રહેણાંકના વીજ જોડાણ કારખાનામાં આપી દેવાયા!

આમાં વીજતંત્ર ખોટમાંથી કેવી રીતે બહાર આવે

કારખાનેદારને ખંખેરી ૩૦૦ વીજજોડાણ અપાયા: ખુલ્લા પ્લોટમાં ઔદ્યોગિક જોડાણ અને એ પણ છ-છ

શહેરમાં કાયદા અને નિયમોને નેવે મુકી રહેણાંક ઝોનના હેતુના વીજજોડાણ કારખાનામાં આપી દેવાનુ ખુલ્યું છે. આ કૌભાંડથી વીજતંત્રને અંદાજે  રૂ. ૭ કરોડનું નુકસાન થયાની ચર્ચા થઇ રહી છે.

જામનગરમાં વીજ કંપનીના સમગ્ર સ્ટાફમાં છાના ખુણે ચર્ચાતા કૌભાંડની થોડીઘણી બહાર આવેલી વિગત મુજબ રહેણાક ઝોનના હેતુસર ફાળવાતા કેટલાક વીજ જોડાણ દરેડમાં કારખાનાઓમાં આપી દેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. વર્ષ-૨૦૧૨થી વર્ષ-૨૦૨૦ સુધીમાં અપાયેલા કેટલાક જોડાણોમાંથી ત્રણસો જેટલા જોડાણો અપાયા તો છે રહેણાકના હેતુસર પરંતુ ખરેખર તે જોડાણો કારખાનાઓમાં આપી દેવાયા છે. થ્રી તથા સીંગલ ફેઈઝ જોડાણોમાં સર્વે કરનાર અધિકારીઓ જાણતા હતાં કે જોડાણોનો હેતુ ફેર થઈ રહ્યો છે તેમ છતાં વર્ષ-૨૦૧૨થી ૧૬ સુધી તે સીલસીલો યથાવત જ રહ્યો હતો. કારખાનું બાંધી લેવામાં આવે તે પછી વીજ જોડાણ પ્રાથમિક જરૃરિયાત ગણાય તેથી મજબુર કારખાનેદાર વીજ જોડાણા મેળવવા ખીસ્સા ખંખેરીને પણ પૈસા ભરતો ગયો. જેના પગલે લાગલગાટ ૩૦૦ વીજ જોડાણ આરજીપીયુ કેટેગરીમાં ફાળવાઈ ગયા.

દરેડ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા એક અધિકારીએ અગાઉ કરતુત કરી કંપનીને ભૂ પીવડાવી દીધું છે તેવી ચર્ચા પણ જાગી છે ત્યારે આ અધિકારી તપાસનો અહેવાલ રજુ થશે તો તે અહેવાલમાં સહી કરનાર અધિકારીની બદલી કરાવી નાખીશ તેવી શેખી પણ મારે છે. સર્વેના વખતે બાંધકામ નહીં હોવા છતાં વર્ષોથી ખુલ્લા રહેલા પ્લોટમાં ઔદ્યોગિક જોડાણ અને એક જ પ્લોટમાં છ-છ જોડાણ ભ્રષ્ટાચાર થયો હોવાનું પોકારીને કહે છે. તે ઉપરાંત એક જ શેડમાં એક જ ઔદ્યોગિક જોડાણ આપવાનું હોય છે પરંતુ નિયમોને નેવે મૂકી ઈલેકટ્રીક કે મિકેનિકલી સેપરેશન ન હોવા છતાં એકસો કિલો વોટના બે-બે અને ક્યાંક ત્રણથી ચાર સુધી જોડાણો આપી દેવાયા છે જેની સંખ્યા ૧૭૦થી પણ વધુ હોય શકે છે. વર્ષોથી ચાલતા આ કૌભાંડ અંગે કંપનીનું હીત જેના હૈયે છે તેવા કર્મચારીઓએ કંપનીના એમડી શ્વેતાબેન ટીઓટીયા સુધી તેનો સીલસીલાબદ્ધ અહેવાલ મોકલાવ્યો છે. જેના કારણે જીઈઆરસી તથા તકેદારી આયોગ તપાસ કરવા માટે પ્રેરાયા છે.

Loading...