Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા સહિતના મહાનુભાવોની ઉ૫સ્થિતિ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોના પ્રશ્નનોને વાચા આપતુ જાગૃત સંગઠન છે અને વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ દ્વારા સમાજ પ્રત્યે સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવે છે. વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિ અને દેશ પ્રેમ જગાવવાના ઉદેશ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જીલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. ૨૧ જાન્યુઆરીથી એક સપ્તાહ ચાલનાર એ મેરે પ્યારે વતન શિર્ષક હેઠળ કાર્યક્રમો અને સ્પર્ધાઓની વણઝાર રજુ કરવામાં આવનાર છે. જેમા રકતદાન શિબિર, વકતૃત્વ સ્પર્ધા, દેશ ભક્તિ ગાયન સ્પર્ધા, દેશ ભક્તિ નૃત્ય સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, દેશ ભક્તિ સંગીત સંધ્યા, મેગા સ્કેટીંગ રેલી, એકસપર્ટ પેનલ ડિસ્કશન અને શાળા સંચાલકો દ્વારા રાષ્ટ્રભક્તિ સાયકલ રેલી જેવા કાર્યક્રમોના અયોજન કરાશે.

Dva

રકતદાન શિબિર, વકતૃત્વ, દેશભકિત ગાયન, નૃત્ય, વેશભૂષા, દેશ ભકિત સંગીત વગેરે અનેક સ્પર્ધાઓનો સમાવેશ

આ અંગે વિગતો આપતા મંડળના પ્રમુખ ડી. વી. મહેતા જણાવે છે કે, મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં આપણા યુવાઓમાં દેશ ભક્તિ અને દેશ પ્રેમ ખીલવવા અને તેમને આપણા દેશના પ્રજા સતાક પર્વ સાથે જોડવાના શુભ આશય સાથે રાજકોટ જીલ્લાના સૌ સ્વનિર્ભર શાળાના સંચાલકોએ સાથે મળી પ્રિ-પ્રાઇમરીથી ધોરણ ૯ સુધીના વિદ્યાર્થીઓ માટે ઝોન અને તાલુકા વાઇઝ, અલગ-અલગ વય જુથના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓના આયોજન કરવા જઈ રહી છે. કોવીડ-૧૯ ની પરિસ્થીતીને લીધે મોટા ભાગના કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ પર યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા વિદ્યાર્થીઓ તેમની શાળા દ્વારા ગુગલ ફોર્મના માધ્યમથી ઓનલાઈન નોમિનેશન નોંધાવી શકશે. દરેક સ્પર્ધા યુ-ટયુબ અને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી લાઇવ પ્રસારીત થશે. દરેક વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઝોન વાઇઝ ઇનામો અને દરેક સ્પર્ધકને ઇ-સર્ટીફીકેટ અપાશે.

Abhaybw

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં ‘દેશ પ્રેમ’જગાવવા વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું વણઝાર

કાર્યક્રમોમાંની શરુઆત ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણીની ઉપસ્થીતીમાં પ્રથમ કાર્યક્રમ તા. ૨૧ જાન્યુઆરીના રોજ સ્વ. અભયભાઇ ભારદ્વાજ અને સ્વ. અનંતરાય ગીરજાશંકર મહેતાને શ્રધ્ધાંજલી આપવા રકતદાન શિબિરનુ આયોજન પંચનાથ હોસ્પીટલ, પંચનાથ મંદિર ખાતે સવારે ૮ થી બપોરે ૨ કલાક સુધી યોજાશે. જેમા મુખ્ય અતિથી તરીકે રાજયના માન. મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણી, પોરબંદરની સાંદિપની આશ્રમ અને પ્રખ્યાત ભાગવત કથાકાર પૂ.  રમેશભાઇ ઓઝા, ગુજરાત ભાજપ લિડર  નિતિનભાઈ ભારદ્વાજ અને અભયભાઈના પુત્ર અને અગ્રણી ધારાશાસ્ત્રી  અંશભાઈ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતી રહેશે. તા. ૨૨ ના રોજ ધોરણ ૭ થી ૯ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રભક્તિના મુદ્દા આધારીત વકૃત્વ સ્પર્ધા  તા. ૨૩ ના ધોરણ ૪ થી ૬ના વિદ્યાર્થીઓ માટે સોલો અને ગ્રુપ એમ બે કેટેગરીમાં  દેશ ભક્તિના ગીતોની ગાયન સ્પર્ધા

તા. ૨૪ જાન્યુઆરીના ૧ થી ૩ના ભુલકાઓ માટે દેશભક્તિ નૃત્ય સ્પર્ધાનું  તા. ૨૫ ના  પ્રિ-પ્રાઈમરી, નર્સરી, એલ.કે.જી અને એચ.કે.જીના બાળકો માટે દેશભક્તિના રંગે રંગાયેલ દેશભક્તોના પાત્રોની વેશભૂષા સ્પર્ધા અને તા. ૨૫ જાન્યુઆરીના રોજ રાજકોટના શિક્ષણ જગતના વિદ્વાનો, સ્કૂલ સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યુ-ટ્યુબના માધ્યમથી દેશભક્તિના ગીતો આધારીત સંગીત સંધ્યાનું તેમજ તા. ૨૬ જાન્યુઆરીને પ્રજાસતાક દિવસના રોજ રાજકોટના શાળા સંચાલકો દ્વારા રાષ્ટ્રભક્તિ સાઇકલ રેલી યોજાશે. જે રેસકોર્ષથી શરુ થઈ, કાલાવાડ રોડ પર ન્યારી રોડ સુધી જશે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સવારે ૦૯ કલાકે મેગા સ્કેટીંગ રેલી યોજાશે. ત્યારબાદ જઋજ  સંવાદમાં સવારે ૧૧:૩૦ કલાકે આમંત્રીત તજજ્ઞો ડો. ભદ્રાયુભાઈ વછરાજાની,  શૈલેશભાઈ સગપરીયા,  સાંઈરામભાઈ દવે અને  જલંતભાઈ છાયા દ્વારા “શિક્ષણ અને રાષ્ટ્રભક્તિ” વિષય ઉપર મંડળના ફેસબુક પેજ અને યુટયુબ ચેનલ પર ચર્ચા અને સંવાદનું લાઇવ ટેલીકાસ્ટ થશે.

Aanant

આ તમામ કાર્યક્રમો અને સ્પર્ધાઓના સફળ આયોજન માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના રાજય મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ  જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લા પ્રમુખ  ડી. વી. મહેતા, ઉપપ્રમુખો અવધેશભાઇ કાનગડ, ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઇ પરડવા,  પુષ્કરભાઇ રાવલ, અને એફ.આર.સી. કમીટીના સભ્ય  અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં કાલાવાડ રોડ ઝોન ઉપપ્રમુખ સુદીપ મહેતા, જામનગર રોડ ઝોન ઉપપ્રમુખ નાકાણી સર, ગાંધીગ્રામ ઝોન ઉપપ્રમુખ રાણાભાઇ ગોજિયા, શ્રીકાંત તન્ના, કોઠારિયા રોડ ઝોન ઉપપ્રમુખ હસુભાઈ માયાણી, બેડિપરા ઝોન ઉપપ્રમુખ રામભાઈ ગરૈયા, મવડી રોડ ઝોન ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય સહીત મંડળના તમામ ઝોનના હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉજવણી સમગ્ર જિલ્લામાં થવાની હોય, એ માટે જસદણ, ગોંડલ, ઉપલેટા, જેતપુર, ધોરાજી, પડધરી, લોધિકા વગેરે તાલુકા કક્ષાએ તમામ તાલુકા પ્રમુખો અને તેમની ટીમ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.