Abtak Media Google News

સરકારી કચેરીઓએ રજૂ કર્યા વિવિધ ટેબ્લો-પ્રથમ ત્રણને ઈનામો અપાયા

શહેરમાં મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે ધ્વજવંદન: પોલીસ બેન્ડ સુરાવલી સાથે દેશભક્તિનો માહોલ: કોરોના વોરિયર્સનું કરાયું સન્માન

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આન, બાન, શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સાથે માર્ચ પાસ્ટ યોજાયા હતા. જેમાં વિવિધ સરકારી કચેરીઓઅ ટેબ્લો પ્રદર્શિત કર્યા હતા. પોલીસ બેન્ડની સુરાવલી સાથે વિવિધ કાર્યક્રમો રજૂ થયા. સૌ દેશભકતિના રંગે રંગાયા હતા.

Img 20210126 Wa0053

જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, એન.સી.સી. વગેરેના જવાનોની માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માર્ચ પાસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલને પુરસ્કૃત કર્યા હતા.

Img 20210126 Wa0052

મંત્રી જયેશભાઇ રાદડિયાએ ગુજરાતમાં જ્ન્મ લેનાર પુજય મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અંત:કરણ પુર્વક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે ગાંધી સરદારના નામ હંમેશા અમર રહેશે. મંત્રીએ જણાવ્યું કે, ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. બંધારણના ઘડવૈયાનો આભાર માનતા તેમણે વધુમાં ઉમેર્યુ કે, વર્ષો પહેલા ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત થવા આપણે એકતા દર્શાવી અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષે પોતાની એકતાના દર્શન દુનિયાને કરાવ્યા છે. કોરોના નામના અદ્રશ્ય દુશ્મનને હરાવવા ગુજરાતીઓએ એક બની મક્કમ મુકાબલો કર્યો છે. સૌના સહિયારા પુરુષાર્થથી જ ગુજરાતમાં આ મહામારીમાં ૯૬ ટકાથી પણ વધારે રિકવરી રેટ રહ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકો દુનિયાને રાહ ચીંધી રહ્યા છે, ભારતમાં સ્વદેશી બે રસીઓનો આવિષ્કાર થયો છે.કાર્યક્રમમાં મંત્રી દ્વારા વિવિધ વિભાગના કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોનાવોરિયર્સને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ હોમગાર્ડમાં ઉત્કૃષ્ટ સેવા બદલ જવાનોને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ, જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સુરક્ષા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ-સ્વચ્છ ભારત, વન વિભાગ દ્વારા વન સંરક્ષણ-જૈવિક વૈવિધ્ય, પી.જી.વી.સી.એલ દ્વારા કિસાન સૂર્યોદય યોજના-સોલાર રૂફ ટોપ યોજના અને આર.ટી.ઓ જામનગર દ્વારા ટ્રાફિક અવેરનેસ-માર્ગ સલામતી અંગેના ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે પી.જી.વી.સી.એલ, દ્વિતીય ક્રમે ગ્રામ વિકાસ એજન્સી અને તૃતીય ક્રમે વનવિભાગને શ્રેષ્ઠ ટેબ્લો નિદર્શન માટે મંત્રીના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓથી જામનગર દેશ ભક્તિના રંગે રંગાયુ હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો, સ્થાનિક પ્રજાજનો, પત્રકારો વગેરે ઉપસ્થિત રહયા હતા.

Img 20210127 Wa0006

જામનગરમાં શહેર-કોંગ્રેસ દ્વારા ૭૨માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શહેરના ટાઉન હોલ વિસ્તારમાં કરવામાં આવી હતી.જેમાં કોંગી ધારાસભ્યએ તિરંગો લહેરાવી સલામી આપી હતી.જ્યારે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયે જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દીગુભા જાડેજા,પૂર્વ કોર્પોરેટર યુસુફ ખફી,દેવસી આહીર, જૈનેમબેન ખફી, આનંદ ગોહિલ,યુવક કોંગ્રેસ અને એનએસયુ આઈના ડો.તૌસિફખાન પઠાણ,મહિપાલસિંહ જાડેજા,શક્તિસિંહ જેઠવા સહિતના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કક્ષા ના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી માર્ચ પાસ્ટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર મીનાએ પ્રાસંગિક ઉદબોધન આપી રસિકરણની સંપુર્ણ કામગીરી પૂરી ના થાય ત્યાં સુધી કોરોના સામે તમામ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સારી કામગીરી બજાવવા બદલ જનરલ હોસ્પિટલ ખંભાળિયા અને સાંકેત હોસ્પિટલ ખંભાળિયા ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોવિડ ૧૯ અંતર્ગત સારી કામગીરી બજાવેલ આરોગ્ય કર્મચારીઓને, ૧૦૮ કર્મચારીઓ તથા પોલીસ વિભાગ માં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ અધિકારીઓ કર્મચારીઓ ને મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતા.આ ઉપરાંત કોવિડ ૧૯ મહામારીમાં યોગદાન આપેલ સંસ્થા/વ્યક્તિઓને પણ સન્માનિત કરાયા હતા. વિવિધ સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અકિારી ડી જે જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાનિ, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.

નેવીમાં પૂવે સૈનિકોનું ગણતંત્ર  દિવસે ગેટ ટુ ગેધર યોજાયું

Img 20210126 Wa0058

જામનગરમાં આવેલા નેવી મથકમાં ૭૨મા ગણતંત્ર દિન નિમિત્તે ભૂતપૂર્વ નૌ સૈનિકો માટે ગેટ ટૂ ગેધરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નૌ સેનાના વિધુતીય પ્રશિક્ષણ સંસ્થાના પ્રમુખ હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં ૩૨ પૂર્વ સૈનિકો જોડાયા હતા અને કમાન અધિકારી તથા અન્ય અધિકારીઓની મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં કોવિડ ૧૯ના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી પૂર્વ સૈનિકો સાથે સંબંધ સ્થાપિત કરી તેઓ મુશ્કેલ સમયમાં કુશલ મંગલ રહે તેવી સ્થિતિ નિર્માણ કરવાનો આશય હતો.

મહાનગરપાલિકામાં કમિશનરના હસ્તે ધ્વજવંદન

Img 20210126 Wa0054

જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુ.કમિશ્નર સતિષ પટેલે રાષ્ટ્રધ્વજને લહેરાવી સ્લામી આપી હતી અને તમામ નગરજનોને સુભેરછા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ડીએમસી એ કે વસ્તાણિ, સી ટી ઈજનેર શૈલેષ જોશી, ટેક્સ ઓફિસર જીજ્ઞેશ નિર્મલ, પ્રોજેકટ પ્લાનિંગ વિભાગના અધિકારી જાનીભાઈ, સેક્રેટરી અશોકભાઈ પરમાર, ફાયર શાખાનો સ્ટાફ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.