Abtak Media Google News

વિકાસ કામો માટે રૂ.૨૦૬ કરોડ આપો: મ્યુ.ફાઇનાન્સ બોર્ડમાં કોર્પોરેશનની દરખાસ્ત

ત્રણ અરજન્ટ બિઝનેસ સહિત તમામ ૩૩ દરખાસ્તોને મંજુરીની મહોર મારતી સ્ટેન્ડિંગ: રૂ.૨૨૨.૪૮ કરોડના વિકાસ કામોને બહાલી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૩ અરજન્ટ બિઝનેસ સહિત તમામ ૩૩ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી. શહેરના ૮૬ વિકાસ કામોને વેગવંતા બનાવવા માટે રૂ.૨૦૬ કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં કોર્પોરેશન દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગમાં રૂ.૨૨૨.૪૮ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૩૩ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી છે. ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૧માં ટીપી સ્કીમ નં.૯માં એનીમલ હોસ્ટેલથી આરએમસી હદ સુધીના ૧૨ મીટર ટીપી રોડ પર મેટલીંગ તથા પેવર કામ કરવા માટે રૂ.૩૮.૧૧ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

આલ્ફેડ હાઈસ્કુલ ખાતે નિર્માણાધીન મહાત્માગાંધી અનુભૂતિ કેન્દ્રમાં એટીએમનું સંચાલન એચડીએફસી બેંકને સુપ્રત કરવાની દરખાસ્ત તથા અહીંના સોવેનીયર શોપનું સંચાલન સાબરમતી આશ્રમ પ્રિઝવેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટને આપવા માટેની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૨૦૧૮-૧૯માં રાજકોટ મહાપાલિકાને મળવાપાત્ર ગ્રાન્ટ અન્વયે પણ ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવી છે. શહેરના ભૌતિક આંતરમાળખાકીય સુવિધા, સામાજીક આંતરમાળખાકીય સુવિધા, અર્બન મોબીલીટી, મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિતના અલગ-અલગ ૮૬ કામો માટે રૂ.૨૦૬.૧૩ કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગરમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં શહેરના તમામ ૧૮ વોર્ડના રસ્તાઓ પર પેવર, કાર્પેટ કામ માટે રૂ.૩૩ કરોડની ગ્રાન્ટની પણ માંગણી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.