‘અનામત’ને બંધારણે અનામત નથી ગણ્યું!

અનામતનો અમલ કરવા સરકારને ફરજ પાડી ન શકાય તેવા સુપ્રીમકોર્ટના ચૂકાદા બાદ અનામતના બંધારણીય જોગવાઇ પર ઉઠતા પ્રશ્નાર્થો?

ભારતની જાતિવાદી વર્ણવ્યવસ્થાના કારણે નીચલી જાતિના લોકોને સદીઓ સુધી અમાનવીય વર્તન સહન કરવું પડયું હતું. આવા ઉપેક્ષિત લોકો સમાજની મુખ્યધારામાં જોડાઈ તે માટે બંધારણના રચિયતા ડો.બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરી હતી. પ્રારંભમાં ૧૦ વર્ષ માટે કરેલી આ જોગવાઈનો આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ સતત અમલ ચાલી રહ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં રખાતા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે વિપક્ષોએ સંસદ ગજવીને મોદી સરકારને અનામત વિરોધી ગણાવી હતી જેની ફરીથી દેશભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે કે ‘અનામત’ બંધારણીય હકક છે કે નથી?

તત્કાલીન ઉતરાખંડ સરકારે ૫ સપ્ટેમ્બર ૨૦૧૨માં એવો નિર્ણય કર્યો હતો કે જાહેર સેવાઓની તમામ જગ્યાઓ એસસી અને એસટી વર્ગના ઉમેદવારો માટે અનામત રાખ્યા વગર ભરવામાં આવશે. આ નિર્ણયનો ઉતરાખંડ હાઈકોર્ટમાં પડકારવામાં આવતા વર્ષ ૨૦૧૯માં ઉતરાખંડ સરકારના આ નિર્ણયને રદ કર્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, રાજય સરકારની વિવિધ સેવાઓમાં એસસી અને એસટી અધિકારીઓના પ્રતિનિધિત્વ અંગેના આંકડાઓ મેળવીને આ આંકડાઓ ઉતરાખંડ સરકાર અનામત આપવું કે નહીં તે અંગેનો નિર્ણય કરી શકશે. ઉતરાખંડ હાઈકોર્ટના આ ચુકાદાને ઉતરાખંડ રાજયસરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

ઉતરાખંડ સરકારની આ પડકાર પર પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચે જણાવ્યું હતું કે, જાહેર સેવાઓમાં અનામત રાખવું કે નહીં તે અંગે રાજય સરકાર પોતાની મુનસુફીથી નિર્ણય લઈ શકે છે. સરકારી નોકરીઓમાં અનામત રાખવા માટે રાજય સરકારને ફરજ પાડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનામતની મુળભુત બંધારણીય જોગવાઈ પર સવાલો ઉભા થવા પામ્યા છે. સંસદમાં આ મુદ્દે થયેલી ચર્ચાઓ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવીને તેના માટે કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ-બાર એસોસીએશનની માનસિકતા અનામતને નાબુદ કરવાની છે. કેન્દ્ર સરકારમાં ભાજપના સાથીદાર પક્ષ લોકજનશકિત પાર્ટીઓ પણ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે વિપક્ષો અને સાથી પક્ષોના વિરોધ બાદ મોદી સરકાર સાવચેતીપૂર્વક ચાલી રહી છે. લોકસભામાં સામાજીક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે આ મુદ્દે માત્ર એટલુ જ જણાવ્યું હતું કે, ભારત સરકાર યોગ્ય પગલા લેશે. છેલ્લા છ વર્ષમાં આ પહેલીવાર નથી. જયારે અનામતના મુળ અસ્તિત્વ પર દેશભરમાં ચર્ચાઓ જાગી હોય સમયાંતરે અનેક વખત મોદી સરકાર અનામત વિરોધી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. થોડા સમય પહેલા સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં રોસ્ટર પોઈન્ટમાં બદલાવના મુદ્દે મોદી સરકાર સામે દલિત અને આદિવાસી સંગઠનો માછલા ધોવાયા હતા. આ મુદ્દે દેશભરમાં દલિત-આદિવાસી સંગઠનોએ આંદોલનો છેડતા મોદી સરકારે આ ફેરફારને પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.

અનામત અંગેની બંધારણની જોગવાઈઓ પર નજર કરીએ તો ભારતીય બંધારણના ભાગ-૩માં કલમ ૧૫(૪), (૫) અને ૧૬ (૪) હેઠળ અનામતની ચર્ચા કરવામાં આવી છે. બંધારણનો ભાગ-૩માં નાગરિકોના મુળભુત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે જેથી એવું માનવામાં આવે છે. અનામત એ મુળભુત અધિકાર છે. જોકે આ અંગે નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના વાઈસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ જણાવ્યું હતું કે, બંધારણનું સાંકડુ અર્થઘટન કરો તો અનામત સ્પષ્ટ રીતે કયાંય મુળભુત અધિકાર તરીકે નથી અપાયું પરંતુ બંધારણનું ઉદાર અર્થઘટન કરો તો અનામતની જોગવાઈ સમાનતાના અધિકારમાં છે. અનામત સમાનતા માટે અપવાદરૂપ નથી પરંતુ સમાનતાના વિસ્તરણમાં છે.

Loading...