Abtak Media Google News

ગરમી ૧૭ વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના

આવતીકાલથી ૨૯મી સુધી હિટવેવની આગાહી કરતુ હવામાન વિભાગ: થોડા દિવસો રાહત અનુભવ્યા બાદ ફરી આકરો તાપ સહન કરવો પડશે

આ ઉનાળામાં ગરમી ૧૭ વર્ષનો રેકોર્ડ તોડે તેવી પ્રબળ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલી સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૫એ પહોચવાનો છે. હવામાન વિભાગે આવતીકાલથી ૨૯મી સુધી હિટવેવની આગાહી વ્યકત કરી છે. અગાઉ થોડા દિવસ લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ત્યારે હવે ફરી આકરો તાપ સહન કરવાનો વારો આવશે.

હવામાન વિભાગે આવનારા પાંચ દિવસમા રાજયમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૬ ડિગ્રી સુધી પહોચે તેવી આગાહી આપી છે. છેલ્લે ૨૦૦૨માં એપ્રીલ મહિનામાં પારો ૪૫ ડિગ્રીને આંબી ગયો હતો. એટલે આ વખતે ગરમી ૧૭ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર ઉતર પશ્ર્ચિમી ગરમ હવાનું મોજુ ફરી વળે તેમ છે. સાથે જ બંગાળની ખાડી પર પણ એક વાવાઝોડુ સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડુ ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે જેના કારણે ગરમ અને સુકા પવનો ફૂંકાશે.

વાતાવરણમાં મધ્ય લેવલે સક્રિય થયેલા હાઈપ્રેશરથી તા.૨૬ થી ૨૯ એપ્રીલ સુધી ભારે ગરમી પડવાની શકયતા છે. આજે ગૂ‚વારે ગરમીથી રાહત રહ્યા બાદ આવતીકાલે શુક્રવારથી રાજયમાં ક્રમશ: ગરમીનો પારો વધવાનો છે. સૌરાષ્ટ્રનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી તેમજ રાજયનાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છમાં સુકા પવનો ફૂંકાશે જેથી આ શહેરોમાં હીટવેવની આગાહી વ્યકત કરવામાં આવી છે.

આજના તાપમાન ઉપર નજર કરીએ તો અમરેલીમાં ૪૩.૨ સે. સુરેન્દ્રનગરમાં ૪૨.૦ સે, અમદાવાદમાં ૪૧.૯સે., ગાંધીનગરમાં ૪૧.૮ સે., રાજકોટમાં ૪૧.૩સે. અને ડીસામાં ૪૦.૮.સે., નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પૂર્વે રાજયભરમાં કમોસમી વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી ત્યારે ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી જોકે હવે ફરી લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.