રાજકોટ તાલુકા ભાજપની જ્ઞાતિ આધારીત ગંદી રાજરમત

121

જ્ઞાતિનું ગંદા રાજકારણે કાદવમાં ખીલતા ખુબસુરત કમળને કાદવ લગાવ્યો: તાલુકા પંચાયતનો વંશ પરાપરાગત વારસો સમજતા અને કોંગ્રેસને ડુબાડી ભાજપમાં આવનાર નેતાઓ વચ્ચેના ગજગ્રાહના કારણે રાજકોટ લોકસભાની સીટ જોખમમાં મુકાશે ?: તાલુકા પંચાયતમાં રિવોલ્વર તાકવાની ઘટનાના ગાંધીનગરમાં પડઘા પડશે

રાજકોટ જિલ્લા અને તાલુકા ભાજપમાં જ્ઞાતિ આધારીત ચાલતી ગંદી રાજરમતા કારણે કાદવમાં ખીલતા ખુબસુરત કમળના ફૂલને કાદવ લગાડવા જેવી ઘટનાના છેક ગાંધીનગર સુધી પડઘા પડયા છે. ભાજપના જ બે જુથ વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે રાજકોટ લોકસભાની સીટ જોખમમાં મુકાઈ તેવી સ્થિતિ સર્જાતા ભાજપ મવડીઓએ રાજકોટ તાલુકા ભાજપમાં ચાલતી હુંસાતુંસી અને તાકાતના વરવા પ્રદર્શનનો તાકીદે નિવેડો લાવવો જરૂરી બન્યો છે.રાજકોટ તાલુકા પંચાયતને પોતાની વંશ પરંપરાગત વારસો સમજતા ભાજપના એક જૂથ સામે કોંગ્રેસને ડુબાડી ભાજપમાં આવનાર નેતા વચ્ચે તાલુકા પંચાયત કચેરીમાં જ ટીડીઓની ચેમ્બરમાં રિવોલ્વર તાકવાની બનેલી ઘટનાથી શીસ્તબધ્ધ મનાતા ભાજપ અશિસ્ત પક્ષ બની રહ્યો છે.

રાજકોટ તાલુકા ભાજપમાં બે ચોક્કસ જ્ઞાતિ વચ્ચે ચાલતા ગજગ્રાહ અને તાકાતના વરવા પ્રદર્શનની લડાઈ વર્ષો જૂની છે અને આ જ કારણે ચૂંટણી સમયે ખોખડદડ ખાતે આહિર અગ્રણીની હત્યા પાછળનું પણ કારણ ગંદી રાજરમત હોવાનું કહેવાય છે. આવા જ કારણોસર સરધાર ખાતે રાજકોટ તાલુકા પોલીસ મથકના ફોજદાર ગજીયાની પણ હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું છે.રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાને ટૂંકા સમયમાં જ પ્રમુખપદેથી હટાવવાની અદ્ભૂતપૂર્વ ઘટના પાછળ પણ જ્ઞાતિનું રાજકારણ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. રાજકોટ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું એક જૂથ ભાજપમાં પડયા બાદ ખુરશીની ખેંચતાણ અને ગંદી રાજરમતના આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મહત્વનું પરિબળ બની રહે તેમ રાજકીય વિવેચકો કહી રહ્યાં છે.

રાજકોટ તાલુકા ભાજપમાં અને સહકારી ક્ષેત્રમાં ચાલતા જ્ઞાતિ આધારીત રાજકારણમાં કોંગ્રેસનું જુથ ભાજપમાં આવતા એક મ્યાનમાં બે તલવાર જેવી સ્થિતિ સર્જાવાના કારણે જ તાલુકા પંચાયત વંશ પરંપરાગત જાળવી રાખવાનું અને કોંગ્રસને ડુબાડી ભાજપમાં આવેલા નેતાઓની હુંસાતુંસીના ગાંધીનગર સુધી પડઘા પડયા છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં હાજરી છે ત્યારે જ રાજકોટ તાલુકા પંચાયતમાં ટીડીઓની ચેમ્બરમાં ગ્રાન્ટની ફાળવણી બાબતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હરદેવસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાના પુત્ર ટીકુભા જાડેજા વચ્ચે બબાલ થતાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરીબા જાડેજાના પતિ લાલુભા જાડેજાએ લમણે રિવોલ્વર તાકવાની ઘટનાથી ગુંડાગીરીના વરવા દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ તાલુકા પંચાયત રૂ.૩.૦૫ કરોડની ગ્રાન્ટ માધાપર, સરધાર અને ખોખડદડ ગામમાં જ વાપરવાના નિર્ણય સામે વિરોધ કરી રાજકોટ તાલુકાના અન્ય ૯૩ ગામમાં પણ વાપરવાના મુદ્દે બઘડાટી બોલી હતી.

રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય હરદેવસિંહ જાડેજાની ૧૧૨ મુજબ ટીડીઓને સામાન્યસભા બોલાવવા પ્રમુખને દરખાસ્ત કરવા અથવા તો ટીડીઓ સમક્ષ હુકમ સાથે રજૂઆત કરવા ગયા હતા ત્યારે ત્યાં હાજર તાલુકા પંચાયત પ્રમુખના પતિ લધુભાએ હુમલો કરતા પૂર્વ પ્રમુખ ઘોઘુભાના પુત્ર ટીકુભાએ રિવોલ્વર તાકી ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા અને ઘોઘુભાના ઈશારે રાજુ ચાવડા, વિજય દેસાઈ, ચેતન પાણ, જમાલ સહિતના રાજકીય આગેવાનોએ હુમલો કર્યાના આક્ષેપ સાથે હરદેવસિંહ જાડેજા પ્રનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા અને સામાજીક ન્યાય સમીતીના ચેરમેનને રિવોલ્વર બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો આક્ષેપ કર્યો હતો અને જે અંગેના વિડિયો ફૂટેજ પણ રજૂ કરવાની તૈયારી બતાવી હતી. જો કે પોલીસે હરદેવસિંહ જાડેજાની ફરિયાદ નહીં પણ અરજી સ્વીકારી છે.

ભાજપમાં પોતાની તાકાત વધતા કેટલાકને ખૂંચતુ હોવાનું આક્ષેપ કરી પોતાના પર હુમલાનું કાવતરુ ઘડાયાનો હરદેવસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે ત્યારે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ હરદેવસિંહને ભ્રષ્ટાચારી અને ભાજપ-કોંગ્રેસમાં આવન-જાવન કરનાર ગણાવી તેઓનું કોઈ સ્ટાન્ડર્ડ ન હોવાના કરેલા આક્ષેપ સામે પોતે ભ્રષ્ટાચારી હોય તો તપાસ કરાવવાનું હરદેવસિંહે કહ્યું હતું.

Loading...