રાજકોટ પોલીસ વિસ્મય શાહવાળી કરશે? બેખૌફ તબીબ પુત્ર લક્કિરાજે નિર્દોષનો લીધો ભોગ

વિસ્મય શાહવાળી રાજકોટ પોલીસ કરશે?

નશો કરેલી હાલતમાં ફુલ સ્પીડે બીએમડબલ્યુની ઠોકર લાગતા બાઇક ચાલક કોર્પોરેશનના કર્મચારી ફંગોળાયા

ફિલ્મી સ્ટાઇલમાં પુર ઝડપે ઘસી આવેલી કાર અમુલ સર્કલ બાદ બાઇકને હડફેટે લઇ ડીવાઇડર સાથે અથડાય

ત્રંબાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણી રાતે સાડા દસે કારમાં નીકળેલા લક્કીરાજ સામે કર્ફર્યુ ભંગનો ગુનો નોંધાયો હોત તો નિર્દોષ બચી જાત

અમદાવાદ પોલીસની જેમ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકીય દબાણ વિના કાર્યવાહી કરશે?

અમદાવાદના તબીબ પુત્ર વિસ્મય શાહે અકસ્માતની હારમાળા સર્જી નિર્દોષને કચડી નાખવાની કમકમાટી ભરી ઘટના જેવી જ ઘટના રાજકોટના ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસે બની છે. મવડી વિસ્તારમાં ક્લિનીક ધરાવતા ભગવાનજી પટેલના નશાખોર પુત્રએ બાઇક ચાલકને ચગદી નાખી નિર્દોષનો ભોગ લીધાની કરૂણ ઘટના બની છે.

અમદાવાદના તબીબ પુત્ર વિસ્મય શાહે પણ દારૂની મહેફીલ માણી હીટ એન્ડ રનની ઘટનાથી નિર્દોષનો ભોગ લીધો હતો તેમ રાજકોટના તબીબ પુત્ર લક્કીરાજે પણ દારૂની મહેફીલ માણી કોર્પોરેશનના કર્મચારીને હડફેટે લઇ મોત નીપજાવ્યાનું થોરાળા પોલીસમાં નોંધાયું છે.

અમદાવાદ પોલીસે વિસ્મય શાહ સામે સમગ્ર રાજયમાં દાખલારૂપ કડક કાર્યવાહી કરી હોવાથી અમદાવાદ પોલીસની કામગીરીની પ્રસંશા થઇ હતી તે રીતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ લક્કીરાજ ભગવાનજી પટેલ સામે કડક કાર્યવાહી કરશે કે પછી રાજકીય દબાણ હેઠળ સમગ્ર ઘટના રફેદફે થઇ જશે તેવી ચર્ચા થઇ રહી છે.

રૈયાધાર વણકરવાસમાં રહેતા જયંતીભાઇ પૂંજાભાઇ રાઠોડ નામના ૪૫ વર્ષના પ્રૌઢ જી.જે.૩એલકે. ૩૭૧૯ નંબરના બાઇક પર ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે કાળ બનીને ઘસી આવેલી જી.જે.૧૨એકે.૭૭૮૫ નંબરની બીએમડબલ્યુ કારના ચાલક લક્કીરાજ ભગવાનજી પટેલે હડફેટે લેતા ફંગોળાઇ જતા ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઇ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

બનાવને નજરે જોનારના કહેવા અનુસાર પુર ઝડપે ઘસી આવેલી બીએમડબલ્યુ કાર પ્રથમ અમુલ સર્કલ સાથે અથડાતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી જયંતીભાઇ રાઠોડના બાઇકને ઠોકર મારી રોડ ડીવાઇડર સાથે અથડાયા બાદ કાર ઉભી રહી હતી. કાર ડીવાઇડર સાથે અથડાયને ઉભી ન રહી હોય તો વધુ જીવલેણ અકસ્માત સર્જી શકે તેમ હોવાનું કહેવું છે.

જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયા અને પી.એસ.આઇ. એચ.બી.વડાવીયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જતા કાર ચાલક લક્કીરાજ પટેલ ચીકાર નશો કરેલી હાલતમાં મળી આવતા તેની ધરપકડ કરી જીવલેણ અકસ્માત અને નશો કરેલી હાલતમાં કાર ચલાવવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. લક્કીરાજ પટેલને ભાવનગર રોડ પર ત્રંબા નજીક લક્કીરાજ ફાર્મ હાઉસમાં મિત્રો સાથે દારૂની મહેફીલ યોજી હોવાથી તેની સાથે મહેફીલમાં કોણ હતું દારૂ કયાંથી લાવ્યો તે અંગે ઉંડી તપાસ થવી જરૂરી બન્યું છે. લક્કીરાજ ફાર્મ હાઉસમાં અવાર નવાર નબીરાઓની મહેફીલ થતી હોવા છતાં પોલીસ કેમ આંખ આડા કાન કરી રહી છે તેવા સવાલો થઇ રહ્યા છે. રાત્રે કફર્યુ હોવા છતાં ત્રંબાથી અમુલ સર્કલ સુધી કાર લઇને સાડા દસે આવેલા લક્કીરાજને પોલીસ સ્ટાફે કેમ અટકાવ્યો નહી તેવા સવાલ થઇ રહ્યા છે. તેની સામે કફર્યુ ભંગનો રસ્તામાં જ ગુનો નોંધાયો હોત કે દારૂ અંગેનો ગુનો નોંધાયો હોત તો જયંતીભાઇ રાઠોડની જીંદગી બચી શકી હોત તેમ જાણકારો કહી રહ્યા છે. અમદાવાદ પોલીસે વિસ્મય શાહ સામે કરેલી કડક કાર્યવાહીની જેમ અવાર નવાર વિવાદ સર્જતા અને પોલીસ માટે માથાનો દુ:ખાવો બનેલા લક્કીરાજ પટેલ સામે પણ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રલાલે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે. લક્કીરાજ પટેલ જામનગર રોડ પરની એક જાણીતી હોટલમાં ફાયરિંગ કરી ઢોલીને ગોળી લાગી હતી તેમજ માકેર્ટીગ યાર્ડ પાસે પણ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

મૃતક જયંતીભાઇ રાઠોડ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે તેઓ ફરજ પરથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમના અંતિયાળ મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે. તેમને ચાર દિકરી અને એક પુત્ર હોવાનું જાણવા મળે છે.

Loading...