Abtak Media Google News

ભંગાર અને પથ્થરોમાંથી અદ્ભૂત કલાકૃતિ બનાવી શહેરના સર્કલો અને ડિવાઈડરો પર મુકાશે: મ્યુનિ.કમિશનર

રાજકોટનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરને સુંદર, સ્વચ્છ અને રળિયામણુ બનાવવા માટે મહાપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ઐતિહાસીક વારસાને જીવંત રાખવા જુદા જુદા સર્કલો અને ડિવાઈડરો પર અદ્ભૂત કલાકૃતિ મુકવા માટે રાજકોટ સ્કલ્પચર પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી રાજકોટની નવી ઓળખ ઉભી થશે.આ અંગે આજે એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મહાપાલિકાએ સ્ક્રેપ મટીરીયલમાંથી સ્કલ્પચર તૈયાર કરવા માટે આર્ટજન એજન્સી તથા સ્ટોનમાંથી સ્કલ્પચર બનાવવા માટે સ્ટોન ટેકનોલોજી સાથે હાથ મિલાવ્યા છે. શહેરના રેસકોર્સમાં આર્ટ ગેલેરી નજીક હાલ ૮મી ઓકટોબર સુધી સ્કલ્પચર યોજાશે. જેમાં સ્ક્રેપ મટીરીયલમાંથી ૧૦ થી ૨૦ ફૂટ ઉંચાઈના ઘોડા, સ્માર્ટ સિટીનો લોગો, સીંગદાણા, બ્લેક બર્ગ, સિંહ, ગાંધીજીનો ચરખો, ભાતીગળ પહેરવેશ ધરાવતા માણસની પ્રતિકૃતિ અને શહેરની એન્જીનીયરીંગ ઓળખ આપતું સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જયારે પથ્થરોમાંથી જયપુરની સ્ટોન ટેકનોલોજી સેન્ટરના કલાકારો દ્વારા મુવીંગ આઈ, સીફ, બેટી બચાવની પ્રતિકૃતિ, સેવ ટ્રી, સેવ પ્લાનેટ, પર્યાવરણને ઉત્તેજન મળે તેવા હેતુની પ્રતિકૃતિ, ગુફાઓ, એનર્જી ચેર વગેરે તૈયાર કરવામાં આવશે.આ માટે એચ.જે.સ્ટીલ અને ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ૧૦ ટનથી વધુ સ્ક્રેપ આપવામાં આવ્યો છે.જયારે ખોડલધામ મંદિર દ્વારા ૧૦ ટન પથ્થરો આપવામાં આવ્યા છે.તેઓએ ઉમેર્યું હતું કે, કલાકારો દ્વારા જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી રહ્યું છે તે વર્કશોપ સવારે ૧૧ થી સાંજના ૭ વાગ્યા સુધી આગામી ૧૦મી ઓકટોબર સુધી ચાલુ રહેશે. શહેરીજનોને વર્કશોપની મુલાકાત લઈ કલાકારોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.