Abtak Media Google News

‘યે સિલસિલા ક્યા યું હી ચલતા રહેગા… સિયાસત અપની ચાલોં સે કબતક છલતા રહેગા…!’ કોઇ હિન્દી કવિએ કરેલો આ વ્યંગ એનડીએ સરકારના કાને પહોંચી ગયો હોય, રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓ પરથી સરકારે ખેડૂતોનો મૂડ પારખી લીધો હોય કે પછી સર્વે એજન્સીઓના રીપોર્ટની અસર હોય, સરકાર છેલ્લા દોઢેક વર્ષથી કિસાનોના હિતમાં જે જાહેરાતો કરી રહી છે તેટલી અગાઉ કદાચ ક્યારેય નહી થઇ હોય. રિઝર્વ બેંકની દ્વિમાસિક મોનીટરી પોલીસીમાં પણ ખેડૂતોને કોલેટરલ-ફ્રી કૃષિ લોનની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને ૧.૬૦ લાખ રુપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટમાં નાણાભીડ ઘટાડવા માટે રેપો રેટ ૬.૫૦ થી ઘટાડીને ૬.૨૫ કરવામાં આવ્યો છે.આને તમે ઇકોનોમીને તાકાત આપવાનો પ્રયાસ પણ કહી શકો અને ચૂંટણીલક્ષી જાહેરાતો પણ કહી શકો.

કૃષિ લોનમાં મળેલી રાહતથી નાના ખેડૂતોને ખેતીના સાધનો, બિયારણ તથા સિંચાઇની વ્યવસ્થા માટે જરૂરી નાણાં આસાનીથી મળી જશે. ખેડૂતોના દેવા માફ કરવાને બદલે આવી જાહેરાત કરવા પાછળનો સરકારનો ઇરાદો ખેડૂતોને ઇમાનદાર અને આત્મનિર્ભર બનાવવાનો છે. લોન લેવી, હપ્તા ન ભરવા, ક્ષમતા હોવા છતાં દેણું વધારવું અને સરકાર લોન માફી જાહેર કરે તેની રાહ જોવી! દેશના ખેડૂતોમાં આવો પણ એક વર્ગ છે. જેને આળસુ અને કામચોર થતો અટકાવવા માટે કદાચ સરકાર લોન માફી નથી આપતી પણ જે રીતે ખેડૂતોની નારાજગી વોટીંગ મશીનોમાં છલકાઇ છે તે રીતે સરકારને ખુરશી ટકાવી રાખવા માટે તેમને રાજી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી. કદાચ આજ કારણસર આવી નવી.. નવી યોજનાઓ આવી રહી છે.

રેપો રેટમાં ઘટાડાની અસર ચુંટણીઓ વખતે આમ જનતાને સસ્તું ધિરાણ લેવા આકર્ષી શકે. હોમ લોન, કાર લોન, કે પર્સનલ લોનના દર સસ્તા થવાથી બજારમાં ખરીદી શરૂ થાય જેના કારણે નાણા ફરતાં થાય એવું સરકારનું અનુમાન છે.એક અંદાજ પ્રમાણે ૫૦ લાખ રુપિયાની હોમ લોન લેનારા માટે હવે માસિક હપ્તો ૧૭૫૦ રૂપિયા સુધી ઘટી શકે છે.

અત્રે ખાસ નોંધનીય છે કે સરકારની ધારણા પ્રમાણે જ ખાદ્યપદાર્થોમાં મોંઘવારી ઘણી કાબુમાં રહી છે. જેની પાછળ કૃષિ પેદાશોનું વિપુલ ઉત્પાદન અને પેટ્રોલ-ડિઝલનાં ભાવને જવાબદાર માની શકાય. એનડીએના શાસનકાળમાં ગત એક સાલમાં છ મહિનાનો ગાળો એવો રહ્યો હશે જેમાં ક્રુડતેલના ભાવ ૭૦ ડોલરથી વધારે રહ્યા છે.  બાકી સરેરાશ ભાવ ૬૦ ડોલરની સપાટીથી નીચે રહ્યા છે. જેથી આમજનતામાં રડારોળ થઇ નથી.

જો કે બમ્પર ઉત્પાદનનાં કારણે કૃષિ પેદાશોના ભાવ નીચા રહેતા ખેડૂતોને વળતર ઓછા મળ્યાં હોવાથી પણ તેમની નારાજગી હોઇ શકે છે. પણ આપણે હવે યાદ રાખવું પડશે કે ભારત વધતી સિંચાઇ વ્યવસ્થા અને હાઇબ્રિડ બિયારણના કારણે ખાદ્યાન્નની ખેંચ વાળા દેશમાંથી હવે સરપ્લસ દેશ બની રહ્યો છે. તેથી સરકારે પોલીસીમાં પણ ફેરફાર કરવા પડશે.

હાલમાં રેપોરેટ ઘટાડવા પાછળનું ચૂંટણી ઉપરાંત બીજું પણ એક લોજીક છે. ડિસેમ્બર-૧૮માં મળેલી રિઝર્વબેંકની કમિટીની પાંચમી બેઠકમાં સાલ ૨૦૧૮-૧૯નાં બીજા છમાસિક સમય માટે સીપીઆઈ ઇન્ફ્લેશન ૨.૭ થી ૩.૨ ટકા રહેવાનું અનુમાન મુકાયું હતું.જ્યારે સાલ ૨૦૧૯-૨૦ ના પ્રથમ છ માસિક માટે ફુગાવામાં થોડા વધારા સાથે રેન્જ ૩.૮ થી ૪.૨ ટકા રહેવાની ધારણા રખાઇ હતી. જોકે હકિકતમાં ફૂગાવો ૨.૬ ટકા રહ્યો છે. તેથી સરકાર રિઝર્વ બેંક પર રેપો રેટ ઘટાડવાનું દબાણ લાવે તે સ્વાભાવિક છે.

વૈશ્ર્વિક બજારનાં પરિબળો કહે છે કે ૨૦૧૮નાં ચોથા ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં અર્થતંત્રની ગાડી થોડી ધીમી પડી છે, રોજગારી વધારે દેખાતી હોવા છતાં આવી સ્થિતી છે. યુરો દેશોમાં ઔદ્યોગિક પ્રવૃતિ ઘટી હોવાથી ગતિ ધીમી પડી છે. જોકે જાપાનની ઇકોનોમી તબક્કા વાર સુધરી રહી છે.જે ભારત માટે લાભદાયક છે.

બીજી તરફ રિઝર્વ બેંકનો બિઝનેસ એસેસમેન્ટ ઇન્ડેક્ષ સંકેત આપે છે કે ભારતમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં માગ ઘટી શકે છે. જેને ટકાવી રાખવા માટે લોનના દર ઘટાડવાની પહેલ થઇ હોય એવું પણ બને.ખેર આ રિઝર્વબેંકના એજન્ડા છે, સરકારનો તો હાલમાં એક જ એજન્ડા છે. સત્તા હાંસલ કરવાનો! એટલે જ્યાં સુધી ચૂટણીઓ જાહેર નહીં થાય ત્યાં સુધી રાહતોનો મારો ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.