રાજકોટ, વીંછીયા, લોધિકા અને કોટડા સાંગાણીમાં આજે રૂા.૭૦ કરોડના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, ઈશ્વર પરમાર, ગણપત વસાવા તેમજ ડો.વલ્લભ કથીરિયાની અઘ્યક્ષતામાં ૯ કાર્યક્રમો : રાતે ફ્રેન્ડશીપ વિથ મહાત્મા ગાંધી નાટક

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં આજે રાજકોટ, વીંછીયા, લોધિકા અને કોટડા સાંગાણીમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, ઈશ્વર પરમાર, ગણપત વસાવા તેમજ વલ્લભ કથીરિયાની અઘ્યક્ષતામાં ૯ કાર્યક્રમો યોજવાના છે. જેમાં રૂ. ૭૦ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ સાથે સાંજે ફ્રેન્ડશીપ વિથ મહાત્મા નાટક પણ યોજાનાર છે.

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. જેમાં આજે સવારે પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ૫ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ભુપેન્દ્રસિંહની ઉપસ્થિતીમાં મહાપાલિકા દ્વારા મા વાત્સલય કાર્ડનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. ત્યારબાદ કોટડા સાંગાણી ખાતે તેઓના હસ્તે જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત હેઠળના રૂ.૧૦.૦૨ કરોડના ૧૪ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે રૂ. ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ રાજકોટ આઈટીઆઈના કામનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં મહાપાલિકાના રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે મહાપાલિકાએ તૈયાર કરેલ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આઆ સાથે સવારે વીંછીયામા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે કાર્યપાલક ઈજનેર, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના રૂ. ૩૪.૧૪ કરોડના ૨૬ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે લોધિકામાં ગૌ સેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાના હસ્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટના રૂ. ૨.૨૦ કરોડના ૮ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટના હસ્તે ૪.૯૯ કરોડના ૩૬ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે રાજકોટમાં અધિક્ષક ઈજનેર, વર્તુળ કચેરી, જેટકો- ગોંડલના રૂ. ૭.૯૧ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આમ આજે વિવિધ મંત્રીઓ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લામાં અંદાજીત રૂ. ૭૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે રાતે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ફ્રેન્ડશીપ વિથ મહાત્મા ગાંધી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેવાના છે.

ઉલ્લેખનીય છે કે, મંત્રીઓનાં હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સીલસીલો છેક ૨૫મી જાન્યુઆરી સુધી સતત ચાલતો રહેવાનો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમગ્ર જિલ્લામાં ૧૧૦૦ કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અનેકવિધ જાંજરમાન જાહેર કાર્યક્રમો પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. વધુમાં ફ્રેન્ડશીપ વીથ મહાત્મા ગાંધી નાટકમાં ૨૦૦ કલાકારો પોતાની કલાનાં કામણ પાથરવાના છે. આ નાટકમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર બંને વચ્ચેની મિત્રતા તેમજ બંનેના વિચારો વચ્ચેનાં અંતરની ખુબ સુંદર છણાવટ કરવામાં આવનાર છે. આ નાટકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. જનમેદનીને ધ્યાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

Loading...