Abtak Media Google News

પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગરીબોની સેવા માટે આકાર લઈ રહેલ અદ્યતન હોસ્પિટલના લાભાર્થે મંદિરના ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૮ થી ૨૫ મેના આઠ દિવસ દરમ્યાન ભાગવતના મૌલિક અને મર્મજ્ઞ વકતા રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. ભાગવત સત્સંગની આજે બપોરે મંગલ પૂર્ણાહૂતિ થઈ, અંતિમ દિવસે લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

આજે અંતિમ ચરણોમાં વ્યાસપીઠે પૂ.રમેશભાઈએ શ્રોતાઓ સમક્ષ પ્રેરક સંવાદ કરીને વર્તમાન માનવ સમાજને ભાગવતનો શું સંદેશ છે તેની સરળભાષામાં દષ્ટાંતો સાથે સમજ આપી હતી. જીવનમાં ત્યાગનું શું મહત્વ છે તેની વાત કરતા કહ્યું કે, ત્યાગ એ માનવ જીવનની અનિવાર્યતા છે, ત્યાગનો આવેગ થાય એટલે ત્યાગ કરો. તિજોરીમાં પૈસા વધે અને સારા માર્ગે ન વપરાય તો શારીરિક અને માનસિક પીડા થાય, ત્યારે ત્યાગ આપણી આવશ્યકતા છે.

ભાઈજીએ કહ્યું કે, દરેક બાળક માટે ર્માં ભગવાન છે, ભગવતીનો અવતાર છે. દરેક ર્માં નાના બાળકને આધિન છે, ભકત પણ નાનો બાળક છે, ભગવાન ભકતને આધિન છે, ર્માં બાળકને પ્રેમ કરે છે. બંધાયેલી છે. કોઈપણ બાળકની ભાવિ ઉન્નતિ કે અવન્તિનો આધાર તેની માતા ઉપર હોય છે. ર્માંના ખોળામાં જગતના તમામ સુખો અને શાંતિ સમાયેલ છે.

આપણી તમામ આવશ્યકતાની પૂર્તિ પ્રભુ દ્વારા થાય છે. આપણે જેના લીધે સુખી છીએ, આનંદ માણીએ છીએ તેના દાતા ઈશ્ર્વરને કયારેય ભુલવા ન જોઈએ. આપણને જે મળ્યું છે તેના આપણે માલિક-અધિકાર નથી. મનુષ્યનો દેહ પણ ભગવાનની કરુણાની પ્રસાદી છે. ઈશ્ર્વરે મનુષ્યને નિ:સ્વાર્થભાવે જન્મ આપ્યો છે તેનો ઉપહાર માનવજીવે ભૂલવો જોઈએ નહીં. ભાઈશ્રીએ વર્તમાન માનવ સમાજની ધાર્મિક ઉપેક્ષા તરફ ધ્યાન ખેંચતા કહ્યું કે, ઘરથી મંદિર સુધીનો રસ્તો ૧૦ મિનિટનો હોય છે પણ ત્યાં પહોંચતા ૭૦ વર્ષ લાગી જાય છે. આજકાલ ભકિત વધી છે, મંદિરો, સત્સંગો, કથાઓમાં લોકોની ભીડ દેખાય છે છતાં માનવ સમાજની નૈતિકતામાં કયાંય ફરક પડયો નથી, શા માટે ? તેનું ચિંતન કરવું પણ જ‚રી છે. ભગવાન જયાં પ્રેમ હોય ત્યાં જ પ્રગટ થાય છે. સાધક જેટલો ભગવાનને મળવા આતુર હોય છે, તેટલા જ ભગવાન પણ આતુર હોય છે. ભગવાન અતિતમાં પણ ભકતોને મળતા હતા, આજે પણ મળે છે અને ભવિષ્યમાં પણ મળશે. કોઈપણ પ્રકારના સ્વાર્થ કે હેતુ વગર ભકત ઉપર કૃપા કરે છે. આવા પરમપિતા પરમાત્માને કેમ ભૂલાય?

ભારતીય સંસ્કૃતિ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે, આપણે ધરતી, વૃક્ષ, નદી, પર્વત સૌની કૃતજ્ઞતાપૂર્વક પુજા કરીએ છીએ. આ પર્યાવરણ પ્રેમ આપણને ઋષિઓએ શીખવ્યો છે. માણસ, જીવસૃષ્ટિ અને પ્રકૃતિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેનો જવાબ ભાગવત આપે છે. આ ત્રણ વસ્તુ માનવી શીખી લે તો તેને મંદિર જવાની જ‚ર નથી.

કથા સમાપન દિને આજે વ્યાસપીઠ પરથી તેમણે અનુરોધ કર્યો હતો કે, તમારી કમાણીનો ૧૦મો ભાગ પરર્માથમાં લગાડો. આજ રીતે તમારા સમયનો ૧૦મો ભાગ સેવા કાર્યમાં લગાડો. તેમણે કહ્યું કે, મનમાં વિશ્ર્વાસ હોવો જોઈએ. બુદ્ધિમાં વિવેક હોવો જોઈએ અને હાથમાં સેવા હોવી જોઈએ. ભાગવત આપણને પરમાર્થના માર્ગે ચાલવાનો ઉપદેશ કરે છે. શ્રીમદ ભાગવતએ ભગવાન શ્રીકૃષ્ણનું જ વાંગમય સ્વ‚પ છે. ભગવાન પોતે જે બોલ્યા છે, તે જ આમાં લખ્યું છે. આને ઉપદેશ માનો, આદેશ માનો કે સંદેશ માનો. બુદ્ધિને વિવેકની જ‚ર છે. મનને દ્રઢ વિશ્ર્વાસની જ‚ર છે.

શ્રીકૃષ્ણ સત્-ચિત્-આનંદ સ્વ‚પ છે, સર્વ જગ્યાએ છે. વિશ્ર્વના સર્જક, ઉઘ્ધારક અને સર્વવ્યાપક છે. પૂર્ણોવત્તાર છે, આદિનારાયણ દેવ છે. શ્રીકૃષ્ણ ક્રાંતિકારી અને ભાગવત ગીતાના કૃષ્ણ સિઘ્ધાંતવાદી હતા. આજે શ્રી કૃષ્ણ જન જન અને કણ કણમાં છે. જયાં સુધી મન કૃષ્ણ સાથે ન જોડાય ત્યાં સુધી હૃદયમાં અનુભવ થતો નથી. ભાગવત કથા કૃષ્ણ યોગ છે, તેમાં સ્વયંને સમર્પિત કરવાનું હોય છે. આજે વ્યકિતનું મન અનેક પ્રવૃતિઓમાં મગ્ન બન્યું છે. ઈચ્છા-અપેક્ષાઓ વધે તેમ માનવી વધારે વ્યસ્ત થતો હોય છે. આપણામાં એકાગ્રતાનો અભાવ છે, આપણે જયાં હોઈએ ત્યાં સો ટકા સમર્પિત થઈએ તો જ જાગૃતિ આવે, જે વ્યકિતમાં એકાગ્રતા નથી એવી વ્યકિતનો ઈશ્ર્વર સાથે યોગ શકય નથી. ગાતા ગાતા સ્વયં ગીત બની જાઓ, આ મન:સ્થિતિ યોગની અવસ્થા છે. કથામાં મનને ચોટાડી રાખો, કથા જીવનમાં પરિવર્તન લાવે છે. કોઈપણ કાર્ય એકાગ્રતાથી કરો, ભયથી નહીં ભાવથી કરો, સમર્પિત થઈને કશો કથાનું શ્રવણ અનેકવાર કરો, સતત સિઘ્ધાંતોની ધારા મન પર પડે છે ત્યારે ઘણી બધી અવિધાનો નાશ થાય છે.

આજે કથા પ્રારંભ પૂર્વે બ્રહ્મસેતુ સંસ્થાના કાર્યક્રમ તથા કથામાં સેવા આપતા મહિલા મંડળના બહેનોએ વ્યાસપીઠે ભાગવત પૂજા કરીને ભાઈશ્રીનું માલયાર્પણ અને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આજે કથામંડપમાં રકતદાન કેમ્પ છે. જેમાં શ્રીમદ રાજચંદ્ર મિશન, યુવી કલબ, રાજકોટ અને પંચનાથ મંદિર સંસ્થાઓના સહયોગથી પ્રથમ તબકકે જ ૫૦ બોટલનું રકતદાન નોંધાયું હતું અને રકતદાતાઓની કતાર લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.