Abtak Media Google News

મૃતકના જમણા હાથે ઇન્જેકશન લગાવ્યાના નિશાન: ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાયું: મૃતક મેકઅપ આર્ટીસ્ટ હોવાનું ખુલ્યું

શહેરના જગન્નનાથ પ્લોટના મેકઅપ આર્ટીસ અને મહિલા તબીબે કાલાવડ રોડ પર પ્રિન્સેસ સ્કૂલ પાછળ જાનકી પાર્કમાં પિતાના ઘરે બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવતા ફરજ પરના તબીબે મોત નીપજ્યાનું જાહેર કર્યુ છે. મૃતક મહિલા તબીબના જમણા હાથે ઇન્જેકશન લગાવ્યું હોવાના નિશાન જણાતા પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બીગ બજાર પાછળ આવેલા જગન્નનાથ પ્લોટમાં રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા તબીબ પૂજાબેન વિનીતભાઇ બેડીયા નામની ૨૭ વર્ષની પટેલ પરિણીતાનો કાલાવડ રોડ પર આવેલા જાનકી પાર્કમાં રહેતા પિતા જીતુભાઇ પટેલના ઘરે બાથરૂમમાંથી બેભાન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પૂજાબેન બેડીયાને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા જયાં તેઓ મૃત્યુ પામ્યાનું જાહેર કરાતા પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

પૂજાબેન બેડીયા કંઇ રીતે બેભાન બની મૃત્યુ થયું તે અંગેનું ચોકક્સ કારણ જાણવા માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એ.ખાચર અને રાઇટર રવિરાજસિંહ સહિતના સ્ટાફે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના જમણા હાથમાં ઇન્જેકશન લગાવ્યું હોવાના નિશાન હોવાનું બહાર આવ્યું છે.

મૃતક પૂજાબેન ચીનમાં એમબીબીએસ સુધીનો અભ્યાસ કર્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેકઅપ આર્ટીસનો કોર્ષ પણ કર્યો હોવાનું બહાર આવ્યું છે. મૃતક પૂજાબેન બેડીયાના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.