Abtak Media Google News

શહેરીજનો માટે નવા દર વયસ્કના રૂ.૫૯૦, બાળકોના રૂ.૨૯૫: ભાડામાં રાહત કાયમી કરવાની માંગ

ગીરનાર  રોપ-વે શરૂ થયાની સાથે જ પ્રવાસીઓ અને જૂનાગઢના સ્થાનિક લોકોમાં ઉઠેલા ભયંકર વિરોધ બાદ કંપની દ્વારા એક પછી એક જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે ગઇકાલે જૂનાગઢના સ્થાનિક લોકોને આગામી તા. ૧૫ નવેમ્બર સુધી જીએસટી સાથે ૫૯૦ રૂપિયા અને બાળકો માટે જીએસટી સાથે ૨૯૫ રૂપિયા ભાડુ લેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે, પરંતુ જૂનાગઢવાસીઓને કાયમી ધોરણે આવી રાહત મળે તેવી માંગણી યથાવત રહેવા પામી છે, બીજી બાજુ જુનાગઢ સહિતના પ્રવાસીઓમાં રોપ વે ની ટિકિટના દરમાં કાયમી માટે ઘટાડો કરવામાં આવે તેવી માંગ પણ દિવસે-દિવસે ઉગ્ર બની રહી છે.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના આઠ ધારાસભ્યો અને જૂનાગઢના મોટાભાગના મનપાના કોર્પોરેટરો, ભાજપ, કોંગ્રેસ, એનસીપીના રાજકીય અગ્રણીઓ સેવાકિય, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તથા ખાસ કરીને તો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો દ્વારા નિર્ધારિત કરેલ રોપ વેના ભાવ સામે ભયંકર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. અને હજુ અપર સ્ટેશનમાં પૂરતી સગવડો પણ સંચાલન સંભાળતી ઉષા બ્રેકો કંપની દ્વારા ઉભી કરવામાં નથી આવી ત્યારે તોતિંગ ભાવ ૪૦ ટકા જેવો ઘટાડવામાં આવે અને જૂનાગઢના સ્થાનિક લોકોને કાયમી માટે સ્પેશિયલ ઓફર જાહેર કરવામાં આવે તેવી માંગ થઇ રહી છે.

દરમિયાન ગઇકાલે ઉષા બ્રેકો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અપૂર્વ  જાવરની એક અખબારી યાદીમાં આજ તા. ૨૯ ડિસેમ્બર થી તા.૧૫ નવેમ્બર સુધી જૂનાગઢવાસીઓ માટેના ભાવમાં એક ખાસ ઓફર કરવામાં આવી છે આ ઓફર મુજબ ગિરનાર રોપ વેનું આવન જાવનનું ભાડું રૂપિયા ૫૦૦ અને બાળકો માટે રૂપિયા ૨૫૦ નક્કી કરાયા છે જોકે તેમાં ૧૮% ટેક્ષ પ્રવાસીઓએ ચૂકવવાનો રહેશે જેથી આ ટિકિટના ભાવ હાલમાં જૂનાગઢવાસીઓ માટે રૂ. ૫૯૦ તથા બાળકો માટે રૂ. ૨૯૫ થવા જશે.

અપૂર્વ જાવરની એક અખબારી યાદીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જૂનાગઢવાસીઓ એ આપેલ સહયોગની કદર કરીને અંબાજી સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપ વે  માટે ઉષા બ્રેકો લીમીટેડ તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી રહી છે તથા જૂનાગઢવાસીઓને આ ઓફરનો લાભ લેવા જૂનાગઢનું સરનામું ધરાવતું આધાર કાર્ડ રજુ કરવાનું રહેશે, પરિવાર કે ગ્રુપ સભ્યો સાથે પ્રવાસ કરતા ઇચ્છતા દરેક સભ્યએ જૂનાગઢનું સરનામું ધરાવતું આધાર કાર્ડ ફરજીયાત રજૂ કરવાનું રહેશે.

ઉષા બ્રેકો લિમિટેડના ડિરેક્ટર એ તેમની અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે કે, અમે ગિરનાર પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન જૂનાગઢવાસીઓ એ અમને જે સહયોગ આપ્યો છે, તેની અમે હૃદયપૂર્વક કદર કરીએ છીએ અને આ વિશેષ ઓફર અમારી તરફથી તેમના સહયોગની કદર કરવા માટે રજૂ કરવામાં આવી છે.

પરંતુ ચાલતી ચર્ચા અને વિરોધ મુજબ જૂનાગઢવાસીઓને ઉષા બ્રેકો કંપનીની આ હંગામી ધોરણે કરાયેલી ઓફર મંજુર ન હોવાની અને કાયમી ધોરણે આવી ઓફર મળે તેવી માંગ યથાવત રહેવા પામી છે. આ ઉપરાંત જૂનાગઢ બહારના પ્રવાસીઓના જે પુખ્ત વયના માટે રૂપિયા ૭૦૦, બાળકો માટે રૂ. ૩૫૦ અને એક વખતના ભાડાના જે રૂ. ૪૦૦ નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ૪૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવે તેવી માંગ યથાવત રહેવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.