રાજકોટના વોર્ડ નં. 15માં બુલડોઝર ત્રાટક્યું: 1.50 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ

રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાને ફાળવવામાં આવેલી જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે કોર્ટ કેસ ક્લિયર થતાની સાથે જ ટાઉન પ્લાનીંગ શાખા વહેલી સવારે બૂલડોઝર સાથે ત્રાટકી: સામાન્ય રકઝક

રાજકોટ મહાનગરપાલિકાની  ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર ૧૫માં થોરાળામાં આવેલા રામનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને ફાળવવામાં આવેલી જમીન પર ખડકાયેલા ૧૩ બાંધકામો પર બુલડોઝર ફેરવી બજાર કિંમત મુજબ આશરે દોઢ કરોડ રૂપિયાની ૬૫૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન સામાન્ય રકઝક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નંબર ૧૫માં રાજ્ય સરકાર દ્વારા તા.૧૪/૨/૧૯૪૬ના  નોટિફિકેશન મુજબ પાલિકાને સરવે નંબર ૨૧૫ પૈકીની ૬૫૦ ચોરસ મીટર જમીન સોંપવામાં આવી હતી. આ જમીન પર ગેરકાયદે બાંધકામ ખડકાયેલા હોય જે દૂર કરવા માટે બે વર્ષ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન અસરગ્રસ્તે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે તમામ અસરગ્રસ્તોને સાંભળ્યા બાદ નિર્ણય લેવા મહાપાલિકાને તાકીદ કરી હતી. કોર્ટના આદેશ મુજબ મહાપાલિકાએ પણ તમામ લોકોને સાંભળ્યા હતા. સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટેનો કેસ ક્લિયર થતા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ આદેશને પગલે આજે સવારે ટાઉન પ્લાનીંગ શાખા દબાણ શાખા વિજિલન્સ શાખા સહિતનો કાફલો શહેરના વોર્ડ નંબર ૧૫માં નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં ત્રાટક્યો હતો. અહીં સરકારે કોર્પોરેશનને ફાળવેલી જમીન પર ગેરકાયદે ખડકાયેલા ૧૩ જેટલા બાંધકામો દૂર કરી દોઢ કરોડની ૬૫૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન સામાન્ય રકઝક થવા પામી હતી. જો કે પોલીસ અને વિજિલન્સ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

Loading...