Abtak Media Google News

સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ખાતે આવી કર્યો હલ્લાબોલ

સુરેન્દ્રનગરના ઓમનગર, બાપા સીતારામનગર સહીત ટીબી હોસ્પિટલનાં પાછળનાં વિસ્તારોમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ગંદુ દૂષીત પાણી વિતરણ કરાતા રહિશો ત્રાહીમામ પોકારી ગયાં હતા. આથી રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ ધસી જઇ યોગ્ય કરવા માંગ કરી હતી.  સુરેન્દ્રનગરમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ભૂગર્ભ ગટર અને નવી પાણીની લાઇનો નાંખવાનું કામ ચાલુ છે. ત્યારે પાણીની લાઇનો તુટવાનાં કારણે ગટરનાં પાણી પીવાનાં પાણી સાથે ભળતા દૂષીત પાણી વીતરણ થાય છે.

જેમાં ટીબી હોસ્પિટલના પાછળનાં વિસ્તારમાં આવેલા ઓમનગર, બાપા સીતારામ નગર સહીતની સોસાયટીઓમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી નળમાં દૂષીત પાણી આવતા રહીશોમાં રોષની લાગણી ફેલાઇ છે. પાણીમાં એટલી તીવ્ર વાસ આવતી હોય લોકો પીવામાં તો ઉપયોગ કરી શકતા નથી પરંતુ કપડા ધોવા કે વાસણ માંજવામાં પણ નથી વાપરી શકતા. આથી લોકોને મજબુરીથી વેચાતુ પાણી લેવુ પડે છે. છેલ્લા એક વર્ષથી સ્થિતિ જેમની તેમ રહેતા રોષે ભરાયેલી મહિલાઓ સુધરાઇ કચેરીએ ધસી જઇ તાત્કાલીક યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી હતી. આ અંગે ચીફ ઓફીસર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ટીમ મોકલી તપાસ કરાશે તેમજ ટુંક સમયમાં જ નવી લાઇનમાંથી પાણી વિતરણ કરાશે. જેથી લોકોની સમસ્ય દુર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.