રાજકોટના નવા અધતન એસ.ટી. બસ સ્ટેન્ડમાં ઢેબર રોડ ઉપરાંત કનક રોડ ઉપર પણ દરવાજો રહેશે

367

વેપારી અને ટ્રાવેલ્સ સંચાલકોને ફાયદો થશે: અગાઉ અહીયા ઝાંપલી’ હતી જે ભારે વિવાદાસ્પદ, બની હતી!

રાજકોટનાં ઢેબર રોડ ઉપર આવેલ જૂના એસ.ટી.બસ સ્ટેન્ડથની જગ્યાએ હાલ તદન અધતન અને એરપોર્ટ કક્ષાનું રૂ.૧૫૪ કરોડનાં ખર્ચે નવું એસ.ટી.બસ સ્ટેશન બની રહ્યું છે.

વ્યાપક સગવડતા વાળા આ નવા એસ.ટી. બસ સ્ટેન્ડમાં ઢેબર રોડ ઉપર, અને પાછળના ભાગે કનક રોડ એમ બંને બાજુ મળી બે દરવાજા બનાવવામાં આવનાર છે.

ખાસ કરીને કનક રોડ ઉપરનો દરવાજો મુસાફરોની સગવડતાને ધ્યાને લઈ અવર જવર માટે બનાવવામાં આવનાર છે. રાજકોટ એસ.ટી. વિભાગનાં ડી.સી. દિનેશ જેઠવાના જણાવ્યા મુજબ કનક રોડ ઉપરનો દરવાજો ખાસ કરીને મુસાફરોની અવર જવર માટે જ રહેશે આ દરવાજેથી બસો પસાર નહી થાય.

અત્રે યાદ રહે કે, ઢેબર રોડ ઉપર જૂનુ બસ સ્ટેન્ડ હતુ ત્યારે કનક રોડ ઉપર મુસાફરોની અવર જવર માટે એક ઝાંપલી હતી અને આ ઝાંપલી જે તે સમયે ટ્રાવેલ્સ સંચાલકોની અવર જવરનાં કારણે વિવાદાસ્પદ બની હતી એસ.ટી. તંત્રએ અનેકવાર આ ઝાંપલી બંધ કરી દીધી હતી. જો કે, ફરી ગમે તે કારણોસર આ ઝાંપલી ખૂલ્લી પણ થઈ ગઈ હતી.

હવે જયારે નવું જ બસ સ્ટેન્ડ બની રહ્યું છે. ત્યારે, કનકરોડ ઉપર ઝાંપલીની જગ્યાએ નવો દરવાજો જ બનનાર છે. ત્યારે, મુસાફરોની સાથોસાથ કનક રોડના વેપારીઓ અને ટ્રાવેલ્સક સંચાલકોને પણ ઘણા સ્વરૂપે ફાયદા કારક જ રહેશે!

 

Loading...