પરમ શાંતી અનુભૂતિ કરાવતું રાજકોટની ભોગોળે આવેલું રામચરિત માનસ મંદિર

શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, ફુલડોલ ઉત્સવ સહિતના તહેવારો ઉજવાય છે: ગૌશાળામાં ૭૦ જેટલી ગાયોની સેવાચાકરી

રાજકોટની ભાગોળે માત્ર ૧૩ કિલોમીટરના અંતરે મોરબી હાઇવેથી ત્રણેક કિલોમીટર દૂર રતનપર ગામે વિશાળ જગ્યામાં પથરાયેલુ રામચરિત માનસ મંંદિર અદભૂત વાતાવરણની સાથે પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે. આ મંદિરનો પાયો સન ૧૯૭૦માં નખાયેલો. હાલ ટ્રસ્ટી પ્રવિણસિંહ સુરુભા ઝાલાના માર્ગદર્શન હેઠળ ૩૦થી ૩૫ સેવકો મંદિરની સેવા ચાકરી, પરિસરને સ્વચ્છ રાખી સુંદર બતાવી રહ્યા છે. મુખ્ય મંદિર રામદરબાર જેની ડાબી બાજુએ રામેશ્ર્વર મહાદેવ તેમજ જમણી બાજુએ દ્વારકાધીશજીનું સુંદર મંદિર આવેલું છે. આ ઉપરાંત મુખ્ય મંદિરમા ગાયત્રીમાતા, સંતોષી માતા, અંબે માતા, સત્યનારાયણ દેવ વગેરે દેવી-દેવતાઓના મંદિરો દશ્યમાન થાય છે.

મુખ્ય મંદિરનુની નીચે જલારામ બાપાનુ તેમજ રણછોડદાસજી બાપુનુ મંદિર આવેલુ છે. રણછોડ દાસજી બાપુના મંદિર નજીક સમાધિ સામે ૧૧ કિલોનો પાણીમાં તરતો પથ્થર નજરે પડે છે.

જે જોઇ શ્રધ્ધાળુઓ ચોકકસ અચંબિત થાય છે.

રામ ચરિત માનસ મંદિરમાં રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા છે. આ ઉપરાંત અહીં રામનવમી, શિવરાત્રી, ફુલડોલ ઉત્સવ, જન્માષ્ટમી સહિતના તહેવારો ધામધૂમથી ઉજવાય છે. તહેવારો દરમિયાન આવતા ભાવિકોને ફરાળ પ્રસાદ કરાવવામાં આવે છે. રામજીના સાંનિધ્યમાં મંદિર સામેના વિશાળ પટાંગણમાં સાતમ- આઠમનો મેળો ભરાઇ છે. જેનો દરવર્ષે આશરે પાંચ લાખથી વધુ લોકો લાભ લ્યે છે.

આ ઉપરાંત ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રીમાં આઠમનો હવન તેમજ ભકતો પોતાની માનતાનો પણ હવન કરાવે છે.

મંદિર પરિસરમાં વિશાળ ગૌશાળા આવેલી છે જયાં આશરે ૭૦ જેટલી ગાયોની સેવા ચાકરી થાય છે. મુખ્ય મંદિરની વિશેષના જોઇએ તો આખા મંદિરમાં સુવર્ણઅક્ષરે રામાયણ લખાયેલી છે. તે જોઇને ભાવિકો ભાવવિભોર બની જાય છે. રોડ પરથી મંદિર વિશાળ ધનુષ્ય આકારનું જોવા મળે છે. બે માળ જેટલું ઉંચુ મંદિર અને તેના પરિસરમાં રમણીય વૃક્ષો, ફુલ છોડથી નિરવ શાંતિની અનુભુતિ થાય છે. અહીં ભાવિકો પરિવાર સાથે પધારી આનંદની અનુભુતિ કરે છે…..

ડિરેકટર: પ્રિત ગોસ્વામી

એન્કર: મનોજ ઠકકર

કેમેરામેન: નિશિત ગઢીયા, જૂનેદ જાફાઇ

Loading...