Abtak Media Google News

ભુગર્ભ ગટરના પાણી પાઈપલાઈનમાં ભળતા હોવાની આશંકા

ધોરાજી નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૬માં ક્રુડ જેવું અને ગંધાતું પાણી વિતરણ થતા નગરજનોમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. ધોરાજી નગરપાલિકા દ્વારા થતા પાણી વિતરણમાં આજે વોર્ડ નં.૬માં ચમાળીયા-ફુલવાડી વિસ્તારમાં પાણીની સપ્લાયમાં એકદમ ડહોળુ, ગંધાતું અને ક્રુડ જેવુ પાણી નળમાંથી આવતા લતાવાસીઓમાં ભારે રોષ પ્રવર્તી ગયો હતો.

ધોરાજીમાં પાણી વિતરણની વ્યવસ્થાસુચારુ કરવા માટે ધારાસભ્ય લલીતભાઈ વસોયાની સુચના અને નગરપાલિકાના દ્વારા પ્રયત્નો હાથ ધરાયા હોવા છતાં પરિસ્થિતિમાં સુધાર આવવાને બદલે શહેરમાં ડહોળા પાણીનાં વિતરણની ફરિયાદો શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી ઉઠવા પામી છે. આજરોજ ગંધાતા અને ડહોળા પાણીનાં વિતરણથી રોષે ભરાયેલ ચમાલીયા અને ફુલવાડી વિસ્તારના લતાવાસીઓ પોતાની ફરિયાદ લઈ નગરપાલિકા ખાતે રજુઆત માટે દોડી ગયા હતા અને લોક રજુઆતને કારણે વોટર વર્કસ સ્ટાફ તાત્કાલિક આ બન્ને વિસ્તારોમાં દોડી ગયેલ હતો.

આ બનાવ અંગે વોટર વર્કસ સમિતિના ચેરમેન અમીષ અંટાળાને પુછતા તેમણે જણાવેલ કે શહેરમાં રોડ-રસ્તાના આવતા કામોને લઈ પાણીની અનેક લાઈનો તુટી છે. તેમજ ભુગર્ભ ગટરના કનેકશનો પણ લીકેજ હોવાથી ભુગર્ભ ગટરના પાણી પાલિકાની પાઈપલાઈનમાં ભળી જતા હોવાથી ડહોળા પાણીના વિતરણની સમસ્યા સર્જાઈ છે. આ બાબતે ધોરાજી નગરપાલિકા દ્વારા અનેક વખત પાણીની લાઈનનાં કોન્ટ્રાકટરો અને ભુગર્ભ ગટર વિભાગમાં નોટીસો અપાઈ છે. હાલ વોટર વર્કસ સમિતિના હેડ રાજુભાઈ પોંકીયા અને ટીમને સમાળીયા-ફુલવાડી વિસ્તારમાં રૂબરૂ નિરીક્ષણ માટે મોકલાયા છે. તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા સુચારુ કરવા માટે આયોજન હાથ ધરાયા છે. શહેરમાં પાણી વિતરણમાં એક દિવસ વહેલી આપવા પ્રયત્ન ધારાસભય લલીતભાઈ વસોયાના માર્ગદર્શન હેઠળ આપી રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.