રૂપિયાને મજબૂત બનાવવા વિદેશી ધિરાણના નિયમો હળવા કરતી રીઝર્વ બેન્ક

214

મેન્યુફેકચરીંગ ક્ષેત્રના ઉત્પાદકોને હવે ૫૦ મીલીયન ડોલર સુધી ઈસીબીની પરવાનગી

અર્થતંત્રની ગાડી પાટે લાવવા મોદી સરકારે લીધેલા પાંચ નિર્ણયો પૈકીના મહત્વના નિર્ણયની અમલવારી

ડોલર સામે રૂપિયાને મજબૂત કરવા વિદેશી ધિરાણના નિયમોને હળવા કરવાનો નિર્ણય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લીધો છે. એકસ્ટર્નલ કોમર્શીયલ બોરોવીંગ પોલીસીમાં છુટછાટ આપવામાં આવશે. રૂપિયાના અવમુલ્યને અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

૫૦ મીલીયન ડોલર સુધીના વિદેશી કોમર્શીયલ ધીરાણ ઉપર છૂટછાટ આપવામાં આવી છે. ૫૦ મીલીયન ડોલર અથવા તેમની સમકક્ષ ઉધાર લેનારાઓ દ્વારા ત્રણ વર્ષની લઘુતમ સરેરાશ પાકતી મુદતને માન્ય ગણવામાં આવશે. વડાપ્રધાન મોદીની ગત અઠવાડિયા આર્થિક સમીક્ષા બેઠક બાદ દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા પાંચ મહત્વના નિર્ણય લેવાયા હતા.

જે પૈકી લઘુતમ સરેરાશ પાકતી મુદત ત્રણ વર્ષથી એક વર્ષ કરવાનો નિર્ણય સૌથી મહત્વનો ગણાયો હતો. વર્તમાન સમયમાં સ્થાનિક બેંકો રૂપી ડીનોમાઈન્ટેડ બોન્ડ (આરડીબી) માટે મહત્વનો સેતુ બને છે. જેને મસાલા બોન્ડ પણ કહેવામાં આવે છે. આ પ્રકારના બોન્ડ વિદેશમાં જાહેર થાય છે. અંડર રાઈટર તરીકે છ મહિનાના ઈસ્યુ બાદ તેનો હોલ્ડીંગ ઈસ્યુ ૫ ટકાથી વધુ હોય શકે નહીં.

સેન્ટ્રલ બેંકના જણાવ્યાનુસાર હવે ભારતીય બેંકોને લાગુ પડતા ધોરણોને આધારે વિદેશમાંથી બહાર પાડવામાં આવેલા આરડીબીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી છે. પરિણામે હવે રૂપિયાનું અવમુલ્યન ઓછુ કરવામાં મદદ મળશે તેવુ નિષ્ણાંતોનું માનવું છે. વર્ષ ૨૦૨૦ના જુલાઈ મહિના પહેલા આ પ્રકારના બોન્ડ ઉપરનું વ્યાજ ચૂકવવા પાત્ર છે. જેનો દર પાંચ ટકાનો રહે છે. વિદેશી હુંડીયામણ વધારવાના હેતુથી આ પ્રકારનો નિર્ણય અગાઉ પણ લેવામાં આવ્યો હતો.

બીજી તરફ રૂપિયાનું અવમુલ્યન અટકાવવા માટે રિઝર્વ બેન્કે તાત્કાલીક પગલા લેવા જોઈએ તેવું નિષ્ણાંતોનું કહેવું હતું. વર્ષ ૨૦૦૮ થી ૨૦૦૯ દરમિયાન રૂપિયાના મુલ્યમાં ૧૩ ટકા ઘટાડો થયો હતો ત્યારે રિઝર્વ બેન્કે ૪૩ અબજ ડોલરનું વેંચાણ કર્યું હતું. એ સમયે દેશ પાસેથી અનામત વિદેશી હુંડીયામણ ૩૧૨ અબજ ડોલર જેટલું હતું. આ આંકડાનુસાર ૧૯૯૦ દાયકામાં કુલ અનામત વિદેશી હુંડીયામણ ૪૦ અબજ ડોલર કરતા પણ ઓછુ હતું. ત્યારે રિઝર્વ બેન્કે હસ્તક્ષેપ કર્યો હતો અને રૂપિયાનું અવમુલ્યન અટકાવવા માટે હુંડીયામણમાંથી ૮ થી ૯ ટકાનું વેંચાણ કર્યું હતું. જેથી વર્તમાન પરિસ્થિતિમાં પણ રિઝર્વ બેન્ક ફોરેકસ માર્કેટમાં વધારાના ૨૫ અબજ ડોલરનું વેંચાણ કરી શકે છે.

અમેરિકા સાથે વેપારમાં ટેરિફની અડચણો દુર થશે

અમેરિકા સાથે સ્ટીલ અને એલ્યુમીનીયમ સહિતની કેટલીક પ્રોડકટ પર ટેરીફના મુદ્દે ભારતને મડાગાંઠ ઉભી થઈ છે. જો કે, ટ્રેડ પેકેજના માધ્યમથી ગુંચ ઉકેલવાનો પ્રયાસ કરાશે. બન્ને દેશો એકબીજા સાથેના મતભેદ દૂર કરવા એક-એક ડગલુ પાછળ હટશે. અમેરિકાથી ઈમ્પોર્ટ થતી કુલ ૨૯ પ્રોડકટ ઉપર ઉંચી કસ્ટમ ડયૂટી નાખવાની ડેડલાઈન ભારતે પાછળ ઠેલવી છે. અગાઉ ઓગષ્ટ મહિનામાં ૨૯ પ્રોડકટ ઉપર જકાત નાખવાનો નિર્ણય લેવાયો હતો.

માર્ચ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈમ્પોર્ટેડ સ્ટીલ અને એલ્યુમીનીયમ ઉપર ભારેખમ ટેલીફ નાખવાની જાહેરાત કર્યા બાદ ભારતે પણ કસ્ટમ ડયૂટી વધારવાનો નિર્ણય લીધો હતો. હવે બન્ને દેશો વચ્ચે ટેરીફના વિવાદનો ઉકેલ આવશે તેવું જણાય રહ્યું છે. જો કે, ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરની અસર થોડી ઘણી દેખાશે તેવું માનવામાં આવે છે.

ઓઇલના પેમેન્ટ માટે  ડોલરની અવેજીમાં યુરોપીયન કરન્સીનો ઉપયોગ કરશે ભારત

ઓઈલના પેમેન્ટ માટે ડોલરને કરન્સી તરીકે ઉપયોગમાં લેવાની ફરજ પડતી હોય છે. આ પ્રકારની મજબૂરીના કારણે ભારત સહિત ઘણા દેશોની કરન્સી ડોલર સામે નબળી પડી છે. જો કે, હવે સરકારે ડોલરની અવેજીમાં યુરોપીયન કરન્સીનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો છે. બીજી તરફ તેલ કંપનીઓને પણ ક્રુડ તેલની ચૂકવણી માટે તમામ ખરીદી એક જ બેંક મારફતે સીધી રિઝર્વ બેંક પાસેથી કરવા જણાવવામાં આવ્યું છે. ૨૦૧૩માં નાણાકીય કટોકટી સમયે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્ર્વ વ્યાપારમાં રક્ષણાત્મક પગલા અને ક્રુડ તેલના ઉંચા ભાવથી બચવા હવે ડોલરના સ્થાને યુરોપીયન કરન્સીનો ઉપયોગ થઈ શકે તે મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે.

Loading...