Abtak Media Google News

વાળ ખરવા, નાની ઉંમરે સફેદ થવા વગેરે માટે વ્યકિતનો આહાર-વિહાર કારણભૂત; ડો. જયેશ કાથરોટીયા

ઠંડી-તડકાથી વાળને બચાવવા તેમજ દર બે કે ત્રણ દિવસે વાળની સફાઈ કરવી જોઈએ

આજકાલ દરેક લોકો વાળની સમસ્યાઓથી ખૂબ પીડાતા હોય છે. ખાસ કરીને આજકાલની લાઈફ સ્ટાઈલથી વાળ ખરવા, નાની ઉંમરે સફેદ થવા, ટાલ પડવી વગેરે સમસ્યાઓ મુખ્ય છે. ત્યારે વાળની આયુર્વેદ અંતર્ગત સાર સંભાળ રાખવા શ્રી વી.એમ. મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદના આસીસ્ટન્ટ પ્રો. ડો. જયેશ કાથરોટીયા નઅબતકથ સાથેની વાતચીતમાં જણાવે છે કે વાળના મુખ્ય ત્રણ પડ છે. વાળનું બહારનું પડ કયુટીકલ લેયર જે અંદરનાં પડને રક્ષણ આપે છે. આ ઉપરાંત કોટેક્ષ લેયર અને મેડયુલા લેયર એમ ત્રણ પડે છે. વાળનો ૯૫%ભાગ કેરેટીન નામના પ્રોટીનમાંથી બનેલો હોય છે. વાળના પોષણ માટે તેલની જરૂર હોય છે. જેથી વ્યકિતએ દરરોજ હુંફાળા તેલનું માલીશ કરવું જોઈએ. વાળ ખરવા, નાની ઉંમરે સફેદ થવા, ખોડો થવો, ઉંદરી થવી વગેરે સમસ્યાઓ આજકાલ વધુ પડતી જોવા મળે છે. આ સમસ્યાઓ ઉદભવવા માટેનું કારણ આયુર્વેદ પ્રમાણે વાત, પિત અને દોષ આ ત્રણ રોગ ચામડી સુધી પહોચે ત્યારે વાળ ખરે છે. વાળની સમસ્યા માટે વ્યકિતનો આહાર અને વિહાર મુખ્ય કારણભૂત છે. આહારમાં એટલે કે જે વ્યંકિતને સોલ્ટી આહાર વધુ પસંદ હોય, અથાણા, પાપડ વધુ પડતા ખાવા, તીખુ ખાટુ, તૈયાર ફૂડ પેકેટ વગેરે ખાવાથી વાળ ખરાબ થાય છે. ખાસ કરીને મહિલાઓમાં વાળની વધુ પડતી સમસ્યાઓ હોય છે. કારણ કે તેઓને દૂધ અને ઘી ફાવતા નથી ખોરાકમા દુધ-ઘી ન આવે તો વાળને પૂરતુ પોષણ મળતુ નથી. ઉપરાંત તળેલો ખોરાક, પંજાબી, ચાઈનીઝ, વધુ પડતો ખાંડવાળો આહાર વગેરે લોહીનો બગાડ કરે છે. જે વાળ માટે નુકશાનકારક છે.

આયુર્વેદ અનુસાર વિહાર એટલે સ્વસ્થ વ્યકિત એ જ કહેવાય છે કે શારીરીક સાથે માનસિક રીતે સ્વસ્થ હોય, માનસિક આવેગો જેવા કે કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, ચિડિયાપણુ વગેરેનું વ્યકિત દિવસ દરમ્યાન સેવન કરે ત્યારે દોષ બગડે છે. આ ઉપરાંત આજની લાઈફ સ્ટાઈલ પ્રમાણે લોકો પૂરતી ઉંધ કરતા નથી ઉજાગરા કરે છે. ભોજનમાં અનિયમિતતા, ટેન્શન, ડિપ્રેશન વગેરે કારણભૂત છે. આ ઉપરાંત યુવાઓમાં તેલ ન નાખવાની ફેશન છે. તેમજ તડકા, ઠંડીમાં પણ વાળ ખૂલ્લા રાખે છે. જે વાળ ખરવા માટે જવાબદાર છે. ભીના વાળમાં તેલ નાખવાથી પણ વાળ ડેમેજ થાય છે. બીપી, ડાયાબીટીસ વગેરે દવાઓની આડઅસરથીવાળ ખરે છે. વાળને ખરાબ થતા કે ખરતા અટકાવવા ઉપરોકત તમામ કારણો બંધ કરવા જોઈએ વાળની સારવાર માટે માત્ર તેલ શેમ્પુની જરૂરીયાત જ પૂરતી નથી.

શરીરનાં અંદરનાં દોષો, બગાડ સમ અવસ્થામાં લાવવા જોઈએ, પાચન શકિત સુધારવી જોઈએ. શીરોધારા એટલે કે વ્યકિતને ટેબલ પર સુવડાવવામાં આવે ત્યારબાદ ઔષધિથી બનાવેલો ઉકાળો માથામાં લગાડવામાં આવે જે વાળ માટે ખૂબ અસરકારક સાબિત થાય છે. વિવિધ ઔષધિઓનો લેપ પણ ફાયદારૂપ છે. આયુર્વેદ પ્રમાણે નસ્યકર્મની પ્રક્રિયા જેમાં ચહેરા પર માલિશ, શેક કરી નાકમાં ઔષધિથી બનાવેલુ તેલ, ઘીના ટીપા નાખવામાં આવે છે તે વાળ સુધી પહોચી પોષણ આપે છે. આ ઉપરાંત ખરાબ લોહીનો બગાડ દૂર કરવો જરૂરી છે. વાળની ખાલી જગ્યાએ જડી લગાડવાથી અસરકારક રૂપ સાબિત થાય છે.

વધુમાં ડો. જયેશ કાથરોટીયા જણાવે છે કે વાળની સમસ્યા ઉમર, પ્રકૃતિ વગેરે પર આધારિત છે. વાળની વિવિધ સમસ્યાઓ ટાળવા ચીકારાવાળો ખોરાક, ગાયનું દુધ, ઘી, માખણ, મધ વગેરે ખાવામાં આવવું જોઈએ આ ઉપરાંત અનાજમાં જવ, મકાઈ, મગ, શાકભાજીમાં દુધ, પરવડ, કારેલા તાંદળજો, પાલખ, મેથી વગેરે ભાજી, પ્રોટીન માટે બદામ, કાજુ, અંજીર વગેરે ખાવું જોઈએ વાળની દર બે કે ત્રણ દિવસે સફાઈ કરવી જોઈએ, કૂદરતીતે વાળને સુકાવા દેવા જોઈએ, તડકા-ઠંડીમાં જતા પહેલા વાળનેઢાંકવા જોઈએ, ચોમાસામાં વાળને વરસાદના પાણીમાં પલાળવા ન જોઈએ કારણ કે વાળ ભેજ વાળા વાળ થતા વજન વધે અને એટલે વધુ પ્રમાણમાં ખરે વાળને સ્વસ્થ રાખવા લીમડાના પાણીથી થોવા જોઈએ. ભૃંગરાજ, આમળા, જેઠીમધ, કુંવારપાઠુ વગેરે મીકસ કરી વાળમાં લગાડવું ફાયદારૂપ છે. અંતમાં ડો.જયેશ કાથરોટીયાએ જણાવ્યુંં હતુ કે નિયમિત હુંફાળા તેલની માલીશ કરવી અને ડસ્ટ વાળી જગ્યાએ જતા પહેલા વાળની નિયમિત સફાઈ કરવા સલાહ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.