Abtak Media Google News

સરહદ પર વિવાદને લઈ બેઠકમાં સૈનિકો હવે હથિયાર સાથે રાખી શકશે, ઘુસણખોરી મામલે તે જ ક્ષણે તુરંત કાર્યવાહી થઈ શકશે

વર્તમાન સમયે ચીન સાથે થયેલા ઘર્ષણના કારણે ભારતીય સેના સામે મંજૂરીઓના કેટલાક પડકારો દૂર થયા છે. એટલે કે, મંજૂરીની આંટીઘૂંટીવાળી પ્રક્રિયાને અનસર્યા વગર જ સેના પોતાને જોઈતા હથિયારો ખરીદી શકે છે. આ ઉપરાંત સરહદી સીમા વિવાદ સમયે યોજાતી બેઠકમાં પણ સૈનિકોને હથિયાર લઈ જવાની છુટ આપવામાં આવી છે. જો કોઈ દુશ્મન દેશ ભારતીય સીમામાં ઘુસણખોરી કરે તો તે જ ક્ષણે જડબાતોડ જવાબ સૈનિકો આપી શકે છે.  તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં એલએસીના મુદ્દે બેઠક મળી હતી. જેમાં સૈન્યને છુટો દૌર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એલએસી સહિતની સરહદોએ ભારતીય સૈન્યને અનેક છુટછાટો મળી છે. દરમિયાન હવાઈ દળ અને નૌસેના દ્વારા ચીનની ગુસ્તાખી બાબતે ખાસ તકેદારીમાં રાખવામાં આવતી હોવાનું જાણવા મળે છે. ગઈકાલે યોજાયેલી બેઠક એક કલાક સુધી ચાલી હતી અને ત્યારબાદ રક્ષામંત્રી મોસ્કો જવા રવાના થયા હતા. બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત અને જનરલ એમ.એમ. નરવાણે, એડમીરર કરમવિરસિંહ અને એર ચિફ માર્સલ આર.કે. એસ.ભદૌરીયા પણ હાજર રહ્યાં હતા.

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આગામી અઠવાડિયે ચીન સાથે ડિપ્લોમેટીક બેઠક મળવાની છે. જેમાં ચીન દ્વારા સરહદે થયેલી દાદાગીરીનો મુદ્દો અધ્યક્ષ સ્થાને રહેશે. આ બેઠકમાં કમાન્ડર લેફટનન જનરલ હરિન્દરસિંગ અને ચીનના મિલીટરી ડીસ્ટ્રીક ચિફ મેજર જનરલ લ્યુલીન સહિતના હાજર રહેશે. આ ઉપરાંત મીનીસ્ટ્રી ઓફ એકસ્ટર્નલ અફેર્સના જોઈન્ટ સેક્રેટરી નવીન શ્રીવાસ્તવ પણ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા બેઈઝીંગ ખાતેના ચીનના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

ત્રણેય સૈન્ય માટે ૫૦૦ કરોડ સુધીના હથિયારો ખરીદવા છુટ

ચીન સાથે સરહદ પર વધી રહેલી તંગદીલી દરમિયાન ભારત સરકારે સૈન્યની ત્રણેય પાંખ માટે રૂ.૫૦૦ કરોડ સુધીના હથિયારો ખરીદવાની છુટ આપી છે. તાજેતરમાં ત્રણેય સૈન્યના વાઈસ ચીફને જરૂરી હથિયારોના ફાસ્ટટ્રેક પ્રોસીઝર હેઠળ રૂ.૫૦૦ કરોડ આપવામાં આવ્યા હતા. ચીન દ્વારા થયેલી અવળચંડાઈના પરિણામે સરહદે વધુ ઝડપી અને અસરકારક સુધારા કરવા સૈન્યને મંજૂરીની આંટાઘુંટીવાળી પ્રક્રિયામાંથી પારીત ન થવું પડે અને નાની-નાની વાતમાં સરકારની પરવાનગી ન લેવી પડે તે માટેની આ તૈયારી છે.

ચાઈના તરફ લોકોની નફરત હવે પેટીએમ જેવા ડિઝીટલ પ્લેટફોર્મને નડી રહી છે

પેટીએમ, ઓલા, ઝોમેટો, મેક માય ટ્રીપ, ટેન્સેન્ટ અને અલીબાબા સહિતની ચાઈનીઝ ફંડ ધરાવતી કંપનીઓ વર્તમાન સમયે ભારતમાં લોકોની નફરતનો ભોગ બની રહી છે. લદ્દાખમાં ચાઈનીઝ સૈન્ય દ્વારા થયેલી અવળચંડાઈના ઘેરા પ્રત્યાઘાતો ભારતમાં પડી રહ્યાં છે. જે જે કંપનીઓ ચીનનું ભંડોળ ધરાવે છે તેમની એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર પર ઘટી રહ્યાં છે. આ ઉપરાંત લોકો ધીમીગતિએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા લાગ્યા છે. ગુગલ પ્લે સ્ટોર પર ચાઈનીઝ એપ્લીકેશનો વિરુધ્ધમાં લોકો રોષ ઠાલવી રહ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.