Abtak Media Google News

“અનીલવાળી ન થાય તે માટે “મુકેશભાઇએ કમર કસી!

એક જ વર્ષમાં રિલાયન્સ દેવામુકત થઈ જશે તેવી સ્થિતિનું કરાયું નિર્માણ: સાઉદીની અરામ્કોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ તેનો ૨૦ ટકાનો હિસ્સો ૧.૧૫ લાખ કરોડમાં વહેંચ્યો

ધીરૂભાઈ અંબાણી દ્વારા જયારથી ઓન્લી વિમલ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે નામાંકિત કોર્પોરેટો દ્વારા એવી પણ ચર્ચા કરવામાં આવતી હતી કે, આ બબલ્સ છે અને ગમે ત્યારે ફુટી શકે છે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી હતી પરંતુ ઓન્લી વિમલથી શરૂ થયેલી અંબાણી ગ્રુપ દેશભરમાં હાલ ઓન્લી રિલાયન્સ થઈ ગયું છે. દરેક ક્ષેત્રમાં રિલાયન્સ પોતાનો પગપેસારો કરી રહ્યું છે. જે ક્ષેત્રમાં કંપનીઓ નુકસાની કરી રહી છે, જે ક્ષેત્રોમાં પૂર્ણ હરીફાઈ જોવા મળી રહી છે મલ્ટી નેશનલ કંપનીઓ વચ્ચે ત્યારે રિલાયન્સે જમાવટ કરી છે. રિલાયન્સ રિફાઈનરીથી લઈ રિલાયન્સ આકાશને આંબી રહ્યું છે. જે રીતે આરકોમનાં અનિલભાઈ અંબાણી જેલ સુધી પહોંચવાની ઘટવાની ઘટના ઘટી હતી ત્યારે વિલફુલ ડિફોલ્ટરો દેશમાં વધારેને વધારે હોવા છતાં મંદીનાં માહોલમાં પણ રિલાયન્સ ગ્રુપ અનેક ક્ષિતિજો સર કરી રહી છે.

કોઈપણ કોર્પોરેટ કંપની માટે કંપની ટકાવવા નાણાંની ૧૦૦ ટકા જરૂરીયાત રહેતી હોય છે પરંતુ કેટલી માત્રામાં લોનની જરૂરીયાત છે, કેવી રીતે લોનની ભરપાઈ થઈ શકશે આ તમામ મુદ્દે કોર્પોરેટ કંપનીઓએ વિચારવું પડે છે ત્યારે રિલાયન્સ ગ્રુપની વાત કરવામાં આવે તો હાલ રિલાયન્સ પર ૧.૫૪ લાખ કરોડનું દેણું છે ત્યારે આવનારા વર્ષમાં કંપનીનું દેણુ પૂર્ણ થઈ જશે તે દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ તેનો ૨૦ ટકાનો હિસ્સો સાઉદીની અરામ્કો કંપનીને ૧.૧૫ લાખ કરોડમાં વહેંચ્યો છે ત્યારે અરામ્કો બાદ એમેઝોનને પણ કંપનીનો હિસ્સો વહેચાશે તેવી વાત પણ સામે આવી રહી છે ત્યારે રિલાયન્સ દેવામુકત થવા સજજ થયું છે. મુકેશ અંબાણી દ્વારા એન્યુઅલ વાર્ષિક સાધારણસભા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ડીલ મુજબ સાઉદી અરામ્કો રિલાયન્સની જામનગર સ્થિત રિફાઈનરીને પ્રત્યેક દિવસે ૫ લાખ બેરલ ક્રુડ ઓઈલ સપ્લાય કરશે. સાઉદી અરેબીયાની ઓઈલ કંપની અરામ્કો નેશનલ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કંપની છે. આ કંપની વિશ્ર્વની સૌથી વધુ રેવન્યુ ધરાવતી કંપનીઓ પૈકીની એક કંપની છે. આ સિવાય વિશ્ર્વમાં જે નામાંકિત કંપનીઓ સૌથી વધુ નફો રળે છે તેમાંની પણ એક છે. રિલાયન્સ જામનગર પ્રતિ દિવસે ૧.૪ મિલીયન બેલર પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. જે આવનારા ૨૦૩૦ સુધીમાં રિફાઈનરીની કેપેસીટી ૨ મિલીયન બેલર પ્રતિ દિવસની કરવાની પણ તૈયારી દાખવી છે.

વિદેશી કંપનીઓ સાથે જે કંપનીઓએ કરાર કર્યા છે તેમાં ૨૦૧૮માં ૧૬ બિલીયન ડોલરમાં વોલમાર્ટ ફલીપકાર્ટ ૨૦૧૯માં સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૫ બિલીયન ડોલર, ૨૦૧૬માં ૧૩ બિલીયન ડોલરનાં કરાર રોઝનેફ અને એસ્સાર ઓઈલ વચ્ચે, ૨૦૦૭માં ૧૧ બિલીયન ડોલરનાં કરાર વોડાફોન અને હર્ચ વચ્ચે થયા હતા. હાલ રિલાયન્સ જેવી ઉચ્ચ ગજાની કંપની કે જે વૈશ્ર્વિક સ્તર પર કામ કરી રહી છે તે પણ દેવામાં ડુબેલી છે પરંતુ અન્ય કંપનીઓ દેવામાંથી મુકત થઈ શકતી નથી અને તેઓએ તેમનું સામ્રાજય આટોપી લેવું પડે છે. જયારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો તેમની દિર્ઘદ્રષ્ટિનાં કારણે હાલ કંપની પર જે ૧.૫૪ લાખ કરોડનું દેણુ છે તેમાંથી નિકળવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ૨૦ ટકાનો હિસ્સો ૧.૧૫ લાખ કરોડમાં વહેંચ્યો છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા હરહંમેશ કંપનીની વેલ્યુએશન વધારી તેની વર્થ વધારવામાં આવી છે. કંપની દ્વારા અનેકવિધ મેગા ડિલો પણ કરાતા કંપનીનું નામ ખુબ જ રોશન થયું છે ત્યારે મુકેશભાઈ અંબાણી દ્વારા આવનારા ૧૮ માસમાં રિલાયન્સ પૂર્ણત: દેણામુકત થઈ જશે તે દિશામાં કાર્યો પણ આરંભી દીધા છે.

“કર લો દુનિયા મુઠ્ઠીમેં”

“જીઓ” એક જ ધડાકે ૩.૫ કરોડ “ઘર”માં છવાઇ જશે!!!

૪૨મી વાર્ષિક સાધારણ સભામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રથમ વર્ષમાં ૩.૫ કરોડ લોકોને જીયો ફાયબરનો ઉપયોગ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જીયો સમગ્ર ભારતમાં તમામ સ્થળો પર ડેટા સેન્ટરો સ્થાપિત કરશે જે અત્યાધુનિક ગણતરી, સ્ટોરેજ અને નેટવર્કિંગની ક્ષમતાઓ જણાશે ત્યારે રિલાયન્સ પ્રતિ માસ ૧૦ મિલીયન નવા ગ્રાહકો જોડી રહ્યું છે. જીયોનાં વરિષ્ઠ અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, કંપની માત્ર ટીવી સેટસ પર નહીં પરંતુ ડેસ્કટોપ, કેબલ ટીવી સબસ્ક્રીપ્શન સહિત અનેક ચીજ-વસ્તુઓમાં કાર્યરત રહેશે. રિલાયન્સ જીઓએ ન્યુનતમ ૭૦૦ રૂપિયાનાં પ્લાનથી શરૂ કરી ૧૦ હજાર રૂપિયાનાં પ્લાન સુધીનાં પ્લાન બનાવ્યા છે. મુકેશ અંબાણીનાં પુત્ર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ૧૦ કરોડ ગ્રાહકો પ્રતિ માસ જીયો મારફતે વિડીયો કોલિંગ કરે છે. જીયો ગીગા ફાયબર દ્વારા ગ્રાહકો વિડીયો કોન્ફરન્સીંગ પણ કરી શકશે. જીયો ગીગા ફાયબર પોતાનાં પ્રકારની પ્રથમ વિડીયો કોલીંગ સર્વિસ માનવામાં આવી રહી છે જેમાં કેબલ ટીવી માટે જીયો સેટઅપ બોકસ લોન્ચ કરવામાં આવ્યું છે. ગીગા ફાયબર અંતર્ગત રિલાયન્સ દેશનાં નાના-મોટા ૧૧૦૦ જેટલા શહેરોને જોડવામાં આવશે. આ બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત રાઉટર, સેટઅપ બોકસ અને સ્માર્ટ હોમ સોલ્યુશનની પણ સુવિધા અપાશે. કંપનીએ જણાવતા કહ્યું હતું કે, લોન્ચીંગનાં પ્રથમ દિવસથી કંપની ૧૬૦૦ ગામો અને ૩૦,૦૦૦ કેબલ ઓપરેટરો થકી નવી ટેકનોલોજીને લોન્ચ કરશે એટલે કહી શકાય કે જીયો એક જ ધડાકે ૩.૫ કરોડ ઘરમાં છવાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.