Abtak Media Google News

બુધવાર સુધીમાં ઘાસચારાનું વિતરણ નહીં થાય તો માલઢોર સાથે મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન કરાશે : પશુપાલકો

ચોમાસુ બેઠાના બે માસ વિતવા છતાં પણ હળવદ પંથકમાં નહીવત વરસાદ કારણે પશુપાલકોને પોતાના માલઢોર નિભાવવા મુશ્કેલ બન્યા છે ત્યારે રાજય સરકાર રાહતદરે ઘાસચારાનું વિતરણ કરે તેવી માંગ સાથે તા.૯/૭ના રોજ માલધારીઓ દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી પરંતુ આજદિન સુધી ઘાસચારાનું વિતરણ ન થતા પંથકમાંથી માલધારીઓ પોતાના માલઢોર સાથે હિજરત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજે હળવદના માલધારીઓ ફરી પુન: મામલતદાર કચેરીએ આવેદન આપી ચિમકી ઉચ્ચારી હતી કે જા તા.૧ને બુધવાર સુધીમાં ઘાસચારાનું વિતરણ કરવામાં નહીં આવે તો માલઢોર સાથે હળવદ મામતલદાર કચેરી ખાતે ધસી જઈ ધરણા પર બેસવાની ફરજ પડશે.

હળવદ પંથકમાં મેઘરાજા જાણે રીસામણે ચાલી ગયા હોય તેમ હળવદને મેઘરાજાએ હેત વરસાવવામાં બાકાત રાખતા મુંગા પશુઓની હાલત કફોડી બની જવા પામી છે. આમ પંથકમાં ખેડૂતો સાથે ખાસ કરીને પશુપાલકોને પોતાના પશુઓ નિભાવવા મુશ્કેલ બન્યા છે. જયારે બીજી તરફ ઓણસાલ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલો પણ બંધ હોવાના કારણે ઘાસચારાનું વાવેતર થઈ શકેલ નથી. જેના કારણે હળવદ પંથકમાં ઘાસચારા ભારે તંગી જાવા મળી રહી છે. ત્યારે હળવદના માલધારીઓ રાહતદારે ઘાસચારાનું વિતરણ કરવા ગત તા.૯/૭ના રોજ મામલતદાર તેમજ કલેકટર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવતા માલધારીઓમાં રોષ ફેલાયો છે.

આમ આજે હળવદ મામલતદાર કચેરીએ માલધારીઓએ પાઠવેલ આવેદન પત્રના જણાવ્યા મુજબ જા તા.૧ને બુધવાર સુધીમાં રાજય સરકાર દ્વારા રાહતદરે ઘાસચારાનું વિતરણ નહીં કરાય તો માલઢોર સાથે માલધારીઓ પણ મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.