વડાપ્રધાનના કોવિડ-૧૯ જન આંદોલનમાં રાજકોટ રેલવે ડિવિઝન બન્યું સહભાગી

ડીઆરએમ સહિતના અધિકારી-કર્મચારીઓએ જરૂરી કાળજી રાખી કોરોના સંક્રમણ અટકાવવા લીધી પ્રતિજ્ઞા

કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં દેશ વ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. જેના કારણે તમામ ઉદ્યોગ ધંધા પર તાળા લાગ્યા હતા. સાથો સાથ વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો. વાહન વ્યવહારના તમામ માધ્યમો જેમ કે, રેલ વ્યવહાર, હવાઈ વ્યવહાર, જળ વ્યવહાર સહિતના માધ્યમો ઠપ્પ થયા હતા. પરંતુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા સરકારે ગણતરીની ટ્રેનો દોડાવી હતી. આગામી દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થનારી છે ત્યારે ટ્રેન મારફત ચાલતું કોમર્શીયલ વાહન વ્યવહાર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા રાષ્ટ્ર વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ જન આંદોલન અભિયાનની શરૂઆત કરી છે. જેની અમલવારી રાજકોટ ડિવિઝનલ રેલવે મંડળ પણ કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) પરમેશ્ર્વર ફૂંકવાલની અધ્યક્ષતામાં રાજકોટ રેલવે ડિવિઝનના અધિકારીઓએ પ્રતિજ્ઞા લઈ અભિયાનમાં સહભાગી થવાનું નક્કી કર્યું હતું. કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી સાવચેતીઓ જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વારંવાર સાબુથી હાથ ધોવા સહિતની કાળજી લેવી જરૂરી છે. ત્યારે આ તમામ કાળજીઓનું પાલન રાજકોટ રેલવે ડિવિઝનના અધિકારી, કર્મચારી કરશે તેવી પ્રતિજ્ઞા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ ઓખા, દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર સહિતના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ રેલવે મથકના કર્મચારીઓ દ્વારા આ અભિયાનમાં સહભાગી થઈ જરૂરી તમામ સાવચેતીઓ લેવામાં આવશે તેની પ્રતિજ્ઞા લેવામાં આવશે. ઉપરાંત મુસાફરોની જાગૃતિ અર્થે રેલવે સ્ટેશનની હદમાં જરૂરી હોર્ડિંગ્સ અને પોસ્ટરનું પ્રદર્શન ગોઠવી રેલવે તંત્ર મુસાફરોને કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી તમામ કાળજીઓ રાખવા જાગૃત કરશે.

શપથવિધિ સમયે ડીઆરએમ પરમેશ્ર્વર ફૂંકવાલ, એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, સીનીયર ડીસીએમ અભિનવ જૈફ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

Loading...