રોણકીની રૂા.૪૦ કરોડની ખેતીની જમીનનું કૌભાંડ: ધ્રોલના શખ્સની ધરપકડ

75

નિવૃત પી.એસ.આઇ.ના પુત્ર અને ગોંડલની કોલેજ સંચાલકની સંડોવણી ખુલ્લી: બોગસ કુલમુખત્યારનામું બનાવી આચર્યુ કૌભાંડ

શહેરની ભાગોળે આવેલા રોણકીના સર્વે નંબર ૪૭ પૈકીની ૨.૫૨ એકર જમીનના નવ વર્ષ પહેલાં બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રૂા.૪૦ કરોડની જમીન કૌભાંડ આચર્યાનું પોલીસમા ફરિયાદ નોંધાતા પોલીસે ધ્રોલના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે રાજકોટના નિવૃત પી.એસ. આઇ.ના પુત્ર અને ગોંડલની કોલેજ સંચાલકની સંડોવણી હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલી ભોમેશ્વરવાડીમાં રહેતા રમેશભાઇ બાબુભાઇ પરસાણાની રોણકીના સર્વે નંબર ૪૭ની ખેતીની જમીનના બોગસ કુલમુખ્તયારનાના આધારે જમીન કૌભાંડ આચર્યા અંગેની રાજકોટના પ્રફુલ રામજી, ધ્રોલના જયરાજસિંહ મહિપતસિંહ રાણા, ભાણવડના ગીરીરાજસિંહ મજબુતસિંહ જેઠવા, કાલાવડના હીરા પમા સાગઠીયા, માયાણીનગરના પ્રદ્યુપમનસિંહ નવલસિંહ જાડેજા અને રામજી ગોવિંદ મકવાણા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધ્રોલના જયરાજસિંહ રાણાની ધરપકડ કરી પોલીસે અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.

રમેશભાઇ પરસાણાની રોણકી ખાતે આવેલી ૨.૫૨ એકર ખેતીની જમીનના ૨૦૧૦ના રોજ જયરાજસિંહ રાણાએ બોગસ કુલમુખત્યારનાનું તૈયાર કર્યુ છ. તેમાં રમેશભાઇ પરસાણાનો ફોટો લખાવ્યો છે. પણ સહી બોગસ કરી છે તેમજ ફોટો આઇડી તરીકે લગાવેલું ચૂંટણી કાર્ડ પણ બોગસ તૈયાર કર્યુ હોય તેમ જન્મ તારીખમાં બે વર્ષનો ફેરફાર છે.

રમેશભાઇ પરસાણાના પુત્ર જયવંતભાઇ પરસાણા એડવોકેટ હોવાથી તેઓએ સબ રજીસ્ટ્રાર કચેરીએથી દસ્તાવેજની કોપી મેળવી તપાસ કરતા કુલખત્યારનાનું બોગસ હોવાનું અને પ્રફુલ રામજી નામના શખ્સે જમીન ખરીદ કર્યાનું ખુલ્યું હતું તેમજ કુલમુખત્યારનામાનું નોટરાઇઝ અશ્ર્વિન કાંતીલાલ ટોળીયાએ કરી આપ્યું હતુ.

રમેશભાઇ પરસાણા અને તેમના પુત્ર જયવંતભાઇ પરસાણા સબ રજીસ્ટાર કચેરીએ હતા ત્યારે યુવરાજસિંહ રવુભા ચુડાસમા અને ગોપાલ ભૂવા નામના શખ્સો મળ્યા હતા તેઓએ જમીનના બોગસ દસ્તાવેજ પોતે બનાવ્યાનું કહી ધમકી દીધાનો અને વિવાદમાંથી બચવું હોય તો અડધી જમીન આપી દેવા જણાવ્યું હતું.

યુવરાજસિંહ ચુડાસમાના પિતા રવુભા ચુડાસમા રાજકોટમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી નિવૃત થયા હોવાનું અને યુવરાજસિંહ સામે ધ્રોલમાં ડામર કૌભાંડ સહિતના અનેક ગુના નોંધાયાનું બહાર આવ્યું છે. જ્યારે ગોપાલ ભૂવા ગોંડલમાં એસિયાન્ટિક એન્જિનીયરીંગ કોલેજનું સંચાલન કરતા હોવાનું જાણવા મળે છે. પોલીસે જમીન કૌભાંડના મુળ સુધી પહોચવા માટે જયરાજસિંહ રાણાને રિમાન્ડ પર મળવવા તજવીજ હાથધરી છે.

Loading...