Abtak Media Google News

કોરોના ફરી આવી રહ્યો છે?

દેશની રાજધાનીમાં કોરોનાનો ઉથલો: એઇમ્સ અને મિલિટરી હોસ્પિટલમાં બેડસ વધારવા માંગ

અગાઉ એક જર્નલમાં પ્રકાશીત અહેવાલ મુજબ એકવાર કોરોના સંક્રમણ નહિવત બન્યા બાદ ફરીવાર ઉથલો મારી શકે છે. વિશ્વના અનેક દેશમાં એકવાર કોરોના સંક્રમણ અટક્યા બાદ ફરીવાર કોરોનાનો ઉથલો જોવા મળ્યો છે. અનેક દેશમાં ફરીવાર લોક ડાઉન અમલી બનાવવાની જરૂરિયાત પણ પડી છે. તેવા સમયમાં દેશની રાજધાની દિલ્લીમાં ફરીવાર કોરોના ઉથલો મારી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યો છે જેને ધ્યાને રાખીને કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટરે રી – ટેસ્ટિંગ શરૂ કરવા રાજ્ય સરકારને ભલામણ કરી છે.

દિલ્લીમાં છેલ્લા ઘણા દિવસો બાદ ફરીવાર કોરોનાએ ઉથલો માર્યો છે. દિલ્લી ખાતે ગત બુધવારે નોંધાયેલા કેસોને ધ્યાને લેવામાં આવે તો રેકોર્ડબ્રેક ૬૮૦૦ નવા સંક્રમિત દર્દીઓ ફક્ત એક જ દિવસમાં નોંધાયા છે. દિલ્લીના ઉત્તર, મધ્ય, ઉત્તરીપૂર્વ, પૂર્વ, ઉત્તરીપશ્ચિમ અને દક્ષિણીપૂર્વ જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. દિલ્લીના ૬ જિલ્લાઓમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ગુરુવારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિલ્લીમાં જે રીતે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને ધ્યાને રાખીને જે લોકો રેપીડ એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ નોંધાયા છે પણ ઈંફ્લુએન્ઝા લાઈક ઇલનેસ(આઈએલઆઈ) અને સીવીયર એક્યુટ રેસ્પીરેટરી ઇન્ફેક્શન(એસએઆરઆઈ)ના લક્ષણો જોવા મળ્યા હોય તેમને ફરજીયાતપણે આરટી – પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. દિલ્લીના લેફ્ટીનંટ ગવર્નર અનિલ બાઇજલ, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન તેમજ સિનિયર ઓફિસર, મેયર, મ્યુનિસિપલ કમિશ્નર તેમજ એસડીએમની મળેલી બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ભલામણ કરી હતી. બેઠક દરમિયાન હર્ષ વર્ધને કહ્યું હતું કે, દેશમાં થતા કોરોના ટેસ્ટમાં ૭૭% ટેસ્ટ રેપીડ ટેસ્ટ છે જ્યારે ફક્ત ૨૩% આરટી – પીસીઆર ટેસ્ટ છે. જે લોકો રેપીડ ટેસ્ટમાં નેગેટિવ નોંધાયા છે પણ ત્યારબાદ આઇએલઆઈ અને એસએઆરઆઈના લક્ષણો ધરાવતા હોય તો તેમને ફરજીયાત પણ આરટી – પીસીઆર પદ્ધતિથી રી – ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે.

હર્ષ વર્ધને કોરોના વેકસીન અંગે કહ્યું હતું કે, સરકારે ૨૦ – ૨૫ કરોડ ડોઝ આપવાના વચનનું ચોક્કસ પાલન કરશે જેમાં કોરોના વોરિયર્સનો સમાવેશ કરવામાં આવશે. તેમણે વધુમાં સંકેત આપતા કહ્યું હતું કે, દેશમાં તહેવારોની મોસમમાં આંતર રાજ્ય પરિવહન ઉપર અગાઉની જેમ ધ્યાન કેન્દ્રિત કરીને સંક્રમણને ફેલાતા અટકાવવા તરફ પગલાંઓ લેવામાં આવનાર છે. તેમણે કહ્યું હતું કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(એસઓપી)માં ફેરફાર કરીને સંક્રમણ અટકાવવા તરફ પગલાંઓ લેવામાં આવનાર છે.

જે રીતે દિલ્લીમાં સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને દિલ્લીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર કુમાર જૈને કેન્દ્રને એઇમ્સમાં આઇસીયું બેડની સંખ્યામાં વધારો કરવા માંગણી કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે, અસરકારક ટ્રેસિંગ મોટી સંખ્યામાં કરવામાં આવે તે જરૂરી છે પણ ટ્રેસિંગ સંક્રમણના ૭૨ કલાકમાં થાય તે પણ એટલું જ જરૂરી છે. ભુષણે રાજ્ય સરકારને ભલામણ કરતા કહ્યું છે કે, ક્રિટિકલ કેરની જરૂરિયાત પડતા દર્દીઓને તાત્કાલિક ડિફેન્સ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જેથી તાત્કાલિક સારવાર આપી શકાય.

ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને રાખીને અને સરકારે કરેલી તૈયારીઓ ધ્યાને રાખીને ચોક્કસ હાલ એવું અનુમાન કાઢી શકાય કે, કોરોના દેશમાં ફરીવાર ઉથલો મારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.