દુધસાગર ડેરીમાં પુનરાવર્તન કે પરિવર્તન? સાંજે ફેંસલો

ડેરીમાં સત્તા મેળવવા માટે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી જૂથ વચ્ચે કાંટે કિ ટક્કર

ભારે રસાકસી અને ખેંચતાણ વચ્ચે આજે ઉત્તર ગુજરાતની મહત્વની દૂધસાગર ડેરીની ચૂંટણી શરૂ થઈ છે. દૂધસાગર ડેરીની કુલ ૧૫ બેઠકો માટે વર્ધમાન વિદ્યા સંકુલમાં મતદાન ચાલુ છે. જે સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. ડેરીમાં સત્તા મેળવવા માટે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી  અને અશોક ચૌધરી જૂથ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહ્યું છે. ત્યારે આજે ૧૧ મંડળીઓ અને દૂધના જથ્થાના આધારે ૪ બેઠકોનું મતદાન થશે. કુલ ૧૧૨૬ મતદારો પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાનું ભવિષ્ય નક્કી કરશે. મહેસાણાની સાર્વજનિક શાળામાં મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે શાળામાં કુલ ૧૧ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીથી લઈને પટાવાળા સુધી કુલ ૮૦ કર્મચારીઓનો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાશે. તો ચૂંટણીમાં કોઈ બાધા ઉભી ન થાય તે માટે ૨૫૦ પોલીસ કર્મચારીઓ, ૩ ડીવાયએસપીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કુલ ૧૫ બેઠકો માટે ૩૯ ઉમેદવારો મેદાનમાં છે. તો ૧૫ પેનલ માટે ૯ અપક્ષ ઉમેદવાર છે. બેલેટ પેપરથી આ મતદાન યોજાશે. અગાઉ ચૂંટણીમાં ૩૯ ઉમેદવાર હતા, જોકે, સિદ્ધપુર નાગવાસણા અને દસાવાડા દૂધ મંડળીના ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છે. આ બંને દૂધમંડળી દ્વારા હાઈકોર્ટમાં ચૂંટણી લડવા રિટ કરાઈ હતી. ત્યારે બંને કોર્ટે ઉમેદવારોને ચૂંટણી લડવા સહમતિ આપી હતી. જોકે, મુખ્ય જંગ વિપુલ ચૌધરી અને અશૌક ચૌધરીની પેનલ વચ્ચે છે.

પરિવર્તન પેનલના અશોક ચૌધરીએ મતદાન પહેલા નિવેદન આપ્યું કે, આ વખતે મતદારોએ પરિવર્તન પેનલને જીતાડવાનું મન બનાવ્યું છે. અમારો તમામ બેઠક ઉપર વિજય થશે. વિપુલ ચોધરી અને અશોક ચોધરીના જૂથે સત્તામાં આવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બંને જૂથ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અશોક ચોધરીના જૂથ દ્વારા વિપુલ ચોધરી પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામા આવ્યા છે. તો સાથે જ આ ચૂંટણીમાં પશુપાલકો અશોક ચૌધરી સાથે હોવાની વાત કરી રહ્યા છે. વિપુલ ચોધરીના શાસન દરમિયાન અનેક કૌભાંડો થયા હોવાના આક્ષેપ સાથે હાલ ડેરીની ૧૫ એ ૧૫ બેઠકો પર અશોક ચૌધરીની જીતનો દાવો અશોક ચોધરીના સમર્થકોએ કર્યો છે.

Loading...