પ્રજાલક્ષી વિકાસ કાર્યોથી પ્રજાસત્તાક પર્વ દિપી ઉઠ્યો: નીતિન પટેલ

62

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે જિલ્લા કલેકટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ અને જનભાગીદારીથી બનેલા ફલેગ ઓફ યુનિટીનું અનાવરણ

જન સેવા કેન્દ્રમાં ૧૭ કાઉન્ટર અને આધારકાર્ડના ખાસ બે કાઉન્ટર, અરજીઓનો ૨૪ કલાકમાં ત્વરીત કાર્યવાહી સાથે નિકાલ કરાશે: કલેકટર રેમ્યા મોહન

૪૦,૫૭૩ કાગળના ફોલ્ડ કરાયેલા પીસને જોડીને ફલેગ ઓફ યુનિટીનું નિર્માણ કરનાર આર્ટિસ્ટ વિરાજબા જાડેજાનું ના.મુખ્યમંત્રી હસ્તે સન્માન

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ અને જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ‘ઓરેગામી’માંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ ફલેગ ઓફ યુનિટીનું અનાવરણ કરાયું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રી પટેલએ પ્રજાસત્તાક પર્વની રાજકોટવાસીઓને અભિનંદ પાઠવી જણાવ્યું હતું કે, અમારી સરકાર પ્રજાલક્ષી વિકાસકામો કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહી છે. વિશિષ્ટ પ્રકારના હજારો કાગળથી બનેલ રાષ્ટ્રધ્વજને બનાવનાર કલાકાર અને કલેક્ટરને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જનસેવા કેન્દ્રના ઉદઘાટન કર્યા બાદ તેની મુલાકાત લીધી હતી.

નાયબ મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક કહ્યું કે પ્રજાના કામો ઝડપથી થાય તે માટે જન સુવિધા કેન્દ્ર ખૂબ ઉપયોગી રહેશે. પ્રજાની સત્તા હોય તે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. બંધારણમાં આપણે અનેક અધિકારો પ્રાપ્ત થયા છે. જેના દ્વારા સરળતાથી પ્રજાને તેમના હક્કો મળે છે. સમગ્ર રાજકોટવાસીઓ પ્રજાસત્તાક પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.

કલેકટર રેમ્યા મોહને શાબ્દીક સ્વાગત બાદ જણાવ્યું હતું કે, સૌથી મોટું ફલેગ આપણે બનાવીને રેકોર્ડ માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટ અંતર્ગત જાપાનીઝ કલા ‘ઓરેગામી’ના ઉપયોગથી ૪૦,૫૭૩ કાગળના ટૂકડાઓને ગુંદર કે પીન જેવા કોઇ પદાર્થ/ સાધનનો ઉપયોગ વગર જ એકબીજા સાથે જોડી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટનું નિર્માણ આર્ટિસ્ટ વિરાજકુમારી જાડેજાના પ્રતિનિધિત્વમાં કરવામાં આવેલ છે જેમણે અંદાજે ૪૨ હજાર જેટલા ટુકડાઓ સાંકળી રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં ૨૦૦ કલાક જેટલો સમયનું યોગદાન આપેલ છે. ‘ફલેગ ઓફ યુનિટી’નું કદ ૯.૯૯ ફુટ ડ૬.૬૬ ફુટ છે તેમજ તે ૧૨.૩૮૨ ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવે છે. આ અદ્વિતીય રાષ્ટ્રધ્વજના નિર્માણમાં શાળાના બાળકો, દિવ્યાંગ તેમજ મનો દિવ્યાંગ બાળકોથી લઇ, વિધવા બહેનો, એનસીસી  કેડેટસ, સીઆઈએસએફ,  પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારો, બ્રહમા કુમારીઝવિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઇઓ/ બહેનો મળી કુલ ૨૬ હાજર થી વધુ લોકોએ ૧૦૦૦ વધુ માનવ કલાકોની ભાગીદારી નોંધાવી છે. જે તેના નામે ‘ફલેગ ઓફ યુનિટી’ને સાથે કરે છે. અને આપણા દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને ઉજાગર કરે છે.  કલેકટરે વધુમા જણાવ્યુ હતું કે  સંપૂર્ણ વાતાનુકુલીત એવા નવનિર્મિત “જનસેવા કેન્દ્ર ખાતે વન-ડે ગવર્નન્સ (એક જ દિવસમાં ઉપલબ્ધ તમામ સેવાઓ) એક જ સ્થળેથી ઝડપથી મળી રહેશે. આ “જનસેવા કેન્દ્ર ખાતે અરજીઓનો  ૨૪ કલાકમાં ત્વરીત કાર્યવાહી સાથે નિકાલ કરવામાં આવશે. જેથી લોકોને જુદી જુદી મામલતદાર કચેરીઓએ જવું નહીં પડે. ૧૭ કાઉન્ટર અને આધારકાર્ડના ખાસ બે કાઉન્ટર સાથે કાર્યરત આ આધુનિક જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ વન-ડે ગવર્નન્સ ઉપરાંત અન્ય સેવાઓ જેવીકે ઇલેકશન સ્માર્ટકાર્ડ, ગામના નમુના નં.૭/૧૨, ૮-અ ના ઉતારા, ઇ-સ્ટેમ્પીંગના દાખલાઓ કાઢી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાના બાળકો સાથે આવનાર મહિલાઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખાસ બેબી કેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રમકડાંઓથી સુસજ્જ હશે.

આર્ટીસ્ટ વિરાજકુમારી જાડેજાનું નાયબ મુખ્યમંત્રી દ્વારા સન્માન કરાયું નાયબ મુખ્યમંત્રીએ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા.વિવિધ યોજનાના લાભાર્થીઓને નાયબ મુખ્યમંત્રીએ વિવિધ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સાંસદી મોહનભાઇ કુંડારીયા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી અંજલીબેન રૂપાણી, કમલેશભાઇ મિરાણી, ડી.કે.સખિયા, રાજુભાઇ ધ્રુવ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારી, પદાધિકારી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Loading...