ન્યુસન્સ પોઈન્ટમાંથી પણ મુક્ત કરવા એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કમિશનર વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, શહેરમાં જ્યાં ક્યાંય પણ કચરાના ન્યુસન્સ પોઈન્ટ રહેલા છે તેને ક્રમશ: દુર કરવા માટે એવા નજીકમાં રહેતા કે વ્યવસાય ધરાવતા નાગરિકો પૈકી કોઈ એકને “સ્વચ્છાગ્રાહી સ્વયં સેવક નિયુક્ત કરવામાં આવી રહયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ન્યુસન્સ પોઈન્ટસની નિયમિતપણે સફાઈ થાય અને લોકોની ફરિયાદ ના રહે તેની ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથોસાથ મહાનગરપાલિકાએ નિયુક્ત કરેલ સ્વયં સેવક આ ન્યુસન્સ પોઈન્ટસ પર કચરો ફેંકતા લોકોને જાહેરમાં કચરો ફેંકવાને બદલે પોતાને ત્યાં જ કચરો એકઠો કરવા સમજાવશે. આ એકત્ર થયેલ કચરો ટીપર વાન આવીને લઇ જશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના નાયબ કમિશનર પોતપોતાના ઝોનમાં નિશ્ચિત સમયાંતરે ફરશે અને ન્યુસન્સ પોઈન્ટસનું રેગ્યુલર મોનિટરિંગ કરશે તેમજ ઝોનમાં ઓવરઓલ સફાઈ કામગીરી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ શહેરમાં જ્યાં જ્યાં કચરા ટોપલીઓ રાખવામાં આવેલી છે તે નિયમિતપણે ખાલી કરી કચરો ગાડીમાં ભરાઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કચરા વર્ગીકરણમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે શહેરીજનોને વખતોવખત જણાવવામાં આવે છે. જેનાથી કચરાનું વર્ગીકરણ સરળ બની શકે છે.  કચરાનું વર્ગીકરણ કરવાના ફાયદા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરા વર્ગીકરણની પ્રોસેસને બહુ જ સરળ બનાવી છે. ઘરે ઘરે આવીને ટીપરવાન કચરો લઇ જાય છે તો નાગરિકોની પણ એક ફરજ બને છે કે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીએ જેનાથી રાજકોટ  મહાનગરપાલિકાને કચરાનું વર્ગીકરણ કરવામાં સરળતા રહે. આ વિશે મ્યુનિ. કમિશનરે કહ્યું હતું કે, કચરાના વર્ગીકરણ અંગે જનજાગૃતિ ફેલાવવા રાજકોટ મહાનગરપાલિકાના એક હજાર કર્મચારીઓ શહેરના તમામ વિસ્તારોમાં ઘેર ઘેર, દુકાન દુકાન જઈને નાગરિકોને કચરાના વર્ગીકરણ કરવા માટે સમજાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.