Abtak Media Google News

ઘરમાં આશરો આપ્યો અને ચોરી કરતા જોઈ જતા પ્રૌઢનું ઢીમ ઢાળી લૂંટ ચલાવ્યાની કબુલાત

પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકાનાં અમરદળ ગામની સીમમાં એક માસ પૂર્વે લુંટ ચલાવી પ્રૌઢની હત્યાનો ભેદ એલ. સી. બી. એ ઉકેલી મઘ્યપ્રદેશથી ત્રણ શખ્સોને ઉઠાવી લઈ પ્રાથમિક તપાસમાં ખેડુતે આશરો આપ્યા બાદ લુંટના ઈરાદે હત્યા કર્યાની કબુલાત આપી હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર જિલ્લામાં વધતી જતી ગુનાખોરીને ડામી દેવા અને વણ ઉકેલ હત્યા, લુંટ અને મારામારીના ગુનાઓને શોધી કાઢવા એસ.પી. ડો.પાર્થરાજસિંહ ગોહીલે આપેલી સુચનાને પગલે એલ. સી. બી.ના પી.આઈ. પી.ડી.દરજી અને પી. એસ. આઈ. એચ. એન. ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાણાવાવ તાલુકાનાં અમરદળ ગામની વાડીમાં મેરામણભાઈ કરશનભાઈ કોડીયાતરની લુંટનાં ઈરાદે હત્યાનો ભેદ ઉકેલવા ટેકનીકલ માઘ્યમથી તપાસનાં અંતે હત્યારા એમ.પી.ના હોવાનુ બહાર આવ્યું હતુ.

કમલાબાગ અને પેરોલ ફર્લોની ટીમે એમ.પી. દોડી જઈ જબરસિંગ કશન હટીલા, કરમસિંગ ઉર્ફે ગુડુ ચેનસિંગ ભાભોર અને રૂપા ઉર્ફે રૂપસિંગ ભુરજી મેડા નામના શખ્સોને તેના વતનમાંથી ઉઠાવી પોરબંદર ખાતે લાવી આકરી પુછપરછ કરતા ત્રિપુટી તપાસમાં ભાંગી પડી હતી અને જણાવ્યું હતુ કે મેરામણભાઈ કોડીયાતરે ઉપરોકત ત્રણેય શખ્સોને આશરો આપ્યો હતો અને મેરામણભાઈ ભરનિંદ્રામાં હતા ત્યારે ત્રણેય શખ્સો દાગીના અને રોકડની લુંટ કરતા હતા ત્યારે મેરામણભાઈ જાગી જતા અને પકડાઈ જવાની બીકે મારમારી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આપી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ રાણાવાવ પોલીસ મથકનો સ્ટાફ ચલાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.