૧૮૦૦ ગૌમાતાના લાભાર્થે શ્રીજી ગૌશાળામાં ગુરુવારથી યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ

વિરાટ ડોમ, ગૌસંકુલ અને આચાર્ય નિવાસો સજીધજીને તૈયાર: હજારો શ્રોતાઓ કથાશ્રવણ સાથે મહાપ્રસાદ લેશે: રાજસ્થાની રસોઈયા બોલાવાયા: ખંઢેરી સ્ટેડિયમથી નિકળશે વિશાળ શોભાયાત્રા: શ્રોતાજનોને લાવવા લઈ જવા બસની વ્યવસ્થા

શહેરની ઉતર-પશ્ર્ચિમ ભાગોળે-જામનગર હાઈવે-નવા ક્રિકેટ સ્ટેડીયમ ખંઢેરી સામે આવેલી શ્રીજી ગૌશાળામાં તા.૨૧ ડિસેમ્બરથી ૧૮૦૦ ગૌમાતાઓની સેવાર્થે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રવકતા તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત અને પરમ વિદ્ધાન એવા વૈષ્ણવાચાર્ય ગો.શ્રી.દર્શનકુમારજી મહોદય પરિવાર સાથે પધારી કથા રસપાન કરાવશે. ત્રણ મુખ્ય યજમાનો સાથે ૧૦૮ પોથીજીના સેંકડો પરીવારોની મનોરથી સાંકળ સાથેના આ ભાગવત સપ્તાહની ગૌસંકુલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૧૦૦થી વધુ કાર્યકર્તાઓની ટીમો અનેકો સેવા કાર્યોમાં લાગી ગઈ છે. ગૌસંકુલના પ્રાંગણમાં વિરાટ ડોમ સાથે ત્રણ અલગ-અલગ સ્તરની બેઠક વ્યવસ્થા સાથેની સજાવટ ફુલોથી સજજ આચાર્યપીઠ-સ્ટેજ અને ૧૦૮ પોથી પાટલાઓને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા છે.

જામનગર હાઈવેથી ગૌસંકુલ સુધીનો સમગ્ર માર્ગ કમાનો-દરવાજા-લાઈટ ડેકોરેશન સાથે ગૌમાતાઓના વિશાળ સ્વ‚પોથી સજાવટ સાથે ઝાડવાઓ તેમજ ભવનો રંગીન લાઈટોથી ઝળહળી ઉઠયા છે. આચાર્યના નિવાસ ભવનને અનેરી સુંદરતા સાથે સજાવવામાં આવી રહ્યો છે. સાત દિવસ ચાલનારા આ કથા સત્રમાં ભાવુક શ્રોતાજનો માટે ઉતમ બેઠક વ્યવસ્થા સાથે જલપાન-ચા-પાણી સહિતની વ્યવસ્થા સાથે રોજ સાંજે કથા પૂર્ણ થયે હજારો ભાવુકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે આચાર્ય પરિવાર સહિત શ્રોતાજનોના મંડાણ મહાપ્રસાદ (ભોજન) માટે ખાસ રાજસ્થાની બ્રાહ્મણ રસોઈયાઓની ટીમ બોલાવવામાં આવી છે.

શહેરની ચોતરફથી વૃદ્ધો-સાધન વિહિન શ્રોતા ભાઈ-બહેનોને લાવવા-લઈ જવા બસોની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ધોળકિયા સ્કૂલ પરિવારના વિશેષ સૌજન્યથી પ્રાપ્ત ૧૦ થી વધુ બસો શહેરના ત્રિકોણબાગ-ભકિતનગર સર્કલ-નાનામવા સર્કલ અને ત્રિમૂર્તિ બાલાજી મંદિર રૈયા એકસચેઈન્જ ફુટ રોડ પરથી રોજે રોજે બપોરે ૨:૦૦ વાગ્યે બસ શ્રોતાઓને કથા સ્થળે લઈ જઈ સાંજે કથા શ્રવણ-પ્રસાદ લઈ અને એ જ સ્થળે પરત ઉતારવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પંડાલમાં પ્રસંગને અનુ‚પ ઠાકોરજીના અલૌકિક મનોરથ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહમાં વૈષ્ણવાચાર્ય ગો.શ્રી દામોદરલાલજી મહારાજશ્રી (શ્રી વિજયકુમારજી), ગો.શ્રી.હરિરાયજી તેમજ કથા પ્રવકતા ગો.શ્રી.દર્શનકુમારજી મહોદયશ્રીનો સંપૂર્ણ પરિવાર સાતે દિવસ ગૌસંકુલના આચાર્ય નિવાસે પધારી બિરાજીત રહી વૈષ્ણવોને ધર્મબોધ કરશે.

તા.૨૧ની બપોરે ૩:૦૦ વાગ્યે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસેથી વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાફાધારી યુવાનો-ઘોડેશ્ર્વાર છડીદાર-ઘોડા રથ-કિર્તનીયા સહિતના કાફલા સાથે મુખ્ય પોથીજી સહિત ૧૦૮ પોથીજીની દિવ્ય શોભાયાત્રામાં ખરેડીથી ખાસ બોલાવાયેલી ગૌસેવા રાસ મંડલીની બેન્ડ પાર્ટીના તાલે ધોળકિયા સ્કૂલથી ૬૦થી વધુ બાળાઓ કાઠીયાવાડી વેશભુષા સાથે રાસની રમઝટ બોલાવશે. આ શોભાયાત્રા અને ભાગવત સપ્તાહ સત્રને ગોંડલના (રામ મંદિર)ના સંતશીરોમણી પૂ.શ્રી.હરિચરણદાસજી બાપુએ ગોરાથી ખાસ આર્શીવાદ પાઠવ્યા છે.

૨૩ને શનિવારની રાત્રીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્ય અને હાસ્યકાર રાજુભાઈ ગઢવીનો ડાયરો હસાયરો આયોજીત કરવામાં આવ્યો છે. તા.૨૪ની સવારે ૧૦ વાગ્યે ગૌઆધારી ઓર્ગેનીક ખેતી માટે ખેડૂતોનું સંમેલન યોજવામાં આવેલ છે. જેમાં જાણીતા તજજ્ઞો જૈવિક ખેતી વિશે માર્ગદર્શન કરશે. વળી સૌરાષ્ટ્રની સંતભૂમિના ભજન પ્રિય શ્રોતાજનો માટે ખાસ તા.૨૬ને મંગળવારની રાત્રીએ દેશ-વિદેશમાં વિખ્યાત ભજનરત્ન નિરંજન પંડયાની સંતવાણીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ઉમટી પડવા ગ્રામ્ય શ્રોતાજનોને જાહેર નિમંત્રણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની વિશેષ મુલાકાતે જયંતિભાઈ નગદિયા, રમેશભાઈ ઠકકર, દિલીપભાઈ સોમૈયા, ભુપેન્દ્રભાઈ છાંટબાર અને દિનેશભાઈ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા.

Loading...