Abtak Media Google News

દિવાળીના સાત દિવસ નીમીતે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ ૩૮ લાખની આવક ઉપજી

રાજકોટ એસટીને લાભ પાંચમના લાભા-લાભ થયા હોય તેવું જણાય રહ્યું છે. લાભ પાંચમે રાજકોટ એસટીને કુલ ૬૪.૩૦ લાખની આવક થઈ છે તે રેકોર્ડબ્રેક છે. ઉપરાંત દિવાળીના સાતેય દિવસમાં ગત ૨૦૧૭ના વર્ષમાં ૨.૪ લાખની ઈન્કમ થઈ હતી જયારે આ વર્ષે વધીને ૨.૪૨ લાખની આવક ઉપજી છે. એટલે કે, ગત વર્ષ કરતા આ વર્ષે કુલ ૩૮ લાખની વધારાની આવક થઈ છે.

રાજકોટ એસટી ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ બસ દોડાવવામાં આવી હતી. આ વર્ષે કુલ ૫૦ જેટલી બસો દોડાવવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર વધુ બસ દોડાવવામાં આવી હતી. જેમાં સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, ભાવનગર તેમજ અમદાવાદ, કચ્છ, સુરત, બરોડા સહિતના રૂટ ઉપર વધુ બસો દોડાવવામાં આવી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત દિવાળીએ રાજકોટ એસટી ડિવિઝનને કુલ ૨.૪ લાખની થઈ હતી. જયારે આ વર્ષે દિવાળીના તહેવાર નીમીતે રાજકોટ એસટીને ૨.૪૨ લાખની આવક થઈ છે. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં રૂ.૩૮ લાખનો વધારો થયો છે. આ ઉપરાંત મોટાભાગના મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું અને ઓનલાઈન બુકિંગની પણ ૩૫ લાખની આવક ઉપજી છે.

રાજકોટ એસટી નિગમ દ્વારા મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેમજ તહેવાર નીમીતે મુસાફરો જે-તે સ્થળો પર જઈ શકે તે માટે વધારાની બસો મુકવામાં આવતી હોય છે. અને આગામી દિવસોમાં પણ તહેવાર નીમીતે વધારાની બસો દોડાવાશે. લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે તેના માટે પણ રાજકોટ ડિવિઝન દ્વારા વધારાની ૩૦ બસો દોડાવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.