કોરોનામાં રાહત ખરી, પણ સાવચેતી અતિ જરૂરી: કલેકટર રેમ્યા મોહન

જિલ્લા કલેકટરની ‘અબતક’ સાથે ખાસ વાતચીત રાજકોટ જિલ્લો ભલે કોરોનાના ડીકલાઇન સ્ટેજ ઉપર હોય તંત્ર એલર્ટ જ રહેશે

કોરોનાની મહામારી શિયાળામાં કેવું સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય, લોકોએ ડરવાની જરૂર નથી બસ તકેદારી રાખવાની છે

રાજકોટ જિલ્લામાં હાલ કોરોના ડિકલાઇન સ્ટેજમાં છે. છતાં તંત્ર તો એલર્ટ મોડ ઉપર જ છે. તેવું જણાવતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું કે હાલ કોરોનામાં રાહત મળી છે. છતાં લોકોએ સાવચેતી રાખવી અતિ જરૂરી છે. કોરોનાની મહામારી શિયાળામાં કેવું સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય, જો કે આ અંગે લોકોએ ડરવાની જરૂર નથી બસ તકેદારી રાખવાની છે. હાલ તકેદારી જ કોરોના સામે લડવાનું  એકમાત્ર હથિયાર છે.

રાજકોટ જિલ્લાના કોરોનાનો હાહાકાર ધીમે ધીમે થમી રહ્યો છે. કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. અગાઉ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા હતા. જે હવે નિયંત્રણમાં આવ્યા છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.સામે રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળ્યો છે. છતાં હજુ પણ તકેદારી ખૂબ જરૂરી છે. તેવું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે હાલ શિયાળાનો પગરવ થયો છે. શિયાળામાં કોરોનાનું સ્વરૂપ કેવું હશે તે કહેવું અશક્ય છે. જો કે હાલના સમયમાં રાજકોટમાં કોરોનાને લઈને રાહત છે. પરંતુ અન્ય દેશોમાં જોઇએ તો બેથી ત્રણ વખત કોરોનાના કેસો ઘટયા બાદ ફરી તેની લહેર આવી છે. માટે અહીં કેસો ઘટયા છે. પણ બેદરકારી દાખવવામાં આવે તો ફરી કોરોનાની લહેર આવી શકે છે. જેથી સાવચેતી અતિ જરૂરી છે.

વધુમાં કલેકટરે ઉમેર્યું કે કોરોનાના કેસો ઘટયા છે. પણ તંત્ર દ્વારા તમામ પગલાઓ જે પહેલા લેવામાં આવતા હતા. તે ચાલુ જ રાખવામાં આવ્યા છે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. વધુમાં તંત્ર જો કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવે તો પણ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા સજ્જ રહે તેવો વ્યૂહ ગોઠવાયો છે.

હાલ શિયાળાની અસર ચાલુ થઈ ગઈ છે. ઠંડીમાં અહીંના વાતાવરણમાં કોરોના કેવું રૂપ ધારણ કરે તે હજુ કહી શકાય તેમ નથી. માટે તંત્ર દ્વારા કોરોના સામેની તમામ વ્યવસ્થા અકબંધ રાખવામાં આવી છે.

કોરોનાના વળતા પાણી: નવા કેસો અને મૃત્યુદરમાં ઘટાડો

દેશમાં જે રીતે કોરોનો વકરી રહ્યો હતો, ત્યારે તે સ્થિતિને ધ્યાને લઈ જાણે કોરોનાનાં વળતા પાણી જોવા મળી રહ્યા છે. આંકડાકીય માહિતી અનુસાર દેશમાં છેલ્લા ૬૩ દિવસમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. જયારે ગુજરાતમાં કુલ નવા ૧૧૬૯ કેસો નોંધાયા હતા અને ૮ લોકોનાં મૃત્યુ નિપજયા હતા જેમાં સુરતમાંથી ૨૫૪, અમદાવાદમાંથી ૧૮૪, વડોદરા ૧૨૮, રાજકોટમાંથી ૧૨૨, જામનગરમાંથી ૮૯ કેસો સામે આવ્યા છે. જયારે કોરોનાથી સાજા થવાનાનો આંકડો પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાંથી ૧૪૪૨ દર્દીઓ સાજા થયા છે. જેનો કુલ સાજા થવાનો આંકડો ૧.૩૩ લાખએ પહોચ્યો છે. રાજકોટમાંથી કુલ ૧૩૯ લોકો સાજા થયા છે.

તહેવારોની ઉજવણી અને કાર્યક્રમો અંગેની એસઓપી

(૧) ૬ ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ ડિસ્ટન્સ અને તેના માટે ફલોર માર્કિંગ કરવાનું રહેશે.

(૨) સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે.

(૩) થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર (સેનેટાઇઝર સાથે)ની સગવડતા પૂરી પાડવાની રહેશે. સ્ટેજ, માઇક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે.

(૪) હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.

(૫) સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

(૬) ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે.

(૭) આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.

(૮) બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે ખુરશીની ચારેય બાજુ ૬ ફુટની દુરી જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે.

(૯) આ પ્રકારના પ્રસંગમાં જો ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તો તે સમારંભ સ્થળે નહી, પરંતુ અલાયદા હોલ સ્થળે રાખવાનું રહેશે.

(૧૦) તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે.

(૧૧) સ્થળની ક્ષમતાના ૫૦%થી વધુ નહીં, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

(૧૨) લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦% અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં.

Loading...