Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ-૧૧

પ્રજાપતિ સમાજનું સમર્થન ભાજપને જ્યારે દલિત સમાજ કોંગ્રેસની વિચારધારાને વરેલો

Aaprajapati

વોર્ડ નંબર ૧૧ ખાતે પ્રજાપતિ સમાજના આશરે ૪ હજાર મતો છે. ત્યારે પ્રજાપતિ સમાજનું સામાજિક સંગઠન શ્રીબાઈ માતાજી પ્રજપતિ સમાજ ટ્રસ્ટના આગેવાનોએ કહ્યું હતું કે, આ વોર્ડમાં હાલ ચાલુ કોર્પોરેટર કોણ છે અમે તે જાણતા જ નથી. આ વોર્ડમાં અમેં કોંગ્રેસને ઓળખતા જ નથી. અમારે જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે અમે ફક્ત એક જ આગેવાનને ઓળખીએ છીએ જેનું નામ રાજુભાઇ બોરીચા છે. અમને જ્યારે પણ અગવડતા પડે ત્યારે અમે રાજુભાઇ બોરીચાને યાદ કરીએ છીએ અને તેઓ અમારા એક ફોનના અવાજે સતામાં નહીં હોવા છતાં કામ કરી આપે છે. અડધી રાત્રે પણ જો મરણના દાખલાની જરૂરિયાત પડે તો રાજુભાઇ સાથે ઉભા રહી છે. કોંગ્રેસના કોર્પોરેટર તો ક્યારેય વિસ્તારમાં દેખાયા જ નથી. તેમણે શું કામો કર્યા છેલ્લા ૫ વર્ષમાં અમને તેનો પણ કોઈ અનુભવ જ નથી. જેથી આ ચૂંટણીમાં ફરીવાર અમે રાજુભાઇ બોરીચા જેવા પ્રતિનિધિને જીત અપાવવા માંગીએ છીએ. ઉપરાંત સીમાંકન બદલવાના કારણે અગાઉ વોર્ડ નંબર ૧૦માં આવતા ભીમનગરનો સમાવેશ વોર્ડ નંબર ૧૧માં કરવામાં આવ્યો છે. ભીમનગરમાં ૯ હજાર દલીત મતદારો વસવાટ કરે છે જેઓ

કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા છે. અહીંના દલીત સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, ભાજપે આજ સુધી દલિતો માટે કંઈ કર્યું જ નથી. અગાઉ વોર્ડ નંબર ૧૦માં આ વિસ્તારનો સમાવેશ થતો હતો ત્યારે અવાર નવાર પાણીની જૂની પાઇપલાઇનમાં ભંગાણ થવાથી પાણીના ટીપે ટીપાં માટે વલખા મારવા અમે મજબૂર બનતા હતા જ્યારે આજે પણ એ જ પરિસ્થિતિ છે કે, પાણી એટલે સમસ્યા. જેથી અમે ભાજપ સાથે તો જવાના જ નથી. ભાજપનું શાસન મનપા ખાતે છે, રાજ્યમાં સરકાર પણ ભાજપની છે તેમ છતાં જો વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો ન થાય, પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ ન થાય તો આવી સરકાર શું કામની છે તે અમને સમજાતું નથી. આ ચૂંટણીમાં દલીત સમાજ ઈચ્છે છે કે, એવો નગરસેવક હોવો જોઈએ જે ૨૪ કલાક પ્રજા માટે ઉપલબ્ધ હોય. સમસ્યા નાની હોય કે મોટી, પ્રજાની સાથે રહીને તેનો ઉકેલ લાવે તેવા જ નગરસેવકને ચૂંટીને અમે મનપા સુધી મોકલીશું.

સંપર્કવિહોણા નગરસેવકોને વોર્ડમાં  કોઈ સ્થાન નહીં: પાટીદાર સમાજ

Apatidar

વોર્ડ નંબર ૧૧ની જો વાત કરવામાં આવે તો અહીં ૭૨ હજાર જેટલા મતદારો છે જેમાં આશરે ૩૦ હજાર જેટલા મતદારો કડવા અને લેઉવા પટેલ સમાજના છે જેથી કહી શકાય કે, પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ છે. પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ ગ્રુપના સક્રિય સભ્યોએ ’અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,

આ વોર્ડમાં વર્ષો જૂની પાણીની સમસ્યાનું હજુ પણ નિરાકરણ થયું નથી. પાણીદાર રાજકોટમાં પ્રજા પાણી માટે વલખા મારી રહી છે તો પણ શાસકો અને તંત્રના કાન સુધી આ વાત પહોંચતી નથી. છેલ્લા દસ વર્ષની જો વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૦માં ભાજપની પેનલ ચૂંટાઈ હતી જ્યારે વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસની પેનલ વોર્ડમાં ચૂંટાઈ હતી. છેલ્લા દસ વર્ષમાં તો કોઈ પણ કામ આ વોર્ડમાં થયા જ નથી જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના નગરસેવકોએ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. વોર્ડની સરકારી શાળા ની પરિસ્થિતિ ખરેખર ’સરકારી’ છે. સુઘડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સારા શિક્ષણના અભાવે લોકો ખાનગી શાળા તરફ વળવા મજબૂર બન્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અગાઉ જે દુ:ખદ પરિસ્થિતિ હતી તેને સુધારવા ગત ટર્મના નગરસેવકોએ પ્રયત્નો કર્યા છે. રોડ-રસ્તા, ડ્રેનેજની સમસ્યાઓ પણ હજુ સુધી દૂર થઈ નથી જેના કારણે પણ લોકોમાં રોષનો માહોલ છે. પાટીદાર સમાજ તો એવું ઈચ્છે છે કે, વોર્ડ નંબર ૧૧માંથી કોંગ્રેસ ધીરજ મુંગરાને જો ટીકીટ આપે તો અમે તેમને જ ચૂંટીને મનપાની ગાદી સુધી પહોંચાડીશું. ધીરજ મુંગરા ખૂબ સક્રિય કાર્યકર છે અને હંમેશા લોકો સાથે રહ્યા છે જેથી અમને આશા છે કે, તેઓ પ્રજાના કાર્યો કરશે જેથી અમે તેમને ચૂંટીને મોકલવા માંગીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.