Abtak Media Google News

ત્રણ અરજન્ટ બિઝનેસ સહિત ૪૫ પૈકી ૪૪ દરખાસ્તો મંજુર: સફાઈ કામદારો માટે ગણવેશ ખરીદવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલતા ચેરમેન ઉદય કાનગડ.

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૫ પૈકી ૪૪ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી. રૂ.૧૫.૧૨ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ બે દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સફાઈ કર્મચારીઓ માટે ગણવેશ ખરીદવાની ચેરમેને કમિશનર તરફ પરત મોકલી હતી અને રી-ટેન્ડરીંગ કરવાની સુચના આપી છે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવરબ્રીજ બનાવવા જવાહરલાલ, કુવાડવા રોડ, જામનગર રોડ પર મિલકત કપાત કરવા માટે લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ નકકી કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૩માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ અને અન્ય આવાસ યોજનાને લાગુ ૧૫ રસ્તાઓ પર ડામર કરવા માટે રૂ.૫.૯૫ કરોડ મંજુર કરાયા છે. આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસરની નિવૃતિ વયમર્યાદા ૫૮ વર્ષથી વધારી ૬૨ વર્ષ કરવા, આલ્ફેડ હાઈસ્કુલમાં બનાવવામાં આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમના કોન્ફરન્સ રૂમ, વી.આઈ.પી. લાઉન્ચ, કિડસ પ્લે એરીયા અને ફુડ ઝોન સહિતનું સંચાલન, નિભાવ મરામત અને સાફ સફાઈ માટે એજન્સીની નિમણુક કરવા માટે રૂ.૭૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

રાજય સરકારના આદેશ મુજબ કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ એ.જાડેજાએ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું સંચાલન માટે એજન્સી નિયુકત કરવા તથા મહાપાલિકાની બગીચા શાખા હસ્તકના કામોના ટીપીઆઈ કરવા અંગેની દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.